
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરાના કંકાસીયા ગામને કોરોનાના કહેર થી બચાવવા તંત્રને મદદની અપીલ કરતા ગ્રામજનો.
કોરોનાના કહેરથી ફળિયામાં પાંચ લોકોના મોત થયા.
૨૦૦ થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત હોવાનું જણાવતા ગ્રામજનો.
( પ્રતિનિધિ ) સુખસર,તા.૮
ફતેપુરા તાલુકાના કંકાસીયા ગામમાં પટેલ ફળિયામાં કોરોના કહેરથી ગ્રામજનોમાં ભય ફેલાઇ ગયો છે. ફળિયાના ૨૦ થી વધુ લોકો કોરોના સંક્રમિત હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. વહીવટીતંત્રને કોરોનાથી બચાવવા મદદ માટે ગ્રામજનો દ્વારા પોકાર પાડવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની બેદરકારી હોવાનું જાણવા મળ્યું હતું.
ફતેપુરા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે.જેમાં કંકાસીયા ગામમાં પટેલ ફળિયામાં કોરોનાના કહેરથી ગ્રામજનોમાં ભય ફેલાયેલો જોવા મળી રહ્યો છે.ગ્રામજનો જણાવી રહ્યા છે કે,ફળિયામાં પાંચ લોકોના મોત થઇ ચુક્યા છે તેમજ ૧૦ થી વધુ લોકો વિવિધ દવાખાનાઓમાં કોરોના ની સારવાર લઈ રહ્યા છે.જ્યારે ગામમાં પણ દરેક ઘરમાં સંક્રમિત લોકો છે. જેથી ઘરની બહાર કોઈ નીકળતું નથી. ગામમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. તાલુકાના કે જિલ્લાના કોઈ અધિકારી મુલાકાત માટે આવતા નથી ની ફરિયાદ પણ ગ્રામજનો કરી રહ્યા છે.આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ દવા સારવાર માટે આવતા નથી.આરોગ્ય કર્મચારીને મોકલવા માટે ધારાસભ્યને પણ ટેલિફોનિક રજુઆત કરી હતી. જેથી કોરોના કહેરથી બચાવવા માટે ગ્રામજનો મદદ માટે વહીવટીતંત્રને અપીલ કરી રહ્યા છે.
અમારા ગામને કોરોના સંક્રમણ થી મુક્ત કરાવવા આરોગ્ય તંત્ર તેમજ નેતાઓને રાજકીય આગેવાનોને કરેલ ફરિયાદોનું પરિણામ શૂન્ય: વહીવટીતંત્ર અમારા ગામને કોરોના મુક્ત કરવા મદદરૂપ થાય તેવી વિનંતી :- અશ્વિનભાઈ પટેલ (ગ્રામજન, કંકાસીયા)
અમારા ગામમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે.લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.અમારા સમાજના કોરોનાથી ૫ લોકોના મોત થયા છે. તેમજ ૧૦ થી વધુ લોકો હજુ પણ દવાખાનામાં સારવાર હેઠળ છે.અમારા ગામમાં દરેક ઘરમાં પરિવારો સંક્રમિત છે.છતાં આરોગ્યની સારસંભાળ માટે કોઈ અધિકારી ફરકતું નથી.નેતાઓ પણ માત્ર આશ્વાસન આપે છે. અમારા ગામને મોતના મુખમાંથી બચાવવા અમો તંત્ર પાસે મદદ માંગી રહ્યા છીએ.