બાબુ સોલંકી: સુખસર
સુખસર તાલુકામાં શિવગંગાના ધર્મવીરોએ ગુરુ ગોવિંદની પ્રથમ ધૂણી મોટા નટવા તથા માનગઢ ખાતે દર્શન કર્યા
ગુજરાત,રાજસ્થાન તથા મધ્યપ્રદેશના ગુરુ ગોવિંદના ભક્તોએ ભજનોની રમઝટ બોલાવી સત્સંગ કરવામાં આવ્યો
સુખસર,તા.5

શિવગંગા ધરમપુરી થી અંદાજિત 450 જેટલા ધર્મવીર ભાઈ-બહેનો,યુવાનો અને વડીલો પોતાના સ્વખર્ચે બે દિવસનું સમય દાન કરીને ગુજરાત,રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજના ઉધ્ધારક એવા ગુરુ ગોવિંદની પ્રથમ ધૂણી મોટા નટવા ગામે આવીને ધૂણીના પૂરી શ્રદ્ધા અને ભાવથી દર્શન કરવામાં આવ્યા હતા.ત્યારબાદ ગુજરાત અને મધ્ય પ્રદેશના ગુરુ ગોવિંદના ભક્તોએ ભજનો ગાઇને ગુરુને યાદ કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ ધર્મસભા કરવામાં આવી હતી.જેમાં જુદા જુદા વક્તાઓ કાંતિભગત,ભૂરા મહારાજ અને શંકરભાઈ કટારા દ્વારા મોટાનટવા ધૂણીનો ઇતિહાસ,ગુરુ ગોવિંદનો જીવન પરિચય,તેમના કાર્યો વિશે માહિતી આપવામાં આવી હતી.અને ભોજન પ્રસાદ લેવામાં આવ્યો હતો.ત્યારબાદ ફતેપુરા,સંતરામપુર અને આનંદપુરી તાલુકાના ગામડાઓમાં દરેક ગામમાં 5 થી10 જેટલા ધર્મવીરો અલગ-અલગ ગામમાં રાત્રી રોકાણ માટે રવાના થયા હતા.દરેક ગામડાઓમાં જઈ ફળિયાના ભાઈ-બહેનો સાથે ગુરુ ગોવિંદના કાર્યો, તેમની ભક્તિ વિશે ભજનને સત્સંગ કરવામાં આવ્યા હતાં.સાથે જ આપણા સમાજનું ઉત્થાન કેવી રીતે થઈ શકે?આપણા ગ્રામનો વિકાસ આપણે કેવી રીતે કરી શકીએ?આપણા સમાજમાં શિક્ષણ, સંસ્કાર કેવીરીતે બાળકો લેતા થાય?તે બાબતે રાત્રિ દરમ્યાન ચર્ચાઓ કરવામાં આવી હતી.

બીજા દિવસે તમામ ધર્મવીરો તથા આજુબાજુના ગામડાના ભક્તો માનગઢ ધામ ખાતે રવાના થયા હતા.માનગઢ ધામ જઈને ધૂણીના દર્શન કર્યા હતા.ત્યારબાદ ધર્મ સભા રૂપે મળ્યા હતા.જેમાં રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશના ભક્તોએ ગુરુ ગોવિંદના ભજનનોની રમઝટ બોલાવી તથા સત્સંગ કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ જુદા જુદા વક્તાઓ રાજા રામજી કટારા,ભૂરા મહારાજ , મહેશ શર્માજી અને શંકરભાઈ કટારા દ્વારા માનગઢનો ઇતિહાસ આદિવાસી સમાજના ઇતિહાસ,આદિવાસી સમાજના બલિદાન વિશે માહિતી આપવામાં આવી હતી.તથા આગામી સમયમાં આપણા સમાજને અન્ય વિકસિત સમાજની હરોળમાં માનભેર જીવવા માટે શું કરી શકાય?તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.સાથે જ ગુરુ ગોવિંદ દ્વારા આપેલ ભક્તિના નવ નિયમોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.અને ઉપસ્થિત તમામ ભક્તોએ આ નિયમોનું પાલન કરીને પોતે પરિવારને અને સમાજને સાચી દિશા આપવાનો સંકલ્પ સાથે મળીને કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ માનગઢ ધામમાં રેલી કાઢવામાં આવી હતી.જેમાં ઢોલ,નગારા સાથે નાચતા કૂદતા આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમમાં શિવગંગા ધરમપુરી ધામના ધર્મવીરોમાં શિસ્ત,સંસ્કાર,સમર્પણ, ત્યાગ અને પરમાર્થની ભાવનાના દર્શન થયા હતા.તથા સૌ સાથે મળીને ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા.