બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા પોલીસની લીંમડીયા ગામે ‘વિલેજ વિઝિટ’: કાયદાકીય જાગૃતિ માટે ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો*
*પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ વધે અને લોકો નિર્ભયતાથી પોતાની વાત રજૂ કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવા પ્રયાસ કરાયો*
સુખસર,તા.9

પ્રજા અને પોલીસ વચ્ચે સંવાદ વધે અને ગ્રામ્ય સ્તરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને તે હેતુથી ફતેપુરા પોલીસ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજે ફતેપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા લીંબડીયા ગામની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં મુખ્ય પ્રશ્નો અને કાયદાકીય જાગૃતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ફતેપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.એ. જાડેજા દ્વારા લીંબડીયા ગામની મુલાકાત દરમ્યાન ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.આ બેઠકમાં ગામના મુખ્ય પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા.અને તેના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી.સાથે જ કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ કાયદાકીય અવેરનેસ (જાગૃતિ) અંગે ગ્રામજનોને વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી.પોલીસ પ્રજાનો મિત્ર છે પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ વધે અને લોકો નિર્ભયતાથી પોતાની વાત રજૂ કરી શકે તેવો માહોલ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સાથે સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવ્યા હતા.
સુરક્ષા અને સહકાર માટે ગ્રામજનોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.આ મુલાકાત દરમ્યાન ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસની આ પહેલને ગ્રામજનોએ આવકારી હતી.
