બાબુ સોલંકી:- સુખસર
*સુખસરમાં ખારી નદી ઉપર બની રહેલ લાખો રૂપિયાના ખર્ચે નવીન પુલની ગોકળ ગાયની ગતિએ ચાલતી કામગીરી*
*નવીન પુલની કામગીરીમાં*
*નિયમોનુસાર લોખંડ તથા મટીરીયલ્સનો વપરાશ નહીં કરી તકલાદી કામગીરી કરવામાં આવતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ*
સુખસર,તા.21

ફતેપુરા તથા સુખસર તાલુકામાં રોડ રસ્તા અને નાળાઓ અને પુલની વેઠ ઉતાર કામગીરી કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી રહે છે.અને નવીન બનાવેલ પુલ અને નાળાઓ ટૂંકા સમયમાં તૂટી જતા તકલાદી કામગીરી સાબિત થતી હોવાના અનેક દાખલા જોવા અને જાણવા મળે છે.તેવી જ રીતે હાલમાં સુખસર ખાતે ખારી નદી ઉપર નાની ઢઢેલી,ઢઢેલા થી ફતેપુરા ઝાલોદ ને જોડતા માર્ગ ઉપર લાખો રૂપિયાના ખર્ચે નવીન પુલ બનાવવામાં આવી રહ્યો છે.પરંતુ આ પુલની કામગીરીમાં નિયમોનુસાર કામગીરી કરી મટીરીયલ્સ વાપરવાનુ હોય છે તેમાં ઉણપ જણાતી હોવાની સ્થાનિક નાગરિકો દ્વારા ફરિયાદ ઉઠવા પામેલ છે.ત્યારે તેની ઉચ્ચ કક્ષાએથી તપાસ આવશ્યક છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુખસર તાલુકાના મુખ્ય મથક સુખસર ખાતે ખારી નદી ઉપર અગાઉ બેઠો પુલ બનાવવામાં આવેલ હતો. જેના લીધે ચોમાસાના સમયમાં નાની ઢઢેલી, ઢઢેલા,ફતેપુરા તરફ આવર-જવર કરતી જનતાને મુશ્કેલી પડતી હતી.તેને ધ્યાને લઈ લાખો રૂપિયાના ખર્ચે ખારી નદી ઉપર સરકાર દ્વારા નવીન પુલની મંજૂરી અપાતા ત્રણેક માસથી પુલની બાંધ કામગીરી શરૂ કરવામાં આવેલ છે.પરંતુ નવીન પુલ બાંધકામ કરવા માટે પાયાની કામગીરી કરવી ખૂબ જ આવશ્યક હોય છે.પરંતુ અહીંયા પાયાના ખોદકામ વિના જુના પાયા ઉપર જ આરસીસીની કામગીરી કરી પુલની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. તેમજ આ પુલ ઉપરથી દિવસે સેકડો વાહનોની અવરજવર તેમજ ભારધારી વાહનોની અવર-જવર રહે છે.જાણકારોના કહેવા પ્રમાણે પુલની કામગીરીમાં 30 એમએમ ના સળિયા હોવા આવશ્યક છે પરંતુ અહીંયા 20 એમએમ ના સળિયા વાપરી પુલ ઉભો કરવામાં આવી રહ્યો છે.ચોમાસાના સમયે અનેક નદીઓના પાણી આ ખારી નદીમાં મળે છે.અને વધુ વહેણમાં આ બની રહેલો પુલ તકલાદિ સાબિત થશે તેવું પણ સ્થાનિકોમાં સર્ચાઇ રહ્યું છે.જોકે આ પુલની કામગીરી ગત ત્રણેક માસથી શરૂ કરવામાં આવી છે.પરંતુ છેલ્લા એક માસથી કામગીરી બંધ હોવાનું જોવા મળે છે.ત્યારે આ પુલની કામગીરી ચોમાસા પહેલા સમય મર્યાદામાં થશે કે કેમ?તે પણ એક સવાલ છે.
*બોક્સ*
સુખસરના ખારી નદી ઉપર જે પુલની કામગીરી કરવામાં આવી રહી છે તેનું બાંધકામ અને સ્ટ્રક્ચર નીચે સ્લેબ ભર્યો છે.પીલર ઉભા કરવામાં આવેલ નથી.ખરેખર નદીનો પુલ બનાવવો હોય તો પાયાની ખાસ જરૂરત હોય છે પરંતુ જુના પાયા ઉપર કામગીરી કરવામાં આવી રહી છે.તેમજ પિલ્લર હોવા જોઈએ.અને પિલ્લર ઉપર સ્લેબ ભરવો જોઈએ. પરંતુ સીધું ફાઉન્ડેશન આપી દીધું છે. તેમજ પુલની કામગીરીમાં 30 એમ એમ ના સળિયા વાપરવા જોઈએ.તેના બદલે 20 એમએમ ના સળિયા વાપર્યા છે.અને ફાઉન્ડેશન આપી દિવાલ ઊભી કરી દીધી છે તે ખોટું છે.આ કામગીરી ભવિષ્યમાં તકલાદી સાબિત થશે ત્યારે તેની ઉચ્ચ સ્તરેથી તપાસ થવી જોઈએ.
*(મહેશભાઈ જી.પંચાલ તથા પ્રજેશ કુમાર પંચાલ,સ્થાનિક નાગરિક સુખસર)*
