બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના મારગાળામાં જમીન સંબંધે અદાવત રાખી હુમલો કરતા ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો
મારામારીમાં ચાર લોકોને ઇજા પૈકી એક ઇજાગ્રસ્તને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો
સુખસર ,તા.૧૮
જર,જોરુ અને જમીન ત્રણેય કજીયાના છોરુ ને સાર્થક ઠેરવતો કિસ્સો ફતેપુરા તાલુકાના મારગાળા ગામે બનવા પામેલ છે.તેમાં પરિવારના લોકો વચ્ચે અગાઉથી જમીન સંબંધે તકરાર ચાલતી આવેલ છે.અને જેનો કોર્ટ કેસ ચાલી જતા હુકમ પણ આપી દેવામાં આવ્યો છે.તેમ છતાં એક પક્ષ દ્વારા કોર્ટના હુકમને પણ નહીં ગણકારતા બંને પક્ષ વચ્ચે તકરાર થતા એક પક્ષના લોકોએ બીજા પક્ષના લોકોને લોખંડની પાઇપ તથા લાકડી વડે હુમલો કરતા ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.જે પૈકી એક ઇજાગ્રસ્ત દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.
સુખસર પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મારગાળા ગામના મોટીપચોર ફળિયામાં રહેતા અશોકભાઈ ઉર્ફે ઇલેશ તેરસિંગભાઈ ભાભોર તથા ચીમનભાઈ બીજિયા ભાઈ ભાભોર વચ્ચે જમીન સંબંધે અગાઉથી તકરાર ચાલતી આવેલ છે.અને જે બાબતે કોર્ટ કેસ ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા હુકમ પણ આપી દેવામાં આવ્યો છે.તેમ છતાં ગત ૧૩ નવેમ્બર-૨૦૨૩ ના રોજ અરવિંદભાઈ ભાભોર,અંકિતભાઈ ભાભોર,ચીમનભાઈ ભાભોર તથા રવિનભાઈ ભાભોરનાઓ હાથમાં લોખંડની પાઇપો તથા લાકડીઓ લઈ વિવાદિત ખેતરમાં પાણી વાળવા માટે જતા અશોકભાઈ ભાભોરે બૂમ પાડી જણાવેલ કે,અમો આ જમીનનો કેસ જીતી ગયા છીએ અને હાલમાં આ જમીન અમારી માલિકીની છે.તમો અહીંયા પાણી વાળવા આવશો નહીં તેમ કહેતા ઉપરોક્ત ચારે આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ બીભીત્સ ગાળો બોલી કહેવા લાગેલ કે ભલે તમો કોર્ટમાં કેસે જીતી રહ્યા છો પરંતુ અમો આ જમીનમાં ખેતી કરીશું.તમારાથી થાય તે કરી લો.તેમ કહી આ ચારેય આરોપીઓ ફરિયાદીના ઘરે દોડી જઈ અરવિંદભાઈ ભાભોરનાઓ એ તેના હાથમાં રાખેલ લોખંડની પાઇપ સુભાષભાઈને માથાના ભાગે મારી ઈજા પહોંચાડેલ.જ્યારે અંકિતભાઈ ભાભોરના એ અશોકભાઈ ભાભોરને માથાના ભાગે મારી ચામડી ફાટી જતા લોહી લુહાણ થઈ ગયેલ અને જમીન ઉપર ઢળી પડેલા. જેથી આરોપીઓની મારમાંથી બચાવવા મીનાબેન તથા ચંપાબેનનાઓ દોડી આવતા ચીમનભાઈ ભાભોરે તેના હાથમાં રાખેલ લાકડી મીનાબેનને જમણા હાથની કોણીના ભાગે તેમજ જમણા પગના સાથળના ભાગે લાકડીના સપાટા મારી ઇજાઓ પહોંચાડેલ. જ્યારે રવિભાઈ ભાભોરે ચંપાબેન ભાભોરને બરડાના ભાગે મુક્કા વડે ગડદા પાટુનો માર મારી ઈજા કરતાં મારનો ભોગ બનેલા ઇજાગ્રસ્તોએ બૂમાબૂમ કરતા ફળિયાના માણસો દોડી આવતા આ ચારે આરોપીઓ જતા જતા માં-બેન સમાણી બિભીત્સ ગાળો આપી હવે પછી અમોને આ જમીનમાં ખેતી કરતા અટકાવશો તો તમને જાનથી મારી નાખીશુ તેવી ધાક ધમકીઓ આપતા જતા રહેલા. ત્યારબાદ ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા. તે પૈકી માથામાં વધુ ઇજાગ્રસ્ત સુભાષભાઈ ભાભોરને ઝાલોદ ખાનગી દવાખાના બાદ વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.અને હાલ તેઓ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.જ્યારે આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું પણ જાણવા મળે છે.
ઉપરોક્ત મારામારી સંબંધે અશોકભાઈ ઉર્ફે ઇલેશ તેરસિંગભાઈ ભાભોર નાઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અરવિંદ ચીમનભાઈ ભાભોર,અંકિત ચીમનભાઈ ભાભોર,ચીમન બિજયાભાઈ ભાભોર તથા રવિન ધૂળસિંગભાઈ ભાભોર તમામ રહે મારગાળા મોટી પચોરના ઓની વિરુદ્ધમાં આઈ.પી.સી. કલમ-૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨)તથા૧૧૪ મુજબ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.