ગરબાડામાં પોલિસ મથક નજીક સરકારી ક્વાટરમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા: પંથકમાં વધી રહેલા ચોરીના બનાવો પોલિસ માટે પડકાર રૂપ

Editor Dahod Live
3 Min Read

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડામાં તસ્કરોએ પોલિસને  પડકાર ફેંકી ચોરીની ઘટનાને અંજામ આપતાં પંથકમાં ભયનો માહોલ,પોલીસ મથકની બાજુમાં જ રહેતા સરકારી દવાખાનાના તબીબના મકાનમાં ધોળે દિવસે ચોરીની ઘટનાથી પોલિસ કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા,મકાનનીપાછળની લાકડાની બારી તોડી રૂપિયા 15,400 ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો થયાં ફરાર 

ગરબાડા તા.20
ગરબાડાના અભલોડ ગામે બે દિવસ અગાઉ તસ્કરોએ ત્રણ ઘરોને નિશાન બનાવી નિવૃત્ત નાયબ પોલિસ અધિક્ષકના ઘરમાંથી સોના ચાંદીના દાગીના મળી એક લાખ ઉપરાંતની મુદ્દામાલની ચોરીની ઘટના ની સહી હજી સુકાઈ નથી ત્યારે તસ્કરોએ પોલીસને પડકાર ફેંકી ધોળેદિવસે ગરબાડા પોલીસ મથકથી અડીને આવેલા સરકારી તબીબના મકાનમાં હાથફેરો કરી રૂપિયા 15, 400 ના મુદ્દામાલની ચોરીની ઘટનાને અંજામ આપ્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગરબાડા પોલીસ મથકની અડીને જ  રહેતા ગરબાડા સરકારી દવાખાના તબીબી ડોક્ટર આર કે મહેતા તારીખ 19.03.2020.ના રોજ રાબેતા મુજબ પોતાના સરકારી ક્વાર્ટરને લોક કરી સવારના સમયે નવા ફળીયા મુકામે આવેલ હોસ્પિટલમાં ફરજ પર ગયા હતા સવારની ઓપીડી પતાવ્યા બાદ બપોરના સમયે જ્યારે તેઓ પરત ઘરે આવ્યા હતા ત્યારે તેમના મકાનની બારી તુટેલ જોવા મળી હતી.જેથી તેઓએ તપાસ કરતા ઘરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળેલ હતું કોઈ જાણભેદુ તસ્કરે પાછળનો કોટ કુદીને બારી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ટેબલના ડ્રોવરમાંથી તિજોરીની ચાવી કાઢી તેમાં મુકેલ સુટકેસ તોડી રૂપિયા 14 હજાર રોકડા તથા 50 ગ્રામની ચાંદીની પાયલ મળી કુલ રૂપિયા 15,400 ના મુદ્દા માલની ચોરી કર્યા બાદ તમામ વસ્તુઓ પાછી જેમ હતી તેમ ગોઠવી દેવામાં આવી હતી.ઘટના સંદર્ભે ડોક્ટર આર.કે મહેતાએ ગરબાડા પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ કરી હતી પોલીસ મથકની બાજુમાં જ ધોળે દિવસે ચોરીની ઘટના આ બાબત પંથકમાં ચર્ચાનો વિષય બની હતી તો બીજી તરફ ઘટનાને લઇને નગરજનોમાં ભય પણ જોવા મળ્યો હતો.

 ગરબાડા પંથકમાં દિનપ્રતિદિન વધી રહેલી બાઈક ચોરી ઘરફોડચોરીઓ  ઘટનાઓ પોલીસ માટે પડકારરૂપ 

ગરબાડા નગરમાં પાછલા કેટલાંક દિવસોમાં સરપંચ સહિત અન્ય એક વ્યક્તિની બાઈક પણ ચોરાઈ
હાલમાં જ થોડા દિવસો પહેલા ગરબાડા ખાતે બે ત્રણ બાઈક ચોરાઈ હોવાની ઘટના બની હતી ત્યારબાદ તારીખ 18મીની રાત્રિના ગરબાડાના સરપંચના અશોકભાઈ પટેલના ઘરે મૂકેલું બાઈક તેમના આંગણામાંથી રાત્રિ દરમિયાન ચોરાઈ હતી જ્યારે ફોરેસ્ટ ઓફિસ ની સામે સામેના ફળિયામાંથી પણ તે જ રાત્રીના એક બાઈક ચોરાઈ હતી જે જોતા ગરબાડામાં દિનપ્રતિદિન બિન્દાસ પણે તસ્કરો તરખાટ મચાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

Share This Article