Thursday, 10/04/2025
Dark Mode

ગરબાડાના ઝરીબુઝુર્ગ ગામે પૈસાની લેવડ દેવડ બાબતે ભાઈએ સગાભાઇનું કાસળ કાઢી નાંખતા ચકચાર

ગરબાડાના ઝરીબુઝુર્ગ ગામે પૈસાની લેવડ દેવડ બાબતે ભાઈએ સગાભાઇનું કાસળ કાઢી નાંખતા ચકચાર

જીગ્નેશ બારીયા @ દાહોદ, વિપુલ જોષી @ ગરબાડા 

દાહોદ તા.7

ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ કળસીયા ગામે પૈસાની લેતીદેતી મામલે પોતાના સગા ભાઇએ ભાઈને ગડદાપાટુનો મારમારી મોતને ઘાટ ઉતારી દેતા પંથકમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે.

ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ કળસીયા ગામે તડવી ફળિયામાં રહેતા નાનસિંગભાઈ ઉર્ફે કાળુ ભાઇ વાલાભાઈ બામણીયાએ આજરોજ તારીખ ૭મી જૂન ના રોજ પોતાના જ ઘરે રહેતા પોતાના સગા ભાઈ રમણભાઈ વાલાભાઈ બામણીયાને ઉછીના આપેલા પૈસાની માગણી કરી બેફામ ગાળો બોલતો હતો. આ સમયે રમણભાઈએ ગાળો બોલવાની ના પાડતાં એકદમ ઉશ્કેરાઈ ગયેલા નાનસિંગભાઈ એ રમણભાઈ ને પકડી પાડી જમીન ઉપર પાડી ગઈ છાતી તેમજ પેટના ભાગે ગડદાપાટુનો ગેબી માર માર્યો હતો. આ દરમિયાન રમણભાઈની પત્ની કાસુડીબેન તથા ઘરના કેટલાક સદસ્યો છોડાવવા વચ્ચે પણ પડ્યા હતા પરંતુ નાનસિંગભાઈએ હાથમાં પથ્થર લઈ રમણભાઈને ફરી માથાના ભાગે પથ્થર પણ માર્યો હતો. બાદમાં નાનસિંગભાઈ ફરાર થઈ ગયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત રમણભાઈને પત્ની તથા પરિવારજનો દ્વારા દાહોદના એક ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ રમણભાઈની ગંભીર ઈજાઓને પગલે તેઓને વડોદરા લઈ જવાનું તબીબોએ સૂચન કર્યું હતું પરંતુ રમણભાઈને વડોદરા લઇ જવાય તે પહેલાં જ દાહોદની ખાનગી હોસ્પિટલ ખાતે તેઓનું મોત નિપજતા પરિવારજનોમાં આક્રંદ છવાઇ ગયો હતો અને મોતને ઘાટ ઉતારનાર સગોભાઈ નાનસિંગભાઈ પ્રત્યે પરિવારજનો તેમજ ગ્રામજનોમાં ફિટકારની લાગણી પણ વરસી હતી.

આ સમગ્ર ઘટના સંદર્ભે મૃતક રમણભાઈની પત્ની કસુડીબેન રમણભાઈ બામણીયા દ્વારા પોતાના દિયર વિરુદ્ધ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી નાનસિંગભાઈના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

error: Content is protected !!