
ધાનપુર તાલુકાના આકાશવાણી ગામે આશ્રમશાળામાં 25 થી વધુ બાળકોને ખોરાકી ઝેરની અસર..
આશ્રમશાળા ના સંચાલકો તેમજ વહીવટી તંત્રમાં દોડધામ:સાંજના જમણ બાદ બાળકોને વોમેટીંગ બાદ સારવાર અર્થે ખસેડાયા..
દાહોદ તા.17
ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે આશ્રમ શાળામાં 25 થી વધુ બાળકોને ખોરાકની ઝેરની અસર થતા નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં બેની હાલત વધુ ગંભીર જણા હતા તેઓને દાહોદ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક વહીવટી તંત્રને થતા મામલતદાર તાલુકા હેલ્થ ઓફિસર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને રાંધેલા ભોજન ના સેમ્પલ લઇ આગળની દિશામાં તપાસ નો દોર લંબાવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે આવેલી શ્રી સત્યનામ આશ્રમશાળામાં સાંજના સમયે ભોજન બાદ 25 થી વધુ બાળકોને ખોરાકી ઝેરની અસર થતા તેઓને વામેટીગ થવાની શરૂ થઈ હતી જેના પગલે આશ્રમશાળા ના સંચાલકો તેમજ કર્મચારીઓમાં રીતસરની દોડધામ મચી જવા પામી હતી. 25 થી વધુ બાળકોને ખોરાકની અસર થતા તમામ બાળકોને 108 તેમજ ખાનગી વાહનો દ્વારા નજીકના પ્રાથમિક સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બે બાળકોની હાલત વધુ ગંભીર લાગતા તેઓને તાબડતોડ દાહોદના ઝાયડસ હોસ્પીટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. જોકે આશ્રમશાળા ના બાળકોને ખોરાક જહેરની અસર થઈ હોવાની જાણ સ્થાનિક વહીવટી તંત્રને થતા મામલતદાર તેમજ તાલુકા હેલ્થ ઓફિસર સહિત આરોગ્યની ટીમ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી. અને બાળકોએ આરોગેલા ખોરાકના સેમ્પલો કલેક્ટ કરી તેઓને તપાસે લેબમાં મોકલી આપ્યા હતા. તેમજ આટલા બધા બાળકોને ખોરાકી ઝેરની અસર કેવી રીતે થઈ તે દિશામાં તપાસ કરી છે.