
108 ઈમરજન્સી સેવાની વધુ એક ઉમદા કામગીરી. જિલ્લા બહાર જઈ સગર્ભા મહિલાનો જીવ બચાવ્યો..
રણધીકપુર લોકેશનની 108 ઈમરજન્સી સેવાની એમ્બ્યુલન્સે પંચમહાલના મોરવા હડફમાં જઈ અધૂરા માસે મહિલાની પ્રસુતિ કરાવી,બે ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો.
દાહોદ તા.03
જગમાં માનવતા સેવા અને સ્મરણના કાર્યને કોઈ સીમા નડતી નથી. માનવીએ નક્કી કરેલી હદો અને સરહદો છે.પરંતુ આ જનસેવાના કાર્યને કોઈ સીમાનો બાધ નડતો નથી તેવો જ એક ઉમદા ઉદાહરણ દાહોદની 108 ઈમરજન્સી સેવાએ સાબીત કરી બતાવ્યું છે.જેમાં અન્ય જિલ્લામાં જઈ સગર્ભા મહિલા માટે દેવદૂત બનીને આવેલી આ એમ્બયુલેન્સ સેવાએ મહિલાની પ્રસુતિ કરાવતા મહિલાએ બે ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો છે.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના વડોદરના મુવાડા ગામની 27 વર્ષીય સગર્ભા મહિલા દક્ષાબેન મુકેશભાઈ પટેલને ત્રીજી વખત પ્રસુતીની પીડા ઉપડતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.ત્યારે અસહ્ય પીડાથી કણસતી આ સગર્ભા મહિલા સાત મહિનાને અધૂરા માસે પ્રસુતીની પીડા ઉપડતા તેની હાલત ગંભીર બની હતી. જોકે તે સમયે મહિલાના પરિવારજનો દ્રારા 108 સેવામા ફોન કરી મદદ માંગી હતી. પરંતુ તેમના વિસ્તારમાં આવતી 108 એમ્બયુલન્સ અન્ય કેસમાં વ્યસ્ત હોવાથી આ મહિલાનો કોલ દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના રણધીણકપુર લોકેશનની એમ્બયુલન્સને મળ્યો હતો.જોકે આ કેસ બીજા જિલ્લાનો હોવા છતાંય કટોકટીના સમયમાં મહિલાનો જીવ બચાવવા માટે રણધીકપુર લોકેશનના ઇએમટી શુભમ પટેલ તેમજ પાયલોટ સાગર હઠીલા 108 એમ્બયુલન્સ લઈ પંચમહાલ જિલ્લામાં આવતી વડોદરના મુવાડા ગામ ખાતે પહોંચ્યું હતું અને ત્યાં પીડાથી કણસતી દક્ષાબેન પટેલને લઈ મોરવા હડફ સીએચસી સેન્ટર ખાતે રવાના થઈ હતી.પરંતુ દક્ષાબેનને હોસ્પિટલ સુધી લઈ જવામાં આવે તો હાલત વધુ બગડે અને તેમના જીવ પર આવી શકે તેમ હોવાથી 108 ના ઇએમટી અને પાયલોટે એમ્બયુલન્સ માંજ આ મહિલાની પ્રસુતી કરાવવાનું નક્કી કર્યું અને ત્યારબાદ પ્રસુતીમાં જોતરાયેલા ઇએમટી અને પાયલોટે થોડીક જ વારમાં પ્રસુતી કરાવતા આ સગર્ભા મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો ત્યારબાદ વધુ એક બાળક મહિલાના પેટમાં હોવાનું ટીમને માલુમ પડ્યું હતું. પરંતુ તે સમયે આ સગર્ભા મહિલાની હાલત થોડી સામાન્ય થતા 108 એમ્બયુલન્સ સેવાએ તાબડતોડ આ મહિલાને મોરવા હડફ સીએચસી ખાતે પહોંચાડી હતી જ્યાં ફરજ પરના હાજર તબીબોએ દક્ષાબેનને બીજી ડીલેવરી કરાવતા એક બાળકીને જન્મ આપ્યો હતો. આમ 108 ઈમરજન્સી સેવાની મદદથી સાત માસના અધૂરા મહિને પ્રસુતાં દક્ષાબેન પટેલે ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો હતો જ્યાં સીએચસી સેન્ટર ઉપર માતા અને બાળકો સ્વસ્થ જણાતા 108 સેવાના ઇએમટી અને પાયલોટ પુનઃ પોતાની ટેરી-ટેરીમાં જવા માટે રવાના થયા હતા.જોકે તે પહેલા ઇમરજન્સી 108 ના કર્મચારીઓની સેવા નજરે જોનાર સગર્ભા મહિલાના પરિવારજનોએ 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓનો આભાર માન્યો હતો.તેમજ તેમની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદદાવી હતી.