બાબુ સોલંકી: સુખસર
ફતેપુરા તાલુકાના છાલોર ગામે મોટરસાયકલ અકસ્માતમાં એક મહિલાનું મોત:બેને ગંભીર ઈજા
મોટરસાયકલ અકસ્માતમાં મૃતક મહિલા નવાગામના જ્યારે બે ઈજાગ્રસ્તો વટલી ગામના.
સુખસર,તા.4
ફતેપુરા તાલુકાના જગોલાથી ફતેપુરા તરફ પુરપાટ દોડી આવતી મોટરસાયકલ ઉપર છાલોર ગામે પટેલ ફળિયા માંથી પસાર થતા સમયે બમ્પના કારણે ઉછળીને રોડ ઉપર પડતા બાઈક સવાર ત્રણ જણાને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. તે પૈકીના એક મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજયું હોવાનું જ્યારે બે વ્યક્તિ સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા તાલુકાના વટલી ગામના કિરીટભાઈ સોમાભાઈ નીનામા પોતાના કબજાની જીજે-20. ક્યુ-6234 નંબરની બાઈક ઉપર મહેશભાઈ બદાભાઈ નીનામા તથા નવાતળાવ ગામના નવલીબેન શાંતિભાઈ કમજીભાઈ પારગીને પાછળ બેસાડી 3 ડિસેમ્બર બપોરના દોઢેક વાગ્યાના સુમારે જગોલાથી ફતેપુરા તરફ જઈ રહ્યા હતા.તે દરમ્યાન પોતાના કબજાનુ બાઈક પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવતા અચાનક રોડ ઉપર બમ્પ આવતા બાઈક પર કંટ્રોલ નહી રહેતાં બાઈક ઉછળીને રોડ ઉપર સ્લીપ થતાં બાઈક પર બેઠેલ ત્રણેય જણા રોડ ઉપર પટકાયા હતા.નવલીબેન શાંતિભાઈ કમજીભાઈ પારગીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમજ મહેશભાઈ બદીયાભાઈ નીનામા તથા બાઈક ચાલક કિરીટભાઈ સોમાભાઈ નીનામા એમ ત્રણેય જણાને નાની મોટી ઇજાઓ થવા પામી હતી.ઘટનાની જાણ ફતેપુરા પોલીસ ને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને 108 ઈમરજન્સી વાન બોલાવી ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે ફતેપુરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.જયાં નવલીબેન શાંતિભાઈ કમજીભાઈ પારગીનું સારવાર દરમ્યાન મોત નીપજવા પામેલ હોવાનું જ્યારે બાકીના બે ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે નવાતળાવ ગામના હોળી ફળિયામાં રહેતા સોમાભાઈએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી લાશના ફતેપુરા સરકારી દવાખાનામાં પી.એમ બાદ લાશનો કબજો તેમના વાલી વારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.