જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ તા.૧૫
દાહોદ જિલ્લામાં ધીમી ગતિએ પરંતુ કોરોનાએ સતત પોતાનો સકંજાે જમાવી રાખ્યો છે. ૨૦ની આસપાસ કોરોના દર્દીઓ દાહોદ જિલ્લામાં નોંધાતા જ રહે છે ત્યારે આવા સમયે કોરોના સંક્રમણથી બચવા ઝાલોદ નગરપાલિકા ખાતે આરોગ્ય અંગેની અધિકારીઓમાં બેઠક મળી હતી જેમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી અનેક નિર્ણયો કરવામાં આવ્યા હતા.
દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં હવે કોરોના સંક્રમણથી બાકાત રહ્યા નથી. દિવસે ને દિવસે કુદકે ને ભુસકે કેસો ઘાણીની જેમ ફુટી રહ્યા છે. કોરોનાથી મૃત્યુ પણ થઈ રહ્યા છે ત્યારે આવા સમયે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર એક્શનમાં આવી લોકોને કોરોના સંક્રમણથી બચવા અનેક ઉપાયો સહિત સોશિયલ ડિસ્ટન્સ સહિત, માસ્ક તેમજ સેનેટરાઈઝરનો ઉપયોગ કરવા પણ જણાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ ઝાલોદ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણના કેસો વધતા આરોગ્ય તંત્રમાં ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ આજરોજ ઝાલોદ નગરપાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર તથા આરોગ્ય અધિકારીઓની બેઠક મળી હતી અને જરૂરી સુચનો કરી કોરોના સંક્રમણથી બચવા નિર્ણયો પણ કરવામાં આવ્યા છે. હવેથી ૪૦ થી નાની ઉંમરના કોરોના પોઝીટીવ દર્દીઓને ઘરે જ રાખવામાં આવશે અને તેઓને ઘરે જ સારવાર આપવામાં આવશે. ૪૦ થી વધુ ઉંમરના કોરોના પોઝીટીવ દર્દીઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવશે. મરણ પ્રસંગે તેમજ મેળાવડાઓમાં જવાનું પણ ટાળવાનું સુચનો જાહેર જનતાને કરવામાં આવેલ છે.