
Dahod Live Desk..
દાહોદ જિલ્લામાં ૭૪માં સ્વાતંત્ર પર્વની જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમંગ-ઉત્સાહ સાથે મયાર્દિત સંખ્યામાં ગૌરવભેર ઉજવણી,જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે સવારે ૯ વાગ્યે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી,જિલ્લાના ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સનું મંચ પર સન્માન કરાયું

નીલ ડોડીયાર :- દાહોદ
દાહોદ, તા. ૧૫ :
દાહોદ જિલ્લામાં ૭૪માં સ્વાતંત્ર પર્વની જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમંગ-ઉત્સાહ સાથે મયાર્દિત સંખ્યામાં ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની આ ઉજવણી પ્રસંગે રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે સવારે ૯ વાગ્યે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ઉપસ્થિત તમામ નાગરિકોએ રાષ્ટ્રગાનની ધૂન ઉપર રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. રાષ્ટીય પર્વના આ પાવન પ્રસંગે જિલ્લાના ૩૦ થી પણ વધુ કોરોના વોરિયર્સ સહિત પ્રસંનીય કામગીરી કરનારા કર્મચારીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનાં માહિતી કચેરીના સોશિયલ મિડિયા પર જીવંત પ્રસારણ સાથે મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે, સ્વાતંત્રતા કાજે લડનારા નામી અનામી તમામ સ્વાતંત્ર વીરોને આ અવસરે વંદન કરૂ છું. આજના કોરોના મહામારીના સમયમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની યોગ્ય દિશાદર્શન સાથે આખી દુનયાને પ્રેરક એવી આગેવાની કરી છે. લોકડાઉનનો યોગ્ય સમયે નિર્ણય અને કટોકટીના સમયમાં પણ યોગ્ય નિર્ણયો લઇને દેશને સતત પ્રગતિને માર્ગે ધપાવ્યો છે. આત્મનિર્ભર ભારત માટે રૂ.૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કરીને દેશને ફરીથી વિકાસની દિશામાં આગેકુચ આરંભી છે. ૫૦૦ વર્ષથી ચાલતા આવતા રામજન્મભૂમિ વિવાદનો ઉકેલ અને દેશમાં કલમ ૩૭૦ની કલમ નાબુદ કરીને અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કર્યું છે.
તેમણે જણાવ્યું કે, વિકાસની બાબતમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. ઉદ્યોગ, સેવા કે કૃષિ ક્ષેત્રે ગુજરાત વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યું છે. કોરોનાના કપરા કાળમાં પણ ગુજરાતે પાછી પાની કરી નથી અને આપત્તિને અવસરમાં ફેરવી દેવાની ગુજરાતની પ્રજાની ઓળખ બરકરાર રહી છે. રાજયના મુખ્યમંત્રીશ્રીએ પણ આ સમયે અસરકારક જનહિતલક્ષી નિર્ણયો લઇ કોરોનાને હરાવવા મક્કમ પગલાં લીધા છે. ચાર મહાનગરોમાં ૨૨૦૦ બેડની ક્ષમતાની કોવીડ હોસ્પીટલો, સાથે દરેક જિલ્લામાં ૧૦૦ બેડની ક્ષમતાની કોવીડ હોસ્પીટલો તાબડતોબ કાર્યરત કરવામાં આવી છે. ૫૦ હજારથી પણ વધુ પથારીની ક્ષમતાની ખાસ કોવીડ હોસ્પીટલો, કોવીડ કેર સેન્ટર, કોવીડ હેલ્થ સેન્ટર કાર્યરત કરાયા છે. આખા રાજયમાં ૧૧૦૦ જેટલા ધન્વંતરિ રથની કામગીરી વિશ્વભરમાં અનુકરણીય અને પ્રશંસનીય બની છે.
તેમણે જણાવ્યું કે, કોરોના સંક્રમણના આ સમયમાં આપણે સૌ પણ જિલ્લામાંથી કોરોનાને નાબુદ કરવા માટે સંકલ્પબદ્ધ બનીએ. આ માટે દરેક નાગરિક S-M-S એટલે કે સોશિયલ ડિસ્ટશન્સ, માસ્ક અને સેનેટાઇઝરના ઉપયોગના સૂત્રનું પાલન કરે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે દિન રાત અથગ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આપણે સૌ પણ જવાબદાર નાગરિક તરીકેની ભૂમિકા અદા કરીએ.
તેમણે ઉમેર્યું કે, દાહોદ જિલ્લાએ કોરોનાના સંકટ સમયમાં આવી પડેલી તમામ પડકારોનો બખૂબી સામનો કર્યો છે. છેલ્લા ચાર માસમાં જિલ્લાના બે લાખથી પણ વધુ પરીવારોને નિ:શુલ્ક રાશન પહોંચતું કરાયું છે. લોકડાઉનમાં ફસાયેલા ચાર હજાર જેટલા શ્રમિકોને તમામ સુવિધાઓ સાથે વતન પહોંચતા કરાયા હતા. જિલ્લાના ૫૫ ધન્વંતરિ રથો નાગરિકોની આરોગ્યસેવા કરી રહ્યાં છે. કોરોના સંક્રમણને દૂર કરવા માટે જિલ્લા તંત્ર દિવસરાત એક કરી રહ્યું છે.
રાજયમંત્રી શ્રી ખાબડે જિલ્લાના વિવિધ વિકાસકાર્યો વિશે પણ નાગરિકોને માહિતી આપી હતી. તેમણે સૌ નાગરિકોને આ કપરા સમયમાં તંત્રને સંપૂર્ણ સહકાર આપવા માટે જણાવ્યું હતું.