બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરામાં ભર ઉનાળે મેઘરાજાની આશ્ચર્યજનક એન્ટ્રી:અસહ્ય ગરમી વચ્ચે ઠંડકની લહેર*
*ફતેપુરા નગરના અનેક રસ્તાઓ ઉપર પાણીનો ભરાવો થતા વાહન ચાલકો તથા રાહદારીઓને મુશ્કેલી પડી*
*હાલના કમોસમી વરસાદથી ખેડૂતો તથા ધંધાદારીઓને ફાયદા કરતાં નુકસાન વધુ*
સુખસર,તા.7

એક તરફ જ્યારે ફતેપુરા પંથકની પ્રજા કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરી રહી છે.ત્યારે આજરોજ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા મેઘરાજાએ ધૂમધડાકા સાથે પધરામણી કરી હતી.ભર ઉનાળે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા અને ત્યારબાદ પડેલા વરસાદી ઝાપટાએ સમગ્ર પંથકનું વાતાવરણ રળિયામણું બનાવી દીધું હતું.
કાળઝાળ ગરમી ના કારણે છેલ્લા ઘણા દિવસોથી સૂર્યદેવના આકરા તાપને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું હતું. ત્યારે બપોરના સમયે તાપમાનનો પારો ઊંચો હોવાથી રસ્તાઓ પણ સૂમસામ ભાસતા હતા.જોકે સાંજ થતા પહેલા જ વાતાવરણમાં આવેલા પલટાએ લોકોને મોટી રાહત આપી છે.અચાનક આવેલા કમોસમી વરસાદને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.જેનાથી નગરજનોને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી હતી.વરસાદની સાથે ફૂંકાયેલા શીતળ પવનોએ વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરાવી દીધી હતી.વરસાદના ઝાપટાંને કારણે ફતેપુરાના માર્ગો ઉપર ઠેર-ઠેર પાણી ફરી વળ્યા હતા.અને સાંજના સમયે વાતાવરણમાં એક પ્રકારની નવચેતના જોવા મળી હતી.લાંબા સમયથી ગરમીથી પરેશાન લોકો ઘરની બહાર નીકળીને આ કુદરતી વરસાદી માહોલનો આનંદ માણતા જોવા મળ્યા હતા.
જોકે હજી પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે.આજે પડેલા વરસાદને પગલે ફતેપુરાના વાતાવરણમાં આવેલા આ મોટા બદલાવે લોકોને ગરમીથી તો બચાવ્યા જ છે.પરંતુ સાથે સાથે આકાશી નજારાનો પણ અહેસાસ કરાવ્યો છે.હાલ તો સમગ્ર પંથકમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ હાલના કમોસમી વરસાદથી ખેડૂતોના ઘાસ ચારા, ઇંટ ભટ્ટાઓ વિગેરેને મોટું નુકસાન થવાની અને માખી મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો વકરવાની પણ ભિતી સેવાઈ રહી છે.હાલના કમોસમી વરસાદથી ખાસ કોઈ ફાયદો થાય તેમ નથી પરંતુ નુકસાન થવાની વધુ શક્યતા જણાઈ રહી છે.
