Sunday, 08/09/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ.. પોલીસે પ્રોહીના 5 જુદા-જુદા બનાવોમાં 4.86 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા:કુલ 6 ઈસમો સામે ગુનો નોંધાયો..

March 24, 2022
        1564
દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ.. પોલીસે પ્રોહીના 5 જુદા-જુદા બનાવોમાં 4.86 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા:કુલ 6 ઈસમો સામે ગુનો નોંધાયો..

રાજેશ વસાવે દાહોદ

દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ.. પોલીસે પ્રોહીના 5 જુદા-જુદા બનાવોમાં 4.86 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા:કુલ 6 ઈસમો સામે ગુનો નોંધાયો..

 

દાહોદ તા.24

દાહોદ જિલ્લામાં હોળીના તહેવાર બાદ લગ્નસરાની સિઝન પુરબહારમાં ખીલી છે ત્યારે લગ્નસરાની સિઝનમાં ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગર તત્વો દ્વારા મોટા વિદેશી દારૂનો વેપલો કરી તગડો નફો રળી લેવા માટે સક્રિય બન્યા છે. ત્યારે દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની બદીને કડક રીતે ડામી દેવા એકશનમાં આવેલી પોલીસે જિલ્લામાં પાંચ જુદી-જુદી જગ્યાએથી 1,36,950 રૂપિયા કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડયા છે જ્યારે અને બે ઈસમો પોલીસને જોઈ ભાગી છૂટવામાં સફળ થયા છે. જોકે પોલીસે પ્રોહીના પાંચેય બનાવોમાં વિદેશી દારૂના જથ્થા તેમજ ફોરવિલ ગાડી મળી કુલ 4,86,950 નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ 6 લોકો વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરતા બુટલેગર તત્વોમાં ફફડાટ નો માહોલ સર્જાયો છે.

 પ્રોહીનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે બનવા પામ્યો છે. જેમાં મીરાખેડી ગામના ભરતભાઈ દલાભાઈ બિલવાલ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની જાણ દાહોદ ગ્રામ્ય પોલીસને થતા દાહોદ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ભરતભાઇના રહેણાંક મકાનમાં દરોડો પાડતા ભરતભાઈ ઘરે હાજર ન મળતા પોલીસે મકાનની તલાસી લેતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બિયરની 236 બોટલો મળી કુલ 27,560 રૂપિયા કિંમતનો મુદ્દામાલ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ભરતભાઈ દલાભાઈ બિલવાલ વિરુદ્ધ પ્રોહીબીશન અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 પ્રોહીનો બીજો બનાવ દેવગઢ બારિયા તાલુકાના વડભેટ ગામે બનવા પામ્યો છે.જેમાં છોટાઉદેપુર જીલ્લાનો શિંગાળાજાં ગામનો ભીમસિંગ ભાઈ મથુરભાઈ રાઠવા પોતાના કબજાની Gj-20-BA-0096 નંબરને બજાજ પલ્સર મોટરસાયકલ પર કંથાનના લગડામાં વિદેશી દારૂ ભરીને લાવતા રસ્તામાં દેવગઢ બારિયા તાલુકાના વડભેટ ગામે વોચમાં ઉભેલી સાગટાળા પોલીસે ભીમસીંગભાઈ ને રોકી કંથાનના લગડાની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયરની એક પેટી, તેમજ ગોવા વિસ્કીની 5 પેટીઓ મળી કુલ 240 બોટલોમાં 31,200 કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા સાગટાળા પોલીસે ભીમસિંગ ભાઈની અટકાયત કરી તેની પાસેથી વિદેશી દારૂનો જથ્થો તેમજ 25000 કિંમતની મોટરસાયકલ મળી કુલ 58,600 નો મુદ્દામાલ જપ્ત કરી હતી અંગેનો ગુનો દાખલ કર્યો હતો.

 પ્રોહીનો ત્રીજો બનાવ દેવગઢ બારિયા તાલુકાના સાદરા રોડ પર બનવા પામ્યો છે. જેમાં Gj-20-BA-4575 નંબરના મોટરસાયકલ ચાલક પોતાના વાહનમાં કંથાનના લગડામાં વિદેશી દારુનો જથ્થો ભરીને લાવી રહ્યો હતો. તે સમયે રસ્તામાં સાદરા રોડ પર સાગટાળા પોલીસની નાકાબંધી મોટરસાયકલ ચાલક પોતાની મોટરસાઇકલ રસ્તાની સાઈડમાં ઉભી રાખી અંધારાનો લાભ લઇ ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસે તલાસી લેતાં તેમાંથી માઉન્ટ બિયરની 62 બોટલ મળી 6,200 તેમજ પ્લાસ્ટિકના 120 કવાટરીયા મળી 20,400 નો મુદ્દામાલ મળી આવતા સાગટાળા પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ 25000 કિંમત મોટરસાઈકલ મળી કુલ 51,600 રૂપિયા કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ ઈસમ સામે પ્રોહી નો ગુનો દાખલ કર્યો હતો.

પ્રોહીનો ચોથો બનાવ ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામે બનવા પામ્યો હતો.જેમાં પાટીયાઝોલ ગામનો રમેશભાઈ ધુળાભાઈ માવી તેના અન્ય એક સાગરીત જોડે Gj-17-BN-0706 નંબર ની ફોરવિલ ગાડીમાં મધ્યપ્રદેશ તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરી લાવતાં રસ્તામાં પાટીયાઝોલ ગામે વોચમાં ઉભેલી ગરબાડા પોલીસે ગાડીને થોભવતા ફોર વ્હીલ ગાડીનો ચાલક પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો જ્યારે પાટીયાઝોલ ગામનો રમેશભાઈ ધુળાભાઈ માવી પોલીસના હાથે ઝડપાઇ જતા પોલીસની ગાડી તલાસી લેતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 264 બોટલ મળી 26,400 નો મુદ્દામાલ તેમજ ત્રણ લાખની કિંમતની ગાડી મળી કુલ 3,26,400 નો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ ઉપરોક્ત બંને ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 પ્રોહીનો પાંચમો બનાવ દાહોદ તાલુકાના રળીયાતી ગામમાં બનવા પામ્યો છે. જેમાં રળીયાતી ગામનો અશ્વિનભાઈ અંબાલાલ મલકિયા પોતાના રહેણાંક મકાન માં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની જાણ દાહોદ ગ્રામ્ય પોલીસને થતાં દાહોદ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની 175 બોટલો મળી કુલ 27,190 ના મુદ્દામાલ સાથે રળીયાતી ગામના અશ્વિનભાઈ અંબાલાલ મલકિયા વિરુદ્ધ પ્રોહીબીશન અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!