ઈરફાન મકરાણી :- દે. બારીયા
દાહોદમાં ખનિજ વિભાગની મોટી કાર્યવાહી:9 ડમ્પર ઝડપાયા, રૂ. 2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત
ફાંગીયા–સાગટાલા રોડ પર અચાનક ચેકિંગથી રેત માફિયામાં ફફડાટ:ગેરકાયદેસર ખનન પર કડક પ્રહાર
દાહોદ તા. 18:

દાહોદ જિલ્લામાં ખનિજ વિભાગ દ્વારા હાથ ધરાયેલી કડક કાર્યવાહીના પગલે ગેરકાયદેસર રેતી ખનન અને પરિવહન સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. વિભાગની ટીમે દેવગઢ બારીયા તાલુકામાં અચાનક ચેકિંગ હાથ ધરી મોટી સફળતા હાંસલ કરી છે.
મળતી માહિતી મુજબ, ખનિજ વિભાગની ટીમ દ્વારા ફાંગીયા–સાગટાલા રોડ પર અચાનક ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બિનઅધિકૃત રીતે સાદી રેતીનું ઓવરલોડ વહન કરતા કુલ 9 ડમ્પર વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા.ટીમે તમામ વાહનોને સ્થળ પર જ સિઝ કરી આશરે રૂપિયા 2 કરોડ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી ખનિજ વિભાગ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.આકસ્મિક ચેકિંગના કારણે ગેરકાયદેસર રેતી પરિવહન કરતા તત્વોમાં ભારે દોડધામ મચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી બાદ રેતી માફિયાઓમાં ભયનો માહોલ ઊભો થયો છે અને અનેક લોકો પોતાનો ગેરકાયદેસર ધંધો તાત્કાલિક બંધ કરવાની કોશિશ કરી રહ્યા છે.
ખનિજ વિભાગ દ્વારા આવનારા દિવસોમાં પણ આવી જ કડક કામગીરી ચાલુ રાખવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે જિલ્લામાં ગેરકાયદેસર ખનન પર અસરકારક રોક લાગી શકે છે.
