Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ પોલિસનો સપાટો,કબ્રસ્તાનમાં ફૂલ ચઢાવી બહાર ગપ્પા મારતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા :જિલ્લામાં લોકડાઉન ભંગના કુલ ૯૮૭ કેસ,૧૨૮૫ વ્યક્તિઓની અટકાયત કરી ૫૮૨ વાહનો ડિટેઇન કરાયા

દાહોદ પોલિસનો સપાટો,કબ્રસ્તાનમાં ફૂલ ચઢાવી બહાર ગપ્પા મારતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા :જિલ્લામાં લોકડાઉન ભંગના કુલ ૯૮૭ કેસ,૧૨૮૫ વ્યક્તિઓની અટકાયત કરી ૫૮૨ વાહનો ડિટેઇન કરાયા

નીલ ડોડીયાર @ દાહોદ  

દાહોદમાં કબ્રસ્તાનમાં ફૂલ ચઢાવી બહાર ગપ્પા મારતા ચાર શખસો પોલીસની ઝપટે ચડ્યા,દાહોદ જિલ્લામાં લોકડાઉન ભંગના કુલ ૯૮૭ કેસ, ૧૨૮૫વ્યક્તિની અટક અને ૫૮૨ વાહનો ડિટેઇન

દાહોદ તા.09

દાહોદમાં લોકડાઉનનો ભંગ કરી રહેલા ચાર શખસોને ટાઉન પોલીસે પકડી પાડી તેની સામે જાહેરનામાના ભંગની કાર્યવાહી કરી છે.
ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ એવી છે કે, આજે સવારમાં પોલીસ જવાનો અહીંના ચાકલિયા રોડ ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન ટેલીફોન એક્સચેન્જના પાછળના ભાગે આવેલા ગોરીસા બાવાના કબ્રસ્તાન પાસે કેટલાક લોકો ટોળે વળ્યા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું અને ત્યાં ધસી ગયા હતા. પોલીસને આવતી જોઇને કેટલાક લોકો મુઠ્ઠીઓ વાળી નાસી છૂટ્યા હતા અને તેમાંથી ચાર શખસો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.

આ શખસો કોઇ પણ પ્રકારની મંજૂરી વગર જ એકઠા થવા બદલ પોલીસે તેની સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી છે. ચારેય શખસોએ પોલીસ સમક્ષ એવી કેફિયત આપી કે તેઓ શબે બારાત અનુસંધાને કબર ઉપર ફૂલ ચઢાવા આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ તા. ૭ના રોજ આજ કબ્રસ્તાનમાં ઇન્દોરથી આવેલા એક પરિવારે દફન વિધિ કરી હતી અને તે પરિવારની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એટલે, પોલીસે અહીં પેટ્રોલિંગ વધારી દીધું હતું, તેવા આ ચાર શખસો ઝડપાઇ ગયા હતા.
દરમિયાન, દાહોદ જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે માહિતી આપી છે કે, સમગ્ર દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં લોકડાઉનના ભંગ બદલ ૯૮૭ કેસ કરવામાં આવ્યા છે અને ૧૨૮૫ લોકોની અટક કરવામાં આવી છે. જ્યારે, કોઇ કારણ વિના વાહન સાથે બહાર લટાર મારવા નીકળેલા ચાલકોના ૫૮૨ વાહનો ડિટેઇન કરી લેવામાં આવ્યા છે અને તેને રૂ. ૧.૫૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

error: Content is protected !!