દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર: જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ મોતને ભેટ્યા:મહિલા તેમજ બે બાળકો સહિત ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત..

Editor Dahod Live
4 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર: જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ મોતને ભેટ્યા:મહિલા તેમજ બે બાળકો સહિત ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત..

 

દાહોદ તા.17

દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતને તેમજ પૂર ઝડપના કારણે ત્રણ જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવોમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જ્યારે એક મહિલા તેમજ બે બાળકો સહિત ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી માર્ગ અકસ્માતના બનાવોમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. વાહન ચાલકોની ગફલતને તેમજ પૂર ઝડપના કારણે માર્ગ અકસ્માતના બનાવો છાશવારે બનતા જોવા મળી રહ્યા છે.વીતેલા ૨૪ કલાકમાં દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ ઇજાગ્રસ્ત થયા છે જેમાં માર્ગ અકસ્માતમાં પહેલો બનાવ ગરબાડા તાલુકાના ખરોડ નદીના પુલ પાસે બનવા પામ્યો છે જેમાં ગરબાડા તાલુકાના નવાગામ ભાભર ફળિયાના રહેવાસી પ્રતાપભાઈ ભાભોર પોતાના કબજા હેઠળની મોટરસાયકલ લઈ ગરબાડા તરફ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ખરોડ નદીના પુલ પાસે અજાણ્યા ક્રુઝર ગાડીના ચાલકે પ્રતાપભાઈની મોટરસાયકલ ને અડફેટમાં લેતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં પ્રતાપભાઈ જમીન પર પટકાતા તેઓના માથાના ભાગે હાથ પગના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

 ઉપરોકત બનાવ સંદર્ભે મરણ જનાર પ્રતાપભાઈ ભાભોર ના પુત્ર સુરેશભાઈ ભાભોરે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે અજાણ્યા ક્રુઝર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 માર્ગ અકસ્માતનો બીજો બનાવ તાલુકાના કતવારા નજીક ભીટોડી ગામે નેશનલ હાઈવે પર બનવા પામ્યો છે. જેમાં ભીટોડી ગામના દિવાન ભાઈ બાબુભાઈ મીનામાં પોતાના કબજા હેઠળની Gj-16-AA-7327 નંબરની મોટરસાયકલ પર ભીટોડી નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી માતેલા સાંઢની જેમ ધસી આવેલા GJ-10-TX- 5632 નંબરના કાળમુખી ટ્રકે દિવાનભાઈ મીનામાની બાઈક ને અડફેટે લેતા દીવાનભાઈ મિનામાં ના શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકના દવાખાને મોકલવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઉપરોક્ત બનાવ સંદર્ભે તાસુભાઈ છગનભાઈ મિનામાંએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કતવારા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 માર્ગ અકસ્માતનો ત્રીજો બનાવ દાહોદ તાલુકાના ખસ ગામે બનવા પામ્યો હતો. જેમાં ગરબાડા તાલુકાના જાંબલી ફળિયાના રહેવાસી અરવિંદભાઈ કટારા તેમની પત્ની અંજુબેન અરવિંદભાઈ કટારા,કવિરાજ તેમજ બંસી નામક છોકરી સાથે પોતાના કબજાની GJ-20-AJ-8061 નંબરની મોટરસાયકલ લઈ દાહોદ કોઈ કામ અર્થે આવ્યા હતા. અને પરત દાહોદ થી ચંદલા તરફ જઈ રહ્યા હતા. તે સમયે રસ્તામાં સામેથી પૂરઝડપે આવતી Gj-20-AA- 5276 નંબરના મોટરસાયકલ ચાલકે અરવિંદભાઈ ની બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક પર બેસેલા ઉપરોક્ત ચારેય વ્યક્તિઓ જમીન પર પટકાતા તેઓને શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઘટનાના પગલે ભેગા થયેલા આસપાસના લોકોએ 108 મારફતે ઉપરોક્ત ચારેય ઈસમોને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ મોકલ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અરવિંદ ભાઈ કટારા નું મોત નીપજ્યું હતું.

 આ બનાવ સંદર્ભે ગરબાડા તાલુકાના ચાંદલા ગામના સોમાભાઈ ફતાભાઈ કટારાએ દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા દાહોદ જિલ્લાની પોલીસે અકસ્માત અંગે મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે

Share This Article