મંગલ મહુડી રેલ દુર્ઘટનામાં પશ્ચિમ રેલ્વેનું મેગા રેસ્ક્યુ ઓપરેશન: ૫૦૦થી વધુ રેલ કર્મીઓએ ૩૨ કલાકમાં દિલ્હી મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર પુનઃ ધમધમતો કર્યો…

Editor Dahod Live
4 Min Read

  રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક..

મંગલ મહુડી રેલ દુર્ઘટનામાં પશ્ચિમ રેલ્વેનું મેગા રેસ્ક્યુ ઓપરેશન: ૫૦૦થી વધુ રેલ કર્મીઓએ ૩૨ કલાકમાં દિલ્હી મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર પુનઃ ધમધમતો કર્યો…

રેલવે તંત્રે વરસાદી વાતાવરણ સહીત અનેક પ્રતિકૂળતાઓ છતાં યુદ્ધના ધોરણે રાત દિવસ રેસ્ક્યુ કરી 32 કલાકમાં ડાઉન ટ્રેક તેમજ 36 કલાકમાં અપ ટ્રેક પૂર્વવત કર્યો..

રેલ દુર્ઘટના અંગે રેલવેતંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા ન થતા આશ્ચર્ય: રેલવે તંત્રે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ માટે સમિતિની રચના કરી.. 

 રેલવે સેફટી વિભાગના DG તેમજ પશ્ચિમ રેલવેના CSR ની ટીમ દ્વારા સમગ્ર મામલાની તપાસ બાદ રેલ દુર્ઘટનાનું સાચું કારણ બહાર આવવાની આશંકા 

પશ્ચિમ રેલવે દ્વારા આજે 10 પેસેન્જર ટ્રેનો રદ કરાઈ: પાંચ પેસેન્જર ટ્રેનોને રિશિડ્યુલ કરાઈ: ત્રણ ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરાઇ 

દાહોદ તા.19

પશ્ચિમ રેલવેના રતલામ ડીવીઝનમાં સમાવિષ્ટ દાહોદ જિલ્લાના લીમખેડા સેક્શન અંતર્ગત આવતા મંગલ મહુડી ખાતે બે દિવસ અગાઉ મધરાત્રે બનેલી માલગાડીના ડબ્બા ખડી પડવાની ગંભીર દુર્ઘટનાના કારણે સદંતર બંધ થઈ જવા પામેલા દિલ્લી-મુંબઈ રેલમાર્ગ ને 32 થી 36 કલાકની યુદ્ધના ધોરણે કામગીરી કરી રેલવે તંત્રે આ રેલમાર્ગને પુનઃ ધમધમતું કરતા રેલવે તંત્ર સહીત અટવાઈ પડેલા મુસાફરોએ રાહતનો દમ લીધો છે.

 

લીમખેડા સેક્શનમાં ધડાકાભેર ખડી પડેલા કોટાથી વડોદરા જઈ રહેલા ગુડ્સ ટ્રેનના 22 જેટલાં ડબ્બાઓથી સર્જાયેલી રેલ દુર્ઘટનામાં ક્ષતિ પામેલા રેલવે ટ્રેક ઓવરહેડ 25000 મેગાવોટની ઇલેક્ટ્રિક લાઈન, વિગેરેના સમારકામમાં હાથ ધરાયેલા મેગા રેસ્ક્યુ ઓપરેશનમાં જોતરાયેલા તમામ વિભાગના 500 કરતા પણ વધુ રેલ કર્મીઓએ વરસાદી વાતાવરણ સહીત અનેક પ્રતિકૂળતાઓ છતાં માત્ર 32 કલાકમાં જ મુંબઈ-દિલ્લી રેલમાર્ગની ડાઉન લાઈનને ચાલુ કરવામાં સફળતા મેળવી હતી.ત્યારબાદ બે કલાક બાદ અપ લાઈન પણ

ચાલુ કરવામાં આવી હતી. રેલવે તંત્રની સલામતીની દ્રષ્ટિએ કરાતી તમામ પ્રકારની ચકાસણી પણ આ રેલ લાઈનને ચાલુ કરતા પહેલા તજજ્ઞો દ્વારા કરવામાં આવી હતી. જોકે આ દુર્ઘટનાના પગલે ખડી પડેલા અને અન્ય કાટમાળ હજી પણ રેલવે ટ્રેકની આજુબાજુ ડમ્પ કરવામાં આવ્યો છે. જેને ધીમે ધીમે ત્યાંથી ઉપાડી લેવામાં આવનાર હોવાનું જાણમાં આવ્યું છે. બંને ટ્રેક ચાલુ થઈ જવાથી અમદાવાદ અને રતલામની અકસ્માત નિવારણની સ્પેશ્યલ ટ્રેન પરત મોકલી દેવામાં

આવી છે. જયારે હજી પણ રેલવેનું નિરીક્ષણ યાન ઝીણી-ઝીણી બાબતોના નિરીક્ષણ માટે ઘટના સ્થળના આજુબાજુના વિસ્તારમાં ખડેપગે હોવાનું રેલવે તંત્ર દ્વારા જણાવ્યું છે. આ સમગ્ર દુર્ઘટનમાં રેલવે તંત્રને કેટલું નુકશાન થયું અને દુર્ઘટના સર્જવાનું કારણ હજુ પણ અકબંધ રખાતાં આશ્ચર્ય સાથે અને અનેક તર્કવિતર્ક વહેતા થયા છે..

મંગલ મહુડી રેલ દુર્ઘટનામાં તપાસ કમિટીની રચના કરાઈ: ચોક્કસ કારણ આવ્યા બાદ જ રેલ દુર્ઘટનાનું કારણ જાણી શકાશે :- વિનીત ગુપ્તા (DRM, રતલામ મંડળ )

લીમખેડા સેક્શનના મંગલમહુડી ખાતે બે દિવસ પૂર્વે કોટાથી વડોદરા તરફ પુર ઝડપે આવતી માલગાડીના 16 ડબ્બા ખડી પડતા રેલ દુર્ઘટના સર્જાઈ હતી. જે બાદ 36 કલાક સુધી રેલમાર્ગ બંધ રહ્યો હતો.જે બાદ પશ્ચિમ રેલવે દ્વારા મેગા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રેલમાર્ગ પૂર્વવત કર્યો હતો. ત્યારે આ રેલ દુર્ઘટના કેવી રીતે અને કયા કારણોસર બની તે અંગે રતલામ મંડળના DRM વિનીત ગુપ્તાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આ રેલ દુર્ઘટના અંગે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.જેનો એહવાલ પ્રાપ્ત થયા બાદ દુર્ઘટના અંગે નો સાચું કારણ જાણવા મળશે.પરંતુ આ અંગે રેલવે તંત્રના સેફટી ડિપાર્મેન્ટના DG સહિતના ઝોન CSR (ચીફ સિક્યુરિટી રેલવે) ઘટના સ્થળ મુલાકાત પછી પણ ઘટના અંગેનો પ્રાથમિક તારણ પણ બહાર ન આવતા સમગ્ર દુર્ઘટના અંગે કોઈ ટેક્નિકલ કારણ દર્શાવી ઘી ના ઠામમાં ઘી જેવો ઘાટ તો નહિ સર્જાય ને..? તેવો પ્રશ્ન પણ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે.

Share This Article