*‘નેશનલ બાયો-એનર્જી પ્રોગ્રામ ’ અને ‘ નિર્મળ ગુજરાત 2.0′ યોજના તેમજ ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત બનેલ બાયોગેસ પ્લાન્ટ* *દાહોદ જિલ્લામાં નેશનલ બાયોગેસના ૫૩૭ ના લક્ષ્યાંકમાંથી ૩૬૩ નેશનલ બાયોગેસના લાભાર્થીઓ પાસે નેશનલ બાયોગેસ પ્લાન્ટ*

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*‘નેશનલ બાયો-એનર્જી પ્રોગ્રામ ’ અને ‘ નિર્મળ ગુજરાત 2.0′ યોજના તેમજ ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત બનેલ બાયોગેસ પ્લાન્ટ*

*દાહોદ જિલ્લામાં નેશનલ બાયોગેસના ૫૩૭ ના લક્ષ્યાંકમાંથી ૩૬૩ નેશનલ બાયોગેસના લાભાર્થીઓ પાસે નેશનલ બાયોગેસ પ્લાન્ટ*

*દાહોદમાં ૧૭૪ બાયોગેસ પ્લાન્ટ માટેના કામો પ્રગતિ હેઠળ*

દાહોદ તા. ૨૫

દાહોદ જિલ્લામાં પણ પશુપાલકો હવે મોંઘા રાંધણ ગેસના સિલિન્ડરમાંથી મુક્તિ મેળવી આત્મનિર્ભર બન્યા છે. દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ના સહયોગથી અત્યાર સુધી કુલ ૫૩૭ ના લક્ષ્યાંકમાંથી ૩૬૩ લાભાર્થીઓને બાયોગેસ પ્લાન્ટની સુવિધા પુરી પાડવામાં આવી છે તેમજ ૧૭૪ પ્લાન્ટ માટેના કામો પ્રગતિ હેઠળ છે. 

દાહોદ જિલ્લામાં તાલુકા વાઈઝ જોઈએ તો, લીમખેડા તાલુકામાં ૨૩૦ ના લક્ષ્યાંકમાંથી ૨૦૦ જેટલા લાભાર્થીઓએ નેશનલ બાયોગેસનો લાભ મેળવ્યો છે, અને ૩૦ જેટલા પ્લાન્ટની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. દેવગઢ બારિયા તાલુકામાં કુલ ૧૬૭ લાભાર્થીઓમાંથી ૮૧ જેટલા બાયોગેસ પ્લાન્ટની કામગીરી પૂર્ણ કરાઈ છે, જયારે ૮૬ જેટલા લાભાર્થીઓ માટેના કામ હજી પ્રગતિમાં છે. ધાનપુર તાલુકામાં ૧૧૦ બાયોગેસ પ્લાન્ટના લક્ષ્યાંકમાંથી ૮૨ જેટલા પરિવારોને બાયોગેસ યોજનાનો લાભ મળી ગયો છે તેમજ ૨૮ લાભાર્થીઓનું કામ પ્રગતિમાં છે તેમજ દાહોદ તાલુકામાં ૩૦ ના ટાર્ગેટમાંથી તમામ ૩૦ પ્લાન્ટ્સના કામો ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે. 

બાયોગેસની આ યોજના હેઠળ પશુપાલકોને બેવડો ફાયદો થઈ રહ્યો છે. એક તરફ રાંધણ ગેસના ખર્ચમાં સીપી બચત થાય છે, તો બીજી તરફ બાયોગેસમાંથી નીકળતા ઉત્તમ કુદરતી ખાતરનો ઉપયોગ ખેતીમાં થવાથી રાસાયણિક ખાતરનો મોંઘો ખર્ચ પણ ઘટયો છે. આ ઉપરાંત, આ પ્રોજેક્ટ સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણની જાળવણીમાં મહત્વનો સાબિત થઈ રહ્યો છે.

ઘરે પશુઓના ગોબરનો ઉપયોગ કરીને બાયોગેસ મેળવી શકાય છે. જેના કારણે બજારમાંથી ગેસ સિલિન્ડર લેવા જવું પડતું નથી. જમવાનું બનાવવાથી લઈ તમામ કામ આ ગેસ પર કરી શકાય છે. આમ, સરકારની આ યોજનાથી ગ્રામીણ અનેકો મહિલાઓને ધુમાડાથી મુક્તિ અને આર્થિક બચત બંને મળી રહ્યા છે.

સરકારના ગોબરધન પ્રોજેક્ટ હેઠળ દાહોદ જિલ્લો પણ પાછળ રહ્યો નથી, ઘરેલુ ગોબર ગેસનો ઉપયોગ પણ દાહોદ જિલ્લામાં થઈ રહ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ગ્રામ વિકાસ એજન્સી નોડલ એજન્સી તરીકે કામ કરે છે. ગોબર ગેસ પ્લાન્ટ ગાય-ભેંસના ગોબર અને રસોડાના ઓર્ગેનિક કચરામાંથી ગેસ અને ખાતર બનાવવાની સરળ વ્યવસ્થા છે. 

ગોબર અને પાણી ભેળવી સ્લરી બનાવી બંધ ટાંકીમાં નાખવામાં આવે છે. અંદર ઓક્સિજન વગર બેક્ટેરિયા ગોબરને સડાવી મિથેન ગેસ બનાવે છે. આ ગેસ પાઈપ દ્વારા રસોડામાં પહોંચે છે જે રસોઈ માટે ઉપયોગમાં લેવાય છે. બહાર નીકળતી સ્લરી ઉત્તમ ઓર્ગેનિક ખાતર બને છે. આથી એલપીજીની બચત થાય છે. સ્વચ્છતા વધે છે અને ખેડૂતોને વધારાનું ખાતર મળે છે.

૦૦૦

Share This Article