સુખસર:મારગાળા ગામેથી ચાર દિવસ અગાઉ ગુમ થયેલા વ્યક્તિનું મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર..
કુવા,નદી અને બિનવારસી લાશો: સુખસર તાલુકામાં શંકાસ્પદ મોતો કેમ અટકતા નથી.?”
“ફાઈલો પર ધૂળ, તપાસ અધૂરી; વર્ષોથી ન્યાય માટે તરસતા મૃતકો”
બાબુ સોલંકી: સુખસર
સુખસર,તા.31
સુખસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી શંકાસ્પદ હાલતમાં કુવાઓ માંથી તથા બિનવારસી લાશો મળી આવવી તે સામાન્ય બાબત બની ચૂકેલી છે.અને આ સિલસિલો વર્ષોથી ચાલી રહ્યો છે.પરંતુ આવા બનાવો ઉપર રોક લાવવા માટે બની ચૂકેલા બનાવોના મૂળ સુધી તપાસ નહીં થતાં સુખસર તાલુકામાં સામાન્ય લોકોના જીવનની કિંમત શાકભાજી થી પણ નીચી પહોંચી જવા પામી હોય તેવું છેલ્લા પંદરેક વર્ષમાં બની ચૂકેલા સેન્ચ્યુરીથી નજીક પહોંચી ચૂકેલા કમોતના બનાવની હકીકત ઉપરથી કહી શકાય તેમાં કોઈ બે મત નથી.અને પોલીસ સ્ટેશન સુધી પહોંચેલા આવા કિસ્સાઓની ફાઈલો ઉપરથી ધૂળ ખંખેરી તપાસ કરવામાં આવે તો અનેક ગુનેગારો જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય અને આવા બનાવો ઉપર રોક આવે તેમાં કોઈ બે મત નથી.અને આવોજ વધુ એક બનાવ મારગાળા ગામના ચારેક દિવસથી ગુમ 45 વર્ષીય વ્યક્તિની લાશ ગામના કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા પંથકમાં તરેહ-તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે.

જાણવા મળેલ વિગતો મુજબ સુખસર તાલુકાના મારગાળા ગામના પચોર ફળિયામાં રહેતા મતાભાઈ ધનાભાઈ ભાભોર ઉંમર વર્ષ 45 નાઓ 26 જાન્યુઆરી 2026 ના રોજ રાત્રિના સમયથી ઘરેથી ગુમ થઈ ગયા હતા.તેઓની સગા-સંબંધીઓ તથા પરિચિતોમાં તપાસ કરવા છતાં પત્તો નહીં મળતા શુક્રવારના રોજ તેમના પત્ની પુનીબેન ભાભોરે સુખસર પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ ગુમ થયેલ હોવા બાબતે જાણ કરી હતી. અને તપાસ ચાલુ હતી તે દરમ્યાન મતાભાઈ ભાભોરની લાશ પોતાના ઘરથી આશરે પાંચસો મીટર દૂરના અંતરે આવેલ કુવામાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સુખસર પોલીસે લાશનો કબજો લઈ લાશના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. અહીંયા જણાવવું જરૂરી છે કે, મતાભાઈ ભાભોર રાત્રિના સમયે પોતાના મકાનના ઓટલા ઉપર ઊંઘ્યા બાદ ગુમ થઈ ગયા હતા. અને ચાર દિવસ બાદ તેઓની લાશ કૂવામાંથી મળી આવી છે.ત્યારે લાશને જોતા મોઢામાંથી જીભ બહાર આવી ગયેલી હતી.તેમજ તેમણે પહેરેલ ચંપલ તેમ જ ઓઢેલ ચાદર ગુમ થઈ હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે.ત્યારે પાણીમાં ડૂબવાથી જીભ બહાર નહીં આવે તે સ્વાભાવિક છે.જ્યારે મૃતક પોતે કુવામાં મોતનો ભૂસકો મારવા જાય ત્યારે પોતાના ચપ્પલ તથા ચાદર કોઈક જગ્યાએ સંતાડી આત્મહત્યા કરવા જાય તે શક્ય નથી.ત્યારે મૃતકના ચપ્પલ તથા ચાદર ક્યાં છે? તેની પણ તપાસ થવી જોઈએ અને તેઓની સાથે કોઈ અઘટીત ઘટના ઘટી હોય તો આ બનાવમાં કોનો હાથ છે?તેની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી પરિવારજનોની પ્રબળ માંગ ઉઠવા પામેલ છે.ત્યારે આ બનાવમાં ગુન્હાહિત કૃત્ય કરવામાં આવ્યું હોય તો તેમાં સામેલ ગુન્હેગાર સુધી પોલીસ ક્યારે પહોંચે છે?તે જોવું રહ્યું!
“ન્યાયની રાહ જોતા મૃતદેહો: સુખસર તાલુકામાં શંકાસ્પદ મોતોના વધતા બનાવો”
સુખસર તાલુકામાં વર્ષ 2011 થી લઈ હાલ સુધીમાં 100 ઉપરાંત આસપાસ શંકાસ્પદ કમોતના બનાવો બની ચૂકેલા છે.જેમાં કેટલાક ગુન્હાહિત બનાવોમાં આરોપીઓ ઝડપવામાં આવેલ છે.જ્યારે કેટલાક હત્યા જેવા બનાવો પી.એમ રિપોર્ટમાં આવવા છતાં તેમાં સંડોવાયેલા આરોપીઓ સુધી વર્ષો બાદ પણ પોલીસ પહોંચી શકતી નથી!ઝડપાયેલા આરોપીને દાખલો બેસી શકે તેવી સજા થયેલ હોવાના કિસ્સા બહુ ઓછા છે.સુખસર પોલીસ હદ વિસ્તારમાં નાના બાળકો સાથે મહિલા માતાઓ દ્વારા આત્મહત્યા કરવાના બનાવો પણ બની ચૂકેલા છે.અને આવા બનાવો કયા કારણોસર બને છે?તેની તપાસ નહીં કરાતા આવા બનાવને આત્મહત્યામાં ખપાવી દેવામાં આવે છે.અને તપાસ પૂર્ણ કરી ફાઈલો માળીએ ચડાવી દેવામાં આવતી હોય ગુનેગારોને છૂટો દોર મળતા સમયાંતરે કમોતના બનાવો વધતા જઈ રહ્યા છે.જો કે કોઈ મહિલા કે પુરુષને આત્મહત્યા કરવાનો શોખ ઉભો થતો નથી.પરંતુ આત્મહત્યા કરવા મજબૂર બનાવતા કે હત્યા કરી કુવા,નદી,નાળા કે બિનવારસી લાશો છોડી દેતા તત્વો પોલીસ પકડથી દૂર રહેતા શંકાસ્પદ મોતની ઘટનાઓના સમયાંતરે કિસ્સા વધતા જાય છે.ત્યારે સુખસર તાલુકાની હદ વિસ્તારમાં અગાઉ બની ચૂકેલા બનાવોની ફાઈલો ઉપરથી ધૂળ ખંખેરી આવા કિસ્સાઓની તટસ્થ અને નિષ્પક્ષ પણે તપાસ કરવામાં આવે તેમજ બની રહેલા બનાવોને ગંભીરતાથી લેવામાં આવે તો કેટલાક ગુન્હેગારો જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય અને વધતા જતા બનાવો ઉપર રોક લાવી શકાય તે અશક્ય નથી.
