ગતરોજ મધ્યરાત્રીના સમયે ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમને મળેલ બાતમીના આધારે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના જાલત ગામે મળેલ બાતમીના આધારે એક બુટલેગરના રહેણાંક મકાનમાં પ્રોહીબિશન રેડ પાડતાં બુટલેગર નાસી જઈ પોતાની સાથે પોતાના સાગરીતોના ૩૦થી વધુના ટોળાને લઈ આવી ગેરકાયદે મંડળી બનાવી સ્થાનિક પોલીસ તથા વિજિલન્સની ટીમ ઉપર ભારે પથ્થર મારો તેમજ ગાડીની તોડફોડ કર્યાની ઘટનાને પગલે દાહોદ જિલ્લા પોલીસ બેડા સહિત લોકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બુટલેગરના માથાભારે ટોળાને વિખેરવા માટે પોલીસને પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી અને બાદમાં ટોળુ વેરવિખેર થયું હતુ. આ ઘટનાના પ્રત્યાઘાત પડતાં પોલીસનો ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો મધ્યરાત્રાની સમયે જ જાલત ગામે ખડકાઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂ.૫,૩૯,૧૫૦, વાહનો નંગ ૩ કિંમત રૂ.૨,૪૫,૦૦૦ તેમજ મોબાઈલ ફોન નંગ. ૨ કિંમત રૂ.૫,૫૦૦ એમ કુલ મળી રૂ.૭,૮૯,૬૫૦ ના મુદ્દામાલ સાથે ફરાર બુટલેગર અર્જુન સુરમલભાઈ પણદા તથા તેના સાગરિતો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી તમામના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ગત મધ્યરાત્રીના સમયે દાહોદ તાલુકાના જાલત ગામે ખળભળાટ મચાવી મુકનાર કિસ્સો સામે આવ્યો છે. મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગર સ્ટેટ વિજીલન્સની ટીમને મળેલ બાતમીના આધારે સ્ટેટ વિજીલન્સની ટીમ ગત તા.૧૪મી માર્ચના રોજ રાત્રીના ૯.૩૦ વાગ્યાના આસપાસ જાલત ગામે આવી હતી. જ્યા જાલત ગામે રહેતો અર્જુન સુરમલ પણદા મધ્યપ્રદેશથી વિદેશી દારૂનો જથ્થો પોતાની વૈભવી ગાડીઓમાં ભરી જાલત ગામે પોતાના રહેણાંક મકાન ઠાલવતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ જ્યા રાત્રીના સમયે સ્ટેટ વિજિલન્સની ટીમે પ્રોહી રેડ કરતાં ઉપરોક્ત બુટલેગર નાસી જવામાં સફળ રહ્યો હતો. આ બાદ પોલીસ તેના મકાનની તલાસી લેતી જ હતી કે બુટલેગર અર્જુન તેની સાથે પોતાના ૩૦ થી વધુ લોકોના ટોળા સાથે સ્થળ પર આવ્યો હતો અને તમામે પોલીસ પર પથ્થર મારો ચલાવતા એક ક્ષણે પોલીસે સ્તબ્ધ બની ગઈ હતી. આ ટોળાએ પોલીસને ચારેય બાજુથી ઘેરી પથ્થર મારો શરૂ કરી બહાર ઉભી રાખેલ પોલીસની ગાડીઓની પણ તોડફોડ કરી ભારે ધિંગાણુ મચાવી નુકસાન પહોંચાડ્યું હતુ.
જાણવા મળ્યા પ્રમાણે પોલીસે ટોળાને કાબુમાં લેવા માટે વોર્નિંગ પણ આપી હતી પરંતુ તે છતાં પણ ટોળાનો હિંસક હુમલો ચાલુ જ હતો. આખરે પોલીસને હવામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી જેમાં એક રાઉન્ડ ફાયરિંગ સ્થાનિક પોલીસ દ્વારા તથા ચાર રાઉન્ડ ફાયરિંગ ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ.
આ બાદ પણ ટોળાની હિંસક હુમલાની ગતિવિધી ચાલુ રહેતા આખરે ગાંધીનગરની સ્ટેટ વિજીલન્સની ટીમે દાહોદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંપર્ક કરી તમામ ઘટનાથી વાકેફ કરતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને સમયનો વિલંબ કર્યા વગર નાયબ પોલીસ અધિક્ષક કલ્પેશ ચાવડા, પ્રો. નાયબ પોલીસ અધિક્ષક બી.બી.વસીયા, બી.ડી.શાહ, એલ.સી.બી.પોલીસ, પી.એમ.મકવાણા, એ.એન.પરમાર, વિગેરે પોલીસ કાફલો વાહનો સાથે જાલત ગામે દોડી ગયા હતા અને જ્યા વધુ પોલીસ કાફલો આવતો જાઈ ટોળુ વેરવિખેર થઈ ગયુ હતું.
આ બાદ પોલીસે મકાનની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ માર્કાની નાની મોટી બોટલો નંગ.૩૦૯૩ કિંમત રૂ.૩,૨૭,૧૫૦, બીયર બોટલ નંગ.૨૧૨૦ કિંમત રૂ.૨,૧૨,૦૦૦ એમ કુલ રૂ.૫,૩૯,૧૫૦ ના પ્રોહી જથ્થા સાથે ૨,૪૫,૦૦૦ ની કિંમતના ત્રણ વાહનો તેમજ ૫,૫૦૦ ની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.૭,૭૯,૬૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વધુમાં જાણવા મળ્યા અનુસાર, ફરાર બુટલેગર અર્જુન સુરમલભાઈ પણદા આ વિદેશી દારૂનો જથ્થો મધ્યપ્રદેશના પીટોલ ખાતેના ઠેકાના માલિક અલ્કેશ છતરસિંહ બાકલીયાએ તેમના વહીવટદાર યાદવ નામના ઈસમ મારફતે ભરાવી આપી બુટલેગર અર્જુને પોતાની ઝાયલો ગાડીમાં ભરી લાવી કટિંગ કરવાના ઈરાદે પોતાના રહેણાંક મકાનમાં ઉતાર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અવાર નવાર ગાંધીનગર સ્ટેટ વિજીલન્સની ટીમ દાહોદ જિલ્લામાં પ્રોહી રેડ પાડી મોટી માત્રામાં પ્રોહી જથ્થા સાથે લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરતી હોય છે પરંતુ આ તમામ બાબતે સ્થાનિક પોલીસ સહિત દાહોદ જિલ્લા પોલીસ હરહંમેશ ઉંઘતી ઝડપાતી જાવા મળે છે. શું પોલીસ અને બુટલેગરો વચ્ચેના મેળાપીપણામાં આ તમામ કારોબાર દાહોદ જિલ્લામાં ફુલ્યો ફાલ્યો છે? પ્રજાની રક્ષા કરતી પોલીસ પર માથાભારે બુટલેગરો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે શું પોલીસ આ ઉચ્ચ વગ ધરાવતા બુટલેગરો સામે કડક પગલાં લઈ કાર્યવાહી કરશે કે પછી જૈસે થે વૈસે ની સ્થિતિમાં જ આ સમગ્ર કારોબાર ચાલ્યા કરશે?
દાહોદ જિલ્લામાં મોટા પાયે ચાલતા વિદેશી દારૂના કારોબારથી શું દાહોદ જિલ્લા પોલીસ તંત્ર અજાણ હશે? કે જેથી ગાંધીનગર સ્ટેટ વિજીલન્સની ટીમને હરહંમેશ જિલ્લામાં પ્રોહી રેડ પાડવા આવવાની ફરજ પડી રહી છે? લોકમાનસમાં સવાલો અનેક છે પરંતુ પોલીસ દ્વારા આવા બેફામ બનેલા બુટલેગરો સામે સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં પોલીસ તંત્ર ઉપર આ બુટલેગરો ભારે પડશે ની ચર્ચાઓ પણ જાર પકડ્યું છે.