બાબુ સોલંકી :- સુખસર
*સુખસરમાં પેટ્રોલ-ડીઝલની શાંતિપૂર્ણ વહેંચણી,અફવાઓથી દૂર રહેવા તંત્રની અપીલ*
સુખસર,તા.24

સુખસર ખાતે પેટ્રોલ અને ડીઝલની શાંતિપૂર્ણ રીતે વહેંચણી કરવામાં આવી રહી છે.ગઈકાલે રાત્રે પેટ્રોલ ભરેલી ગાડી પહોંચતા રાત્રિના આશરે 2 વાગ્યાથી જ નિયમિત રીતે વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું.અને આજે આખો દિવસ સતત વેચાણ ચાલુ રાખવામાં આવ્યું છે.
ખોટી અફવાઓના કારણે વહેલી સવારથી પેટ્રોલ પંપ પર લોકોની લાઈનો લાગી ગઈ હતી.પરંતુ તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતા તમામ લોકોને તેમની જરૂરિયાત મુજબ પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
સૂત્રો મુજબ સાંજે વધુ એક ગાડી પહોંચવાની તૈયારીમાં છે.જેથી જથ્થો સતત ઉપલબ્ધ રહે.તંત્રએ લોકોને અપીલ કરી છે કે કોઈપણ ખોટી અફવા ઓમાં વિશ્વાસ ન રાખે અને શાંતિ જાળવે.હાલ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું તંત્રએ સ્પષ્ટ કર્યું છે.
તંત્રએ વધુમાં ચેતવણી આપી છે કે, કોઈપણ વ્યક્તિ જરૂરિયાત વગર પેટ્રોલ અથવા ડીઝલ લઈ કાળા બજારમાં વેચતા જણાશે તો તેના સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.તેમજ કોઈપણ વ્યક્તિ કૃત્રિમ અછત સર્જવાની કોશિશ કરશે અથવા સંગ્રહખોરી કરશે તો તેની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955ની જોગવાઈ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ અંગે એકલવ્ય પેટ્રોલ પંપના મેનેજર ભૂરસિંગભાઈએ જણાવ્યું હતું કે,આજે રાત્રે પેટ્રોલ તથા ડીઝલની ગાડી આવેલ હતી.અને આખો દિવસ વેચાણ કરવામાં આવ્યું છે.બીજી ગાડી પણ પહોંચવાની તૈયારીમાં છે્.જેથી નિયમિત રીતે પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ રહેશે.
આમ,સુખસરમાં ડીઝલ-પેટ્રોલની કોઈ તંગી ઉભી થયેલ નથી કે આવનાર સમયમાં તંગી ઊભી થાય તેવા કોઈ અણસાર જણાતા ન હોય ત્યારે પ્રજાએ ખોટી અફવા ઓમાં આવી સંગ્રહખોરી કરવી નહીં.અને અફવાઓથી દૂર રહેવા તંત્ર દ્વારા જણાવાયું છે.
