
રાહુલ મહેતા :- દે. બારીયા
ધાનપુર તાલુકાના ભોરવા ગામે બે વ્યક્તિઓએ અદાવત રાખી એક મહિલા સાહિત ત્રણ લોકો પર કર્યો હુમલો :એકનું મોત:અન્ય બે ઘાયલ
જમીનમાં ખાતર પડી જવાની બાબતે થયેલા ઝઘડામાં બે વ્યક્તિઓએ છાતી પર પથ્થરો મારી એક વ્યક્તિનું ઢીમ ઢાળ્યું : પોલીસ તપાસમાં જોતરાયા
દાહોદ તા.૨૧
ધાનપુર તાલુકાના ભોરવા ગામે ખેતરની બાબતની જુની અદાવત રાખી બે જેટલા ઈસમોએ એક મહિલા સહિત ત્રણ જણાને માર મારતાં ત્રણ પૈકી એકને છાતીના ભાગે પથ્થરો તેમજ ગડદાપાટ્ટુનો માર મારી મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ધાનપુર તાલુકાના ભોરવા ડોઝગર ગામે મેડા ફળિયામાં રહેતાં કલાભાઈ મનીયાભાઈ તંબોળીયા અને પરસુભાઈ મનીયાભાઈ તંબોળીયાએ ગત તા.૨૦મી મેના રોજ પોતાના જ ગામમાં રહેતાં રેખાબેન મગનભાઈ નરસીંગભાઈ તંબોળીયાના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલતાં હતાં. રેખાબેન અને તેમના પિતા મગનભાઈ તથા પરિવારના સદસ્યો ઉકરડામાંથી ખાતર કાઢતાં હતાં અને ખાતર થોડુ ઉકરડાની બાજુમાં આવેલ કલાભાઈ અને પરસુભાઈના ખેતરમાં પડી ગયું હતું જે અંગેની અદાવત રાખી રેખાબેન અને મગનભાઈ પાસે આવી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને કલાભાઈ અને પરસુભાઈએ મગનભાઈની ખેંચતાણ કરી તેઓને પથ્થરો વડે છાતીના ભાગે માર મારી અને ગડદાપાટ્ટુનો માર મારી મોતને ઘાટ ઉતારી દીધા હતાં ત્યારે રેખાબેન અને નન્નુભાઈ ધનાભાઈ તંબોળીયાને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવી નાસી જતાં આ સંબંધે મગનભાઈની પુત્રી રેખાબેન દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————–