ડો. ભાવેશ રાઠોડ દાહોદ
વૈજ્ઞાનિક અને વ્યવસાયિક અભિગમથી પશુપાલન કરવા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાનું આહ્વાન
દાહોદમાં યોજાયેલા શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહમાં રાજ્યના ૫૬૫ શ્રેષ્ઠ પશુપાલકોને સન્માનિત કરાયા
અહીંના મુવાલિયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજવામાં આવેલા શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહમાં રાજ્યના ૫૬૫ પશુપાલકોને રૂ. ૪૬.૪૫ લાખના રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાએ પશુપાલકોને વૈજ્ઞાનિક અને વ્યવસાયિક અભિગમ અપનાવી પશુપાલન કરવા આહ્વાન કર્યું હતું.
રાજ્યભરમાંથી ઉપસ્થિત રહેલા પશુપાલકોને સંબોધન કરતા મંત્રી શ્રી બાવળિયાએ ઉક્ત સંદર્ભમાં ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ છે કે, આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામ ખેડૂતોની આવક બમણી કરવી અને તેમાં પશુપાલન મહત્વનું પરિબળ છે. જો પરંપરાગત પદ્ધતિને બદલે આધુનિક પદ્ધતિથી પશુપાલન કરવામાં આવે તો ફાયદો થાય એમ છે.
પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી યોજનાનો ઉલ્લેખ કરતા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની આગેવાનીમાં ગુજરાત સરકારે આ આગામી નાણાકીય વર્ષના બજેટમાં પશુપાલન માટે રાજ્ય સરકાર દ્વારા માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે અને તેમાં પશુપાલકોને પ્રોત્સાહન મળી એવી નવી યોજનાઓના અમલનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.
તેમણે એમ પણ કહ્યું કે, રાજ્ય સરકારે પશુઓ માટે રાજ્યમાં ૪૬૦ જેટલા મોબાઇલ પશુ દવાખાનાઓ ચાલું કર્યા છે. પ્રતિ દસ ગામ દીઠ એક એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. તેના પરિણામે પશુપાલકોને પોતાના ઘરઆંગણે જ માંદા પશુઓની સારવારની સુવિધા મળી રહે છે. આ માટે ૧૯૬૨ નંબરની હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે.
શ્રી બાવળિયાએ જણાવ્યું કે, ખાણદાણ, પશુ આરોગ્યમેળા, કેટલશેડ, દૂધાળ પશુ ખરીદ સહાય, દૂધ મંડળીઓને સહાય જેવી યોજના થકી સરકાર ગુણવત્તાયુક્ત દૂધનું ઉત્પાદન વધારવા ઇચ્છી રહી છે. આમ, કરવાથી પશુપાલકોની આવકમાં પણ વૃદ્ધિ થશે.
તેમણે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નલ સે જલ યોજનાની માહિતી આપી દાહોદ જિલ્લાને ટૂંકા સમયગાળામાં જ હાંફેશ્વર યોજનાનું પાણી મળી રહેશે, તેમ જણાવ્યું હતું અને સન્માનિત પશુપાલકોને અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે કહ્યું કે, સમગ્ર રાજ્યમાં બે કરોડ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું તેમાં દાહોદ અગ્રેસર રહ્યું છે. પશુપાલન આપણે યુગોથી કરતા આવ્યા છીએ. પશુપાલન અને ખેતી એક બીજાના પૂરક છે. હવે, પશુપાલનમાં વ્યવસાયિક અભિગમ અપનાવવાની જરૂરત છે. એમ કરવાથી જ આર્થિક સદ્ધરતા આવી શકે છે.
રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કડાણા ઇરિગેશન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થવા જઇ રહ્યો છે. તે કાર્યરત થઇ જતા દાહોદ જિલ્લામાં સિંચાઇ સુવિધા વધશે અને તેના પરિણામે ખેતી તથા પશુપાલન ઉત્કૃષ્ઠ રીતે થઇ શકશે. તેમણે પોતાના પ્રવચનમાં પશુપાલનને લગતી વિવિધ યોજનાની માહિતી પણ આપી હતી.
મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ પશુપાલકોને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં પ્રથમ ક્રમે મોરબીના ચાંચાપર ગામના શ્રી નિલેશભાઇ સંઘાણી, બીજા ક્રમે ભરૂચના કૌશિકભાઇ પટેલ અને ત્રીજા ક્રમે આણંદના વિજયભાઇ રબારી તથા શ્રમતી મંજુલાબેન પટેલ રહ્યા હતા. તેમને અનુક્રમે રૂ. ૫૦ હજાર, ૩૦ અને ૨૦ હજારના ઇનામો આપવામાં આવ્યા હતા. સાથે, અન્ય લાભાર્થીઓને તેમને મળવાપાત્ર લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ પૂર્વે પશુપાલન ખાતાના તજજ્ઞોએ આધુનિક પશુપાલનું માર્ગદર્શન આપ્યું હતું. મહાનુભાવોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતી કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન પશુપાલન નિયામક ડો. ફાલ્ગુનીબેન ઠાકરે કરી હતી.
આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી યોગેશભાઇ પારગી, પદાધિકારીઓ સર્વ શ્રી કનૈલાલ કિશોરી, શ્રી ભરતભાઇ ભરવાડ, કરણસિંહ ડામોર, જુવાનસિંગભાઇ, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભૂરિયા, કલેક્ટર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, પશુપાલન વિભાગના શ્રી કિરણભાઇ વસાવા, શ્રી ડામોર, ડો. કમલેશ ગોસાઇ સહિત પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.