
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરમાં કૂવામાંથી મળી આવેલ અજાણ્યા યુવાનની લાશનો નિકાલ સરકારી રાહે થાય તેવા અણસાર.
મૃતક અજાણ્યા યુવાનની લાશને વડોદરા કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે.પોલીસના અનેક પ્રયત્નો છતાં લાશની ઓળખ છતી થઇ નથી.
મૃતક યુવાનના જમણા હાથે ગુજરાતીમાં સુકી તથા મહેન્દ્ર કોતરાવેલ છે.
સુખસર તા.12
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે ગત બુધવારના રોજ કોઈ યુવાનની લાશ કૂવામાં પડેલી હોવાની જાણ થતા સુખસર પોલીસે લાશને બહાર કાઢી તેની ઓળખ છતી થાય તે હેતુથી અનેક પ્રયત્નો કરવા છતાં આજદિન સુધી આ મૃતક યુવાન કોણ છે તેની ભાળ મળી આવેલ નથી.જ્યારે હાલ આ લાશ વડોદરા કોલ્ડ સ્ટોરેજ ખાતે મુકવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.તેમજ મૃતક યુવાનના વાલી વારસોની નહીં મળી આવે તો હાલ આ લાશનો સરકારી રાહે નિકાલ કરવામાં આવશે તેવા અણસાર જણાઈ રહ્યા છે.
જાણવા મળેલ માહિતી મુજબ ફતેપુરા તાલુકામાં સુખસરના આફવા રોડ ઉપર આવેલા ભાવેશભાઈ ગણપતભાઈ પંચાલના કૂવામાંથી 9 ફેબ્રુઆરી-2022 ના રોજ એક યુવાનની લાશ મળી આવી હતી.જે લાશને ગુરુવારના રોજ કૂવામાંથી બહાર કાઢતા સ્થાનિક તથા આસપાસના ગામડાઓમાંથી અનેક લોકો ઉમટી પડ્યા હતા.પરંતુ મૃતક યુવાનની લાશની ઓળખ છતી થઇ ન હતી.ત્યારે આ લાશનું સુખસર સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ લાશને વડોદરા કોલ્ડ સ્ટોરેજ ખાતે મોકલી આપવામાં આવી હતી. જોકે પી.એમ કરનાર તબીબોના મતે આ લાશ ચારેક દિવસથી કૂવામાં પડેલી હોવાનું તેમજ મૃતક યુવાનની ઉંમર 30 થી 32 વર્ષ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
અહીંયા ખાસ નોંધનીય બાબત છે કે,મૃતક યુવાનના જમણા હાથે ગુજરાતી ભાષામાં સુકી તથા મહેન્દ્ર નામ કોતરણી કરાવેલ છે.જ્યારે આ બે નામની વચ્ચે દિલની કોતરણી કરાવી તેમાં અંગ્રેજી ભાષામાં એમકે લખાવેલ હોવાનું જાણવા મળ્યું છે. તથા મૃતક યુવાને લાલ કલરનું સફેદ ટપકા વાળુ આખી બાંયનો શર્ટ તથા પીળાશ પડતા કલરનું પેન્ટ અને કમરે કમર પટ્ટો હોવાનો જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે સુખસર પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ છતી થાય તે માટે અનેક પ્રયત્નો કરવા છતાં આજ દિન સુધી ઓળખ છતી થઇ શકી નથી.જ્યારે નિયમોનુસાર મૃતકની લાશને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા બાદ મરણ થયાથી સાત દિવસ પછી તેનો સરકારી રાહે નિકાલ કરવાનો નિયમ છે.અને આ બનાવમાં મૃતક યુવાનના વાલી વારસો મળી નહીં આવે તો એકાદ દિવસ બાદ આ લાશનો વડોદરા ખાતે સરકારી રાહે નિકાલ કરી નાખવામાં આવશે તેમ જાણવા મળે છે.