
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના પાટી ગામે પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ પાંચ માસ અગાઉ સવા કરોડના ખર્ચે બનાવવામાં આવેલ બે ડામર રસ્તાઓ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરના લીધે ગાયબ.!?
પાટી ગામના બે રસ્તાઓ 1.25 કરોડના ખર્ચે ડામર કરવામાં આવ્યા હતા જે માત્ર પાંચ માસમાં જ ધૂળિયા માર્ગ બની ગયા.!
આ બંને રસ્તાનું ધારાસભ્ય તથા સાંસદ સભ્યના હસ્તે ખાતમુહર્ત કર્યા બાદ રસ્તાઓની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી.
સુખસર,તા.25
ફતેપુરા તાલુકામાં કેટલાક વહીવટી તંત્રો પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા સરકાર દ્વારા ફાળવવામાં આવતા કરોડો રૂપિયા વ્યર્થ જઈ રહ્યા છે.અને મોટાભાગની કામગીરી સ્થાનિક વહીવટી તંત્રો અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતથી મનમાની ચલાવી કામગીરી કરાવતી હોય ખર્ચ કરવામાં આવેલ નાણાનો દુરુપયોગ થઈ રહ્યો છે.ત્યારે સરકારી નાણાનો દુરુપયોગ કરતા જવાબદારો સહિત તેમાં સંડોવાયેલા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો સરકારી કે જે પ્રજાના નાણા છે તેનો સદ્ઉપયોગ થઈ શકે.પરંતુ કેટલીક જગ્યા ઉપર અંધેરી નગરીએ ગંડુ રાજા જેવો વહીવટ ચલાવાતો હોય ગ્રામ્ય વિકાસના મોટાભાગની કામગીરી તકલાદી પુરવાર થઈ રહી છે.ત્યારે તે બાબતે જવાબદાર ઉચ્ચ અધિકારીઓએ સતર્કતા દાખવવાની ખૂબ જ જરૂરિયાત જણાઈ રહી છે.
જાણવા મળેલ પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના પાટી ગામે ગત દોઢેક વર્ષ અગાઉ પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ મંજુર કરવામાં આવેલ બે રસ્તાઓનું ધારાસભ્ય તથા સાંસદ સભ્યના હસ્તે 1.25 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જેમાં મહિડા ફળિયા થી પાર્ટી માતા ફળિયા મંદિર સુધીનો એક રસ્તો આશરે બે કિલોમીટર જેટલો જ્યારે બીજો રસ્તો પાર્ટી સંગાડા ફળિયા થી ભોજેલા ફાટા સુધી દોઢ કિલોમીટર જેટલા આ બે રસ્તાઓની દોઢેક વર્ષ અગાઉ માટી મેટલ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.ત્યારબાદ ગત પાંચેક માસ અગાઉ આ બંને રસ્તાઓને ડામર કરવામાં આવ્યા હતા.ત્યારે ગામના રસ્તાઓ ડામર કરવામાં આવતા ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળતો હતો.પરંતુ લોકોનો ઉત્સાહ ક્ષણિક પુરવાર થયો છે.તેમાં પાટી ગામના મહિડા ફળિયા થી માતા ફળિયા મંદિર સુધીનો આશરે બે કિ.મી જેટલા રસ્તા ઉપર કરવામાં આવેલ ડામર ઉખડી જતા હાલ ધૂળિયો માર્ગ થઈ ચૂક્યો છે.જ્યારે સંગાડા ફળિયા થી ભોજેલા ફાટક સુધીનો આશરે દોઢ કિલોમીટર રસ્તો ડામર કર્યા ને પણ માત્ર પાંચેક માસનો જ સમય વીત્યો હોવા છતાં આ રસ્તા ઉપર ની કાંકરીઓ રસ્તા ઉપર ઉપસી આવી છે.આ બંને રસ્તાઓ ઉપરની કરવામાં આવેલ કામગીરી તકલાદી પુરવાર થતા ભ્રષ્ટાચારના પોપડા ઉખડી જવા પામેલ છે.અને હાલ આ બંને માર્ગો ધૂળિયા માર્ગ બની ચૂક્યા છે. ત્યારે આ રસ્તાઓની કામગીરીની ક્વોલિટી ની તપાસ કર્યા વિના કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયા નું બિલ કેવી રીતે ચૂકવી આપવામાં આવ્યું?તે પણ એક તપાસનો વિષય છે.
અહીંયા એ પણ ઉલ્લેખનીય બાબત છે કે, કેટલાક નવીન રસ્તાઓની કરવામાં આવતી કામગીરી જે પચીસ લાખમાં થઈ શકે તેમ હોય તે જ રસ્તાની કામગીરી માટે સરકાર દ્વારા પચાસ લાખ રૂપિયા ઉપરાંતની રકમ મંજૂર કરવામાં આવે છે.અને તેમ છતાં તેવા રસ્તાઓની કામગીરીમાં સરકારના નિયમો મુજબ મટીરીયલ્સનો વપરાશ નહીં કરી રસ્તાઓ બનાવી દેવામાં આવતા હોય છે.અને તેવા રસ્તાઓ મહિનાઓમાં તૂટી જતા હોય ત્યારે તેવા કોન્ટ્રાક્ટરોને વહીવટી તંત્રો કયા સંબંધથી બીજી વાર કામગીરી સોંપતા હોય છે?તે પણ એક સવાલ છે અને આવા રસ્તાઓ માટે મંજૂર થતી રકમ દ્વારા નિયમો અનુસાર કામગીરી કરવામાં નહીં આવતી હોય ત્યારે આ નાણાં જાય છે ક્યાં? તે પણ એક સળગતો સવાલ છે. તેમજ જે-તે કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપતાં પહેલા સરકારના નિયમો અનુસાર જે પણ નિયમો અને શરતો ને આધીન રહી કામગીરી કરવામાં નહીં આવતી હોય ત્યારે તેવા કોન્ટ્રાક્ટરોની સામે વહીવટી તંત્રો દ્વારા કાયદાકીય પગલા કેમ ભરાતા નથી? અને તેવા કોન્ટ્રાક્ટરને પીઠબળ છે કોનું?અને તેઓને છાવરે છે કોણ?અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને કોઈનું પણ પીઠબળ ગમે તેટલું હોય તેના માટે વાંધો નથી પરંતુ પ્રજાના નાણાનો દૂર ઉપયોગ થતો હોય તેના માટે જવાબદાર કોણ?અને તેવા અનેક પ્રશ્નો ઉદભવે તે સ્વાભાવિક બાબત છે.