દાહોદ શહેરમાં આજે વહેલી સવારે એક કન્ટેનર ટ્રકના ચાલકે કન્ટેનર ટ્રક લઈ ગોવિંદ નગર વિસ્તારમાંથી પસાર થતાં સમયે વીજ થાંભલાના વાયરો ટ્રકમાં અટવાઈ જતાં જાેતજાેતામાં વીજ વાયરો સાથે ત્રણ વીજ થાંભલાઓ જમીન દોસ્ત થઈ ગયા હતા. ઘટનાથી મોટી સંખ્યામાં સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનામાં સદ્નસીબેન કોઈ જાનહાની થવા પામી ન હતી.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી એક હરીયાણાના પાસીંગની એક એન.પી. કન્ટેનર ટ્રકના ચાલકે પોતાનું વાહન હાઈવે પરથી પસાર કરવાની જગ્યાએથી દાહોદ શહેરમાં ઘુસાડી દીધુ હતુ. આ ટ્રકના ચાલકને મેગા જી.આઈ.ડી.સી. તરફ જવું હતુ ત્યારે રાહદારીઓને મેઘા જી.આઈ.ડી.સી.જવા માટેનો માર્ગ પુછતાં રાહદારીઓ દ્વારા ખોટો રસ્તો બતાવ્યો હોવાનું ટ્રકના ચાલક પાસેથી જાણવા મળ્યુ હતુ. ત્યારે આ કન્ટેનર ટ્રકના ચાલકે ગોવિંદનગર વિસ્તારમાંથી કન્ટેનર ટ્રક પસાર કરતાંની સાથે જ આ વિસ્તારમાં આવેલ વીજ થાંભલાના વાયરો ટ્રકમાં અટવાઈ ગયા હતા અને ટ્રકના ચાલકને આ બાબતની જાણ પણ ન થતાં તેને ટ્રક હંકારી જ રાખતા વીજ વાયરો સાથે આ વિસ્તારના ત્રણ જેટલા વીજ થાંભલાઓ જમીન દોસ્ત થઈ જતાં વિસ્તારમાં લાઈટો ડુલ થઈ જવા પામી હતી. જાેતજાેતામાં સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા.અને ટ્રકના ચાલક પર રોષ ઠાલવતા પણ જાેવા મળ્યા હતા. વીજ થાંભલાઓ પડી જતાં એક ટુ વ્હીલર વાહનને નુકસાન પણ થવા પામ્યું હતુ જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ પણ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ એમ.જી.વી.એલ.ના કરાતાં કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પડી ગયેલા વીજ થાંભલાનું સમારકામ હાથ ધરવામાં પણ આવી રહ્યું છે. વીજ થાંભલા પડી જતાં લાઈટો પણ બંધ થઈ ગઈ હતી અને સ્થાનીકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો.