દાહોદના બાવકા ખાતેની પ્રાથમિક શાળાઓમાં કલેકટર ડો હર્ષિત ગોસાવીની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

 

દાહોદના બાવકા ખાતેની પ્રાથમિક શાળાઓમાં કલેકટર ડો હર્ષિત ગોસાવીની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો

ધોરણ-૧ માં ૧૯૨ તથા આંગણવાડીમાં ૮૧ બાળકોને શાળા પ્રવેશ કરાવતા કલેક્ટરશ્રી

 

કોરોનાને કારણે ખોરંભાયેલા શિક્ષણની ખોટ પૂરવાની વિશેષ જવાબદારી શિક્ષકોની છે – કલેકટર શ્રી ડો હર્ષિત ગોસાવી

 

કલેકટર ડો હર્ષિત ગોસવી એ શાળાના બાળકો સાથે મધ્યાહન ભોજન માણ્યું હતું 

દાહોદ તા.૨૩ :

 

દાહોદની બાવકા ખાતેની ચાંદાવાડા તાલુકા શાળા સહિતની પ્રાથમિક શાળાઓમાં કલેક્ટર ડો હર્ષિત ગોસાવીનાં અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં કલેકટરશ્રીએ ધોરણ-૧ માં ૧૯૨ તથા આંગણવાડીમાં ૮૧ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. તેમજ ગત વર્ષે શ્રેષ્ઠ પરિણામ લાવનારા શાળાના વિધાર્થીઓને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યાં હતાં.

 આ પ્રસંગે કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે કોરોનાના સમયનો આપણે સારી રીતે સામનો કર્યો હતો. પરંતુ એ છેલ્લા બે વર્ષમાં શૈક્ષણિક કામગીરી ખોરંભાઇ હતી. હવે શિક્ષકોની જવાબદારી છે આ બે વર્ષના શૈક્ષણિક કર્મને સરભર કરવાનું. શિક્ષકો વિદ્યાર્થીઓને આ બે વર્ષ દરમિયાન તેમનો રહી ગયેલો કોર્ષ સંપન્ન કરાવે તે ઇચ્છનીય છે. વિદ્યાર્થીઓએ આ સમય દરમિયાન રૂબરૂ શિક્ષણ મેળવ્યું નથી. જેની ખોટ હવે પૂરવાનો સમય છે. શિક્ષકો પોતાની જવાબદારી સુપેરે નિભાવે એમ તેમણે ઉમેર્યું હતું. 

 શાળામાં પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા તેમણે ઉમેર્યું કે, શિક્ષકોએ વિદ્યાર્થીઓના પાયાના શિક્ષણ ઉપર વધુ મહેનત કરવી પડશે. અને નવા આવેલા વિદ્યાર્થીઓનો શાળાનો ડર પણ દુર કરવાનો રહેશે. બાળકોના પોષણ સ્તરમાં સુધારો કરવા પણ શિક્ષકોએ ખાસ ભાર મુકવાનો રહેશે. તેમજ રમતગમત અને ઇતર પ્રવૃતિઓ કરવા માટે પણ તેમણે જણાવ્યું હતું. 

 જમ કે ખેલો, જમ કે પઢોનો બાળકોને તેમણે સંદેશો આપ્યો હતો અને શિક્ષકોને જણાવ્યું હતું કે, બાળકોને ભાર વગરનું ભણતર આપવાની જરૂરીયાત છે. શિક્ષણ માટે ખોટો ભાર તેમજ તણાવ બાળકો ઉપર ન લાવવો જોઇએ. બાળકોને શાળા પુસ્તકાલયનો ઉપયોગ, નવી ટેકનોલોજી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે જાગૃકતા પણ લાવવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું.  

કલેકટર ડો હર્ષિત ગોસવી એ શાળાના બાળકો સાથે મધ્યાહન ભોજન માણ્યું હતું

આ પ્રસંગે સી.ડી.પી.ઓ ફાલ્ગુની મેહતા, સી.આર.સી તખતસિહ પરમાર, સરપંચશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, શાળાના શિક્ષકો, આંગણવાડી કાર્યકર બહેનો તથા બહોળી સંખ્યામાં બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Share This Article