Friday, 22/11/2024
Dark Mode

હિરેન પટેલના ચકચારી હત્યા કાંડ બાદ પાલિકા તંત્રનું ભેદી મૌન:ઝાલોદ નગરપાલિકામાં વ્યાપેલા ભ્રષ્ટાચારને કારણે બે કાઉન્સિલરોએ જીવ ગુમાવ્યો છતાં તપાસના નામે મીંડુ, પાલિકા તંત્ર દ્વારા કુલડીમાં ગોળ ભાંગવાના પ્રયાસ સામે નગરજનોમાં ભારે આક્રોશ

હિરેન પટેલના ચકચારી હત્યા કાંડ બાદ પાલિકા તંત્રનું ભેદી મૌન:ઝાલોદ નગરપાલિકામાં વ્યાપેલા ભ્રષ્ટાચારને કારણે બે કાઉન્સિલરોએ  જીવ ગુમાવ્યો છતાં તપાસના નામે મીંડુ, પાલિકા તંત્ર દ્વારા કુલડીમાં ગોળ ભાંગવાના  પ્રયાસ સામે નગરજનોમાં ભારે આક્રોશ

ઝાલોદ પાલિકા ના ભ્રષ્ટાચાર અંગે ની તપાસ માં વિલંબ,બે કાઉન્સિલર ની મોત છતાં પાલિકા ના ભ્રષ્ટાચાર અંગે નું મૌન ખરેખર વિચારવા જેવું!!!

ઝાલોદ તા.25

બે માસના ટૂંકા ગાળામાં જ પાલિકાના બે જેટલા કાઉન્સિલરનું અકાળે થયેલા મૃત્યુ માટે જવાબદાર પાલિકાના રાજકારણ કે પાલિકાના જ ભ્રષ્ટાચાર ને જ જ્યારે કારણભૂત માનવામાં આવે છે.ત્યારે, આ ભ્રષ્ટાચારની તપાસ અંગેનું મૌન એ ખરેખર ઉડીને આંખે વળગે છે.ત્યારે આ અંગે જરૂરી પગલાં લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

ઝાલોદ નગર પાલિકાના કાઉન્સિલર હિરેન પટેલ ની હત્યા બાદ થોડાક જ અંતરાલમાં પાલિકાના જ અન્ય કાઉન્સિલર અંતિમ અગ્રવાલ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી. હિરેન પટેલની હત્યામાં પાલિકા સાથે સંકળાયેલા લોકોનો જ હાથ હોવાનું જ્યારે સામે આવ્યું હતું. અને પોલીસ હાલ મુખ્ય માથાઓ સુઘી પહોંચવા માટે પણ લાગેલી જોવા મળી રહી છે.

ત્યારે અન્ય એક કાઉન્સિલર અંતિમ અગ્રવાલ દ્વારા પણ આત્મહત્યા કરવામાં આવતા, આ માટે પાલિકાના રાજકારણથી લઈને પાલિકામાં થયેલો કરોડોનો ભ્રષ્ટાચાર જ જવાબદાર હોવાનું સર્વવિદિત છે.ત્યારે અંતિમ અગ્રવાલના પરિવાર દ્વારા મહિલા કાઉન્સિલરના પતિ દ્વારા ફોન પર આપવામાં આવેલી ધમકી ને કારણે જ અંતિમ અગ્રવાલ દ્વારા આત્મહત્યાનું અંતિમ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કુલડીમાં જ ગોળ ભાગવામાં આવી રહ્યો હોય તેમ હાલ તો લાગી રહ્યું છે.
અને આ અંગે પાલિકા તંત્ર નું મૌન એ ખરેખર વિચારવા જેવું છે.

હિરેન પટેલની હત્યામાં સામેલ અજય કલાલના નામે દુકાન ખોટા બીલો રજૂ કરી અને સંમતિ પત્રક બનાવી બારોબાર ફાળવવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. તો અંતિમ અગ્રવાલની આત્મહત્યામાં પણ મહિલા કાઉન્સિલરના પતિ ની અવેજમાં તેના મિત્રને આપવામાં આવેલ મત્સ્ય ઉછેરના વાર્ષિક ટેન્ડરમાં ગેરરીતિઓ જ જવાબદાર છે.

તેમ છતાં બે બે કાઉન્સિલરોના અકાળે  થયેલા મોત છતાં પણ પાલિકામાં થયેલા ભ્રષ્ટાચાર અંગે કોઈ જ તપાસ હજી સુધી આરંભવામાં આવી નથી.જે ખરેખર સમજી શકાતું નથી. ત્યારે પાલિકા તંત્રના ભ્રષ્ટાચારને લઈને અખત્યાર કરવામાં આવેલા નરમ વલણ ને લઈને નગરજનો માં પાલિકા તંત્ર તરફ હાલ તો રોષ ની લાગણી જોવા મળી રહી છે.

રામસાગર તળાવના મત્સ્ય ઉછેર માટે થયેલા તળાવમાં પણ ગેરરીતિ

રામસાગર તળાવના મત્સ્ય ઉછેર માટે અગાઉ થયેલો ત્રણ લાખ ઉપરાંતનો કોન્ટ્રાક્ટ રદ કરી અને પાલિકાના મહિલા કાઉન્સિલર દ્વારા માત્ર એક લાખ ત્રીસ હજારમાં જ પોતાના જ મિત્ર ના નામે લેવામાં આવ્યો હતો. જો કે આ અંગે પાલિકા તંત્ર દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં રકમ ભરવામાં આવી નહોતી. અને તેમાં બોગસ બીલો રજૂ કરી અને દુકાન જેવી જ રીતે રકમ ભરવામાં આવી હતી. આ અંગે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવ્યા છતાં આ રકમ ભરવામાં આવી નહોતી જેને પગલે પાલિકા તંત્ર દ્વારા તળાવ નો આ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે તેવી વકી હતી. જેના બીજા દિવસે જ મહિલા કાઉન્સિલર ના પતિ દ્વારા અંતિમ અગ્રવાલ ને ફોન પર ધાક ધમકી આપવામાં આવી હતી. જેનાથી કંટાળી ને જ અંતિમ અગ્રવાલ દ્વારા પોતે આત્મહત્યા નું અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવાય છે.

પાલિકા ના તમામ કામો ની માહિતી લેવા પોલીસ ફરકી જ નહિ.

હિરેન પટેલ ની હત્યા બાદ પોલીસ તંત્ર દ્વારા પાલિકા માં ગત અઢી વર્ષ ના કામો અંગે ની તપાસ માટે ના દસ્તાવેજો ની માંગ કરી હતી. જો કે એક મહિના નો સમય વિતી જવા છતાં પોલીસ આ માહિતી લેવા હજી સુધી ફરકી પણ નથી, ત્યારે પોલીસ પણ આ અંગે નરમ વલણ જ દાખવતી હોવાનું કહેવાય છે.

error: Content is protected !!