
જીગ્નેશ બારીયા @ દાહોદ
ગરબાડા તાલુકાના બાવકા ગામના પ્રેમી પંખીડા મારુતિવાનમાં કાળિડેમ કેદારનાથ ફરવા ગયા હતા ત્યાંથી પરત આવતા બાવકા શિવ મંદિર પાસે સગીરાના પરિવારજનોએ બન્ને પ્રેમીપંખીડા સહિત અન્ય એક યુવક ને ઢોરમાર મારતા નો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા એક્શનમાં આવેલી પોલીસે વિડિઓના આધારે ગણતરી મિનિટોમાં ઢોરમાર મારનાર વ્યક્તિઓને ઝડપી પાડ્યા બન્ને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બાવકા ગામે એક પ્રેમી પંખીડાને સગીરાના પરિવારજનોએ ઝડપી પાડી બંન્નેને ઢોર માર માર્યાના વાઈરલ થયેલ વિડીયોના પગલે દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટના સંદર્ભે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે અને આ ઘટનામાં બંન્ને પક્ષો દ્વારા આક્ષેપ બાજીના દોર ચાલી રહ્યા છે. સગીરાને યુવક બળજબરી પુર્વક લગ્નની લાલચે અપહરણ કર્યાની સગીરાના પરિવારજનોનો આક્ષેપ છે ત્યારે બીજી તરફ સામાપક્ષેથી યુવક તેની સાથેના બીજા એક વ્યક્તિને ઢોર માર મારી ફોર વ્હીલર ગાડીની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યાના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવા પામી છે.
દાહોદ જિલ્લો ક્રાઈમ ઝોન તરફ પ્રયાણ કરી રહ્યુ હોય તેમ પ્રતિત થઈ રહ્યુ છે. કોઈ ને કોઈ દિવસે ચકચારી ઘટના સામે આવતી રહે છે. ચોરી, મર્ડર,ચોરી,લુંટફાટ, બળાત્કાર,અપહરણ વિગેરે જેવા બનાવોથી દાહોદ જિલ્લા હરહંમેશ ગુજરાતના ક્રાઈમ લીસ્ટમાં અગ્રેસર રહ્યુ છે. ગુન્હાહીત પ્રવૃતિઓ આ જિલ્લામાં ઘટવાનું નામ નથી લેતી ત્યારે વધુ એક વાઈરલ વીડીયોથી પંથક સહિત દાહોદ જિલ્લામાં ખળભળાટ મચાવી મુક્યો છે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બાવકા મુકામે એક પ્રેમી પંખીડાને પરિવારજનો દ્વારા માર માર્યાના વાઈરલ થયેલ વિડીયોના પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. આ વાઈરલ થયેલ વિડીયોના પગલે સગીરા અને યુવકના પરિવારજનો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે જેમાં દાહોદ તાલુકાના બાવકા ગામે રહેતી ૧૬ વર્ષીય સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પોતાની સગીર દિકરી ગત તા.૩૦.૧૧.૨૦૧૯ના રોજ શાળાએ ભણવા જતી હતી તે સમયે અલ્કેશભાઈ બાબુભાઈ બારીયા તથા હિમ્મતસીંગ મકનસીંગ પરમારે આ સગીરાને બાવકા ગામે શિવ મંદિર પાસે રોડ ઉપર ઉપરોક્ત બંન્ને ઈસમોએ રસ્તામાં રોકી એક્ટીવા બાઈક સાથે ઉભી રાખી હતી. અલ્કેશભાઈએ સગીરાને પોતાની પત્ની તરીકે રાખવા સારૂ સગીરાને હિમ્મતસીંગની મદદ લઈ બળજબરી પુર્વક અપહરણ કરી પોતાના કબજાની મારૂતી વાનમાં સગીરાને બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા. સગીરાને દાહોદથી આગળ કાળી ડેમ ખાતે આવેલ કેદારનાથ મંદિર તરફ લઈ ગયા હતા જ્યા સગીરાએ અલ્કેશભાઈને કહેલ કે, મારી તારી સાથે લગ્ન કરવું નથી, તુ મને પાછો મારા ઘરે છોડી દે નહી તો હું બુમો પાડીશ, તેમ કહેતા અલ્કેશભાઈ અને હિમ્મતભાઈએ સગીરાને મારૂતી વાનમાં બેસાડી બાવકા ગામે લઈ આવ્યા હતા.
જ્યારે સામાપક્ષેથી સગીરાને અપહરણ પત્ની તરીકે અપહરણ કરી લઈ જનાર અને જેની સામે ગુનો નોંધાયો છે તે અલ્કેશભાઈ બાબુભાઈ બારીયા (ઉ.વ.૨૦, રહે.બાવકા,તા.ગરબાડા,જિ.દાહોદ) નાએ પોતાની ફરિયાદમાં જણાવેલ અનુસાર, ગત તા.૩૦.૧૧.૨૦૧૯ના રોજ પોતાના કાકા હિમ્મતસીંગ મકનસીંગભાઈ પરમારને સાથે લઈ તેઓની મારૂતીવાનમાં સગીરા સાથે કાળીડેમ ખાતે ગયા હતા જ્યાથી પરત બાવકા શિવ મંદિર આવ્યા હતા જ્યાં આનંદભાઈ માનસીંગભાઈ સોલંકી, વિજયભાઈ માનસીંગભાઈ સોલંકી, કમળાબેન અરવિંદભાઈ સોલંકી (ત્રણેય રહે.બાવકા,તા.ગરબાડા,જિ.દાહોદ) અને રાહુલભાઈ અશોકભાઈ બામણીયા (રહે.અભલોડ,તા.ગરબાડા,જિ.દાહોદ) ના એમ ચારેય જણાએ અલ્કેશભાઈ અને તેના કાકા હિમ્મતભાઈને મારૂતી વાનમાંથી બહાર કાઢી, તુ કેમ અમારી છોકરીને ભગાડી લઈ ગયેલ છે, તેમ કહી આનંદભાઈએ અલ્કેશભાઈને મોંઢાના ભાગે મુક્કા મારી, ગડાદાપાટ્ટુનો માર મારી હોઠની ચામડી ફાડી નાંખી લોહી લુહાણ કર્યાે હતો અને તમામે ભેગા મળી મારૂતી વાનના કાચ તોડી મારૂતી વાનની તોડફોડ કરી અલ્કેશભાઈ તથા તેના કાકા હિમ્મતભાઈને ગડદાપાટ્ટુનો માર મારી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ ધિંગાણા દરમ્યાન સ્થળ પર ઉપસ્થિત કોઈક વ્યક્તિ દ્વારા આ સમગ્ર ઘટનાનો વિડીયો રેકોર્ડિંગ કરી સોશીયલ મીડીયામાં વાઈરલ કરી દેતા પંથક સહિત દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. વિડીયો જોતા પોલીસ તંત્ર પણ એક્શનમાં આવી હતી. જ્યારે આ સંબંધે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.