
આગના બનાવમાં બાઈક,ચાંદી, તેમજ અનાજ મૂંગા પશુઓ બળી જતા પરિવાર નિરાધાર બન્યો
દાહોદ તાલુકાના ચોસાલા ગામે અગમ્ય કારણોસર કાચા મકાનમાં લાગી આગ: ઘરવખરી સહિત પાંચ લાખ રૂપિયાનું સામાન બળ્યું..
સ્થાનિક ધારાસભ્યે ઘટના સ્થળનું જાત નિરીક્ષણ કરી પીડિત પરિવારને 15000 રૂપિયાની સહાય પુરી પાડી
દાહોદ તા.05
દાહોદ તાલુકાના ચોસાલા ગામે ગતરોજ રાત્રી દરમિયાન એક રહેણાંક કાચા મકાનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી.કોઈ કંઈક સમજે તે પહેલા જ આગે વિકરાળ રૂપ ધારણ કરતા સંપૂર્ણ ઘર બળીને ખાખ થઈ જતા અંદાજે મકાન માલિકને 5 લાખ રૂપિયાનું નુકશાન પહોંચ્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના ચોસાલા ગામના ઝરેણાં ફળીયાના રહેવાસી રાહુલ ભાઈ મોરસિંગભાઇ વોહનિયાના કાચા મકાનમાં રાત્રીના સાડા અગ્યાર વાગ્યાના સુમારે અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. જોકે કોઈક કંઈક સમજે તે પહેલા જ આગે વિકરાળ રૂપ ધારણ કરતા આસપાસના ભેગા થયેલા લોકોએ બનાવની જાણ દાહોદ અગ્નિશામક દળને કરતા અગ્નિ શામક દળના લાશ્કરો તાબડતોડ પ્રકાશ સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આ ઓલવી દીધી હતી.જોકે ત્યાં સુધીમાં સંપૂર્ણ ઘર બળીને રાખ થઈ જવા પામ્યું હતું.
આકસ્મિક રીતે લાગેલી આગમાં પાંચ લાખ રૂપિયાનું ઘરવખરીનું સર સામાન બળ્યું..
ગતરોજ ચોસાલાના ઝરેની ફળિયાના રાહુલભાઈ વોહનિયાના ઘરમાં આકાસ્મિક આગ લાગી હતી.જેમાં ઘરમાં મુકેલી એક બાઈક, એક કિલો ચાંદી,અનાજ બે મૂંગા પશુઓ,મળી અંદાજે 5 લાખ રૂપિયાનું નુકશાન પહોંચવા પામ્યું છે.
આગના બનાવમાં ધારાસભ્ય દ્વારા 15 હજારની રોકડ સહાય આપી, સરકારી સહાય માટે કાર્યવાહી શરૂ કરી
ચોસાલા ગામે આકસ્મિક રીતે લાગેલી આગમાં મકાન માલિકને 5 લાખ રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું જે બાબતની જાણ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીને થતા તેઓ તાબડતોડ જાત નિરીક્ષણ અર્થે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.અને પીડિત પરિવાર જોડે મુલાકાત કરી હતી. અને પરિવારજનોને 10000 રૂપિયાની ઘરવખરી તેમજ 5,000 ની રોકડ મળી 15 હજારની તાત્કાલિક સહાય પૂરી પાડી હતી તેમજ સરકારી સહાય પ્રાપ્ત કરાવવા માટે તાત્કાલિક તલાટીને બોલાવી જરૂરી કાગળિયા કાર્યવાહી કરવાની સૂચન આપ્યા હતા.