દાહોદમાં બંધ મકાનોને નિશાન બનાવતી તસ્કર ગેંગ ઝડપાઈ,રૂ. 5.5 લાખનો મુદ્દામાલ રિકવર.! મહિલા પોલીસ કર્મીના મકાનમાં ચોરીનો ભેદ ઉકેલાયો | 4 આરોપી ઝડપાયા, 1 હજુ ફરાર

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં બંધ મકાનોને નિશાન બનાવતી તસ્કર ગેંગ ઝડપાઈ,રૂ. 5.5 લાખનો મુદ્દામાલ રિકવર.!

મહિલા પોલીસ કર્મીના મકાનમાં ચોરીનો ભેદ ઉકેલાયો | 4 આરોપી ઝડપાયા, 1 હજુ ફરાર

દાહોદ તા.17

દાહોદ શહેરમાં બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરતી તસ્કર ટોળકીનો ભેદ ઉકેલી બી ડિવિઝન પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ચાર તસ્કરોની ધરપકડ કરી છે. પોલીસે આ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીઓને ઝડપી પાડી ચોરી કરાયેલો 100 ટકા મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.

મળતી માહિતી અનુસાર, શહેરના જીવનદીપ સોસાયટી વિસ્તારમાં ચાર દિવસ અગાઉ મહિલા પોલીસ કર્મીના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા.તસ્કરોએ ઘરમાં રાખેલી તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના મળી અંદાજે રૂ. 5.5 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતા જ બી ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરતા આખી ગેંગ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.

પોલીસે મુખ્ય સૂત્રધાર અર્જુન આમલીયાર (રહે. છાપરી નવા ફળિયા) સહિત સાહિલ બબેરીયા (રહે. દેલસર ગલાલીયાવાડ) અને મેહુલ બારીયા (રહે. અજારિયા ફળિયા)ની ધરપકડ કરી છે. જ્યારે ગેંગનો અન્ય સભ્ય મહેશ ચંદુ બારીયા (રહે. હજારીયા ફળિયા) હાલ પોલીસ પકડથી દૂર છે અને તેની શોધખોળ ચાલુ છે.

*પોલીસ કર્મીના ઘરેથી ચોરેલો મુદ્દામાલ મુખ્ય સૂત્રધારના સાળાના ઘરેથી કબજે કર્યા.*

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે મુખ્ય આરોપી અર્જુન આમલીયારે ચોરી કરાયેલા દાગીના પોતાના સાળા દિવાન વાદી (રહે. સંતરામપુર)ના ઘરે છુપાવી રાખ્યા હતા, જેને પોલીસે કબજે કર્યા છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી બે બાઈક પણ જપ્ત કરવામાં આવી છે.

*પકડાયેલી લોકલ ગેંગ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા હોવાનું સામે આવ્યું.*

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર અર્જુન આમલીયાર સામે ઘરફોડ ચોરીના ચાર, એક આર્મ એક્ટ સાથે પાંચ ગુના નોંધાયેલા છે. આ સિવાય સાહિલ બબેરીયા સામે મોબાઈલ સ્નેચિંગ, પ્રોહી સહિતના ગુનાઓ નોંધાયેલા છે.પોલીસ દ્વારા સમગ્ર ચોરીના કેસનો ભેદ ઉકેલી ચોરાયેલો 100 ટકા મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.પોલીસની આ કામગીરીને કારણે શહેરમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.

Share This Article