રાજેશ વસાવે :- દાહોદ
*સુપોષિત દાહોદની યશગાથા : કુપોષણમાંથી સ્વસ્થ જીવન તરફની સફળ સફર*
*દાહોદ જિલ્લામાં કુપોષણ સામે લડવા માટે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલા “C-MAM” કાર્યક્રમ અંતર્ગત એક વધુ સફળતા પ્રાપ્ત થઈ*
દાહોદ તા. ૨૩
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મોટા કાળિયા આંગણવાડી કેન્દ્ર હેઠળ નોંધાયેલ બાળક નિસરતા આરવભાઈ રાકેશભાઈ (જન્મ તા. 03/11/2022) શરૂઆતમાં ગંભીર કુપોષણ (SAM)ની સ્થિતિમાં હતો. બાળકના માતા-પિતા મજૂરી માટે બહારગામ રહેતા હોવાથી બાળક દાદી સાથે રહેતો હતો, જેના કારણે યોગ્ય પોષણ અને દેખરેખનો અભાવ રહ્યો હતો.
ત્યાર બાદ બાળકને “C-MAM” કાર્યક્રમમાં તા. 01/12/2025 ના રોજ જોડવામાં આવ્યું હતું. પ્રારંભિક આરોગ્ય તપાસ દરમિયાન તા. 04/12/2025એ બાળકનું વજન 13.1 કિ.ગ્રા. અને ઊંચાઈ 106.5 સે.મી. નોંધાઈ હતી, જે SAM કેટેગરીમાં આવતું હતું. સતત દેખરેખ અને યોગ્ય પોષણ આપતા તા. 10/02/2026 સુધીમાં બાળકનું વજન વધીને 14.7 કિ.ગ્રા. થયું અને હવે બાળક “NORMAL” કેટેગરીમાં આવી ગયું છે.
આ સફળતામાં મુખ્ય સેવિકા ભાભોર મણીબેન (મો. 9227820762), આંગણવાડી કાર્યકર, આશા બહેન તથા RBSK ટીમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. બાળકને આયર્ન-ફોલિક એસિડ સિરપ, ORS તેમજ “દૂધ સંજીવની યોજના” અંતર્ગત પૂરક પોષણ આપવામાં આવ્યું. ઉપરાંત THR (Take Home Ration) પેકેટમાંથી દૈનિક રાબ-શીરો તૈયાર કરીને આપવામાં આવ્યું અને પરિવારને યોગ્ય પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આંગણવાડી કેન્દ્ર, મોટાકાળિયા દ્વારા માતા-પિતાને અને સંભાળ રાખનારા વાલીદારોને બાળકના પોષણ, સ્વચ્છતા અને આરોગ્ય અંગે સતત સમજણ આપવામાં આવી, જેના કારણે આ સકારાત્મક પરિવર્તન શક્ય બન્યું.
આ રીતે “સુપોષિત દાહોદ” અભિયાન હેઠળ કુપોષણ સામે લડત સફળ બની રહી છે અને આવા પ્રયત્નો દ્વારા વધુ બાળકોને સ્વસ્થ જીવન તરફ દોરી શકાય છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢાના આ કાર્યક્રમના સક્રિય અમલથી તેમજ પ્રોગ્રામ ઓફિસરશ્રી ઈરાબેન ચૌહાણની દેખરેખ હેઠળ કુપોષિત બાળકને સ્વસ્થ અને સુપોષિત બનાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.
૦૦૦
