Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:એલપીજીના બાટલાની કિંમતમાં ફરીવાર થયેલા વધારાના પગલે ગૃહિણીઓના બજેટ ખોરવાશે

દાહોદ:એલપીજીના બાટલાની કિંમતમાં ફરીવાર થયેલા વધારાના પગલે ગૃહિણીઓના બજેટ ખોરવાશે

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.05

LPGના બાટલાની કિંમતમાં ફરીવાર થયેલા વધારાના પગલે ગૃહિણીઓના બજેટ ખોરવાશે. LPGના બાટલાની કિંમતમાં આ વખતે રૂ. 25નો વધારો ઝીંકવામાં આવ્યો છે. જેના પગલે દાહોદમાં LPGના બાટલાની કિંમત રૂ. 726 પર પહોંચી ગઈ છે. માત્ર બે માસના ટૂંકા ગાળામાં જ ગેસના બાટલાની કિંમતમાં રૂ. 125નો તોતિંગ વધારો ઝીંકાતા ગૃહિણીઓની સ્થિતિ કફોડી બની છે. આ અગાઉ 2 ડિસેમ્બરના રોજ રૂ. 50નો અને 15 ડિસેમ્બરના રોજ રૂ. 50નો વધારો કરવામાં આવ્યો હતો. બીજી બાજુ સરકાર દ્વારા હજુ સુધી બાટલા પર અપાતી સબસીડી ચાલુ કરવામાં આવી ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આમ, માત્ર 2 માસના ટૂંકા સમયમાં જ રૂ. 601માં મળતો ગેસનો બાટલો રૂ. 726 સુધી પહોંચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, LPGના બાટલાના ભાવો સતત આસમાને જઈ રહ્યા હોઈ લોકોની હાલત કફોડી બની છે. ટૂંકા ગાળામાં સબસીડીવાળા LPG સિલિન્ડરના ભાવમાં સરકાર દ્વારા ફરી વધારો થતાં લોકોમાં રોષ ફેલાયો છે. નવેમ્બર, 2020ના અંત સુધી LPG સિલિન્ડરના ભાવ દાહોદમાં રૂ. ૬૦૧ હતા. જોકે, ત્યારબાદ ડિસેમ્બર માસમાં સિલિન્ડરના ભાવોમાં વધારો ઝીંકવામાં આવ્યો હતો. જેમાં સૌપ્રથમ 2 ડિસેમ્બરના રોજ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 50નો વધારો કરી દેવાતા ભાવ રૂ. 651 પર પહોંચ્યા હતા. ત્યારબાદ 15 ડિસેમ્બરના રોજ ફરી વાર રૂ. 50નો વધારો ઝીંકાયો અને દાહોદમાં બાટલાના ભાવ રૂ. 701 સુધી પહોંચી ગયા હતા. આમ, ડિસેમ્બર માસમાં LPGના બાટલામાં માંડ ૧૫ દિવસના ટૂંકાગાળામાં રૂ. ૧૦૦નો તોતિંગ વધારો કરી દેવાતા ભારે આક્રોશ ફેલાયો હતો. ગૃહિણીઓ હજુ આ રૂ. 100ના તોતિંગ વધારા સામે છંછેડાયેલી છે ત્યારે સરકારે ફરીવાર LPGના બાટલામાં રૂ. 25નો વધારો કરી દીધો છે. જેના પગલે હવે દાહોદમાં ગેસના બાટલાના ભાવ રૂ. 726 સુધી પહોંચી ગયા છે. એક બાજુ ગેસના બાટલાના ભાવો સતત વધી રહ્યાં છે અને બીજી બાજુ આ બાટલા પરની સબસિડી લાંબા સમયથી બંધ કરી દેવાઈ છે. જેથી ગૃહીણીઓમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે.

ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે રાઉન્ડ ફીગરમાં જ પૈસા વસૂલાય છે 

ગેસના બાટલાના ભાવો મુજબ પૈસા ઉઘરાવવાના બદલે ડિલિવરી બોય રાઉન્ડ ફીગરમાં જ પૈસા ઉઘરાવતા હોવાનું જાણવા મળે છે.હાલમાં ગેસના બાટલાના ભાવ રૂ. 726 છે ત્યારે ડિલિવરી બોય દ્વારા રૂ. 730 જ લેવાય છે. આ જ રીતે જ્યારે ભાવ રૂ. 701 હતા ત્યારે પણ ડિલિવરી બોય દ્વારા રૂ. 710 ઉઘરાવતા હોવાનું જાણવા મળ્યું છે. આમ, ડિલિવરી બોય બાટલાની કિંમતને બદલે ત્યારબાદ આવતી રાઉન્ડ ફીગર ભાવ વસૂલી રહ્યાં હોવાની બૂમ ઉઠવા પામી છે.

error: Content is protected !!