
મધ્ય પ્રદેશના ધારમાં બે બાઇક વચ્ચે અકસ્માતમાં 75 વર્ષીય વૃદ્ધાના પગના હાડકાના 7 કટકા થયા: સરકારી દવાખાનામાં દર્દીના પગને બેન્ડેજની જગ્યાએ પૂઠ્ઠા વડે કાર્ટૂનની જેમ પેક કરી દાહોદ રીફર કરાયો.
પગની હાડકીના સાત કટકા થયા હતા,વૃદ્ધને પુઠ્ઠુ બાંધી દાહોદ રેફર કરી દીધો..
કાલીદેવી રામા PHCમાં એક પુઠ્ઠુ બાંધ્યા બાદ ઝાબુઆ CHCમાં બીજુ પુઠ્ઠુ ચઢાવ્યુ!
દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં આવેલા દર્દીને જોઈને તબીબો તેમજ મેડિકલ સ્ટાફ અચરજમાં મુકાયો.
દાહોદ તા.16
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં બે બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એક વૃદ્ધના પગની હાડકીના સાત કટકા થવા સાથે હાથ તેમજ શરીરે પણ ઇજાઓ થઇ હતી. નજીકના કાલીદેવી પીએચસીમાં ખસેડતાં ત્યાં બેન્ડેટ કરવાના સ્થાને વૃદ્ધના પગે પુઠ્ઠુ બાંધી દેવાયુ હતું. ત્યાર બાદ ઝાબુઆ સીએચસીમાં પણ સારવારના સ્થાને અહીં બીજુ પુઠ્ઠુ ચઢાવીને દાહોદ ઝાયડસમાં રીફર કરી દેવાયો હતો. PHC અને CHCમાં પુઠ્ઠા ચઢાવવાની ઘટના દાહોદના હોસ્પિટલમાં ચર્ચાનો વિષય બની હતી. વૃદ્ધને પ્રાથમિક સારવાર બાદ વડોદરા રીફર કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર મધ્ય પ્રદેશના ધાર નજીક ખજુરખાં ગામમાં બુધવારની સાંજના ચાર વાગ્યાના અરસામાં બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે એક બાઇક ઉપર સવાર 75 વર્ષિય રસીદખાન બસીરખાન મકરાણીના પગ અને હાથે ગંભીર ઇજા થઇ હતી. જેમાં એક પગની હાડકીના સાત કટકા થઇ ગયા હતાં. રસીદખાનને તાત્કાલિક અસરથી કાલીદેવી રામા સીએચસી ઉપર ખસેડવામાં આવ્યો હતો. ત્યાંના સ્ટાફે બેન્ડેટના સ્થાને પગે પુઠ્ઠુ ચઢાવી તેને પટ્ટી મારીને ઝાબુઆ સીએચસીમાં રીફર કર્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ ત્યાં પણ તેમના પગે એક બીજુ પુઠ્ઠુ ચઢાવીને તેમને દાહોદ રીફર કરવામાં આવતાં તેઓ સાંજે સાત વાગ્યે ઝાયડસ લાવ્યા હતાં. અહીં પગે પુઠ્ઠુ ચઢાવેલું જોઇને ઝાયડસનો સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. આ બાબત આખા દવાખાનામાં ચર્ચાનો વિષય બની હતી. બસીરખાની ઇજાઓ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ સ્ટેબલ થતાં તેમને રાત્રે એક વાગ્યે વડોદરા રિફર કરવામાં આવ્યા હતાં. પગે પુઠ્ઠુ ચઢાવીને દર્દીને દાહોદ રીફર કરવામાં આવતાં મધ્ય પ્રદેશના પીએચસી, સીએચસીની પરીસ્થિતિ સમજી શકાય તેમ છે
દર્દીના પગને કાર્ટુનમાં રેપ કરી અહીં મોકલાયુ :-સંજયકુમાર,સીઇઓ,ઝાયડસ હોસ્પિટલ,દાહોદ
પેસેન્ટ ઝાબુઆથી રિફર થઇને આવ્યુ હતું.પેસન્ટના પગને કાર્ટુનમાં રેપ કરીને અહીં મોકલવામાં આવ્યુ હતું. પેસન્ટના ડાબા પગ અને ડાબા હાથમાં ઘણી ઇજા હતી. પગની હાડકીના સાત ટુકડા થયેલા હતા. પગમાં ક્રશ ઇન્જરી અને વાસ્કુલર ઇન્જરી પણ હતી. કાર્ટુન દૂર કરીને અમે પ્રાથમિક સારવાર આપી હતી. વાસ્કુલર સર્જન અમારે ત્યાં નથી. સ્ટેબલ થયા બાદ પેસન્ટને વડોદરા એસએસજી રીફર કર્યુ છે. ગંભીર ઇજા હતી. ત્યાંથી કોર્ટન અને પટ્ટી મારી કોઇ સપોર્ટ કરી મોકલવુ જોઇતુ હતુ.