સંજેલી તાલુકાના નેનકી ગામે એક બંધ મકાનને નિશાન બનાવતાં તસ્કરો: સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ પર હાથફેરો
દાહોદ તા.03
સંજેલી તાલુકાના નેનકી ગામે અજાણ્યા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 95,000 ના મુદ્દામાલ પર હાથફેરો કરી નાસી છૂટયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકાના નેનકી પાટડીયા ફળિયાના રહેવાસી ચંદ્રકાંતભાઈ કનુભાઈ પલાસ પોતાના મકાનને તાળું મારી કોઈ કામ અર્થે બહારગામ ગયા હતા. ત્યાર બાદ ગતરોજ રાત્રિના અંધારામાં ચોરીના મક્કમ ઇરાદા ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ મકાનનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મકાન મૂકેલી તિજોરીનું તાળું તોડી તેમાંથી સોનાનું મંગળસૂત્ર, દોરો, તેમજ કાનમાં પહેરવાની સોનાની સરા તેમજ વીંટીઓ, મળી પાંચ તોલાના દાગીના, તેમજ 200 ગ્રામ વજનના ચાંદી ના છડા જેની કિંમત 75,000 તેમજ 20,000 રૂપિયાની રોકડ રકમ મળી કુલ 95,000 નો મુદામાલ પર હાથફેરો કરી ભાગી ગયા હતા.
ઉપરોકત બનાવ સંદર્ભે સંજેલી તાલુકાના નેનકી પાટડીયા ફળિયાના રહેવાસી ચંદ્રકાંતભાઈ સમસુભાઈ પલાસે સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સંજેલી પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
