રાહુલ ગારી :- ગરબાડા
માસૂમ લોહીલુહાણ! શ્વાને માથા અને મોઢાના ભાગે ભર્યા બચકા, પરિવારમાં ભારે રોષ
દાહોદ તા. ૮
ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામે રખડતા શ્વાનનો ત્રાસ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. આજે ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં ઘરની બહાર રમી રહેલા એક ૬ વર્ષના નિર્દોષ બાળક પર અચાનક એક ખૂંખાર શ્વાને હુમલો કરી દીધો હતો.
બાળક કંઈ સમજે તે પહેલા જ શ્વાને તેને દબોચી લીધો હતો અને મોઢા તેમજ માથાના ભાગે ગંભીર રીતે બચકા ભરીને લોહીલુહાણ કરી નાખ્યો હતો. બાળકની ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બાળકને શ્વાનના ચુંગાલમાંથી છોડાવ્યો હતો.
બાળકની હાલત ગંભીર જણાતા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બીજી તરફ, માસૂમ બાળક પર થયેલા હુમલાને લઈને પરિવારજનોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રખડતા શ્વાનોના ત્રાસથી ગ્રામજનો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
