રાજેશ વસાવે :- દાહોદ
LPGના અભાવે રેલવે કેન્ટીનને લાગ્યા તાળા:150થી વધુ કર્મચારીઓ મોંઘુ ભોજન જમવા માટે મજબૂર
દાહોદ તા. ૧૬
ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની માઠી અસરો હવે સ્થાનિક સ્તરે છેવાડાના માનવીના રસોડા સુધી પહોંચી ગઈ છે. દાહોદમાં વર્ષોથી કાર્યરત અને હજારો રેલવે કર્મચારીઓની જઠરાગ્નિ ઠારતી રેલવે કેન્ટીન પર આજે અચાનક તાળા મારી દેવામાં આવ્યા છે. આ પાછળનું મુખ્ય કારણ કોઈ આંતરિક વિવાદ નહીં, પરંતુ આ દેશો વચ્ચેના ભીષણ યુદ્ધને કારણે સર્જાયેલી LPG (કોમર્શિયલ ગેસ સિલિન્ડર)ની ભારે અછત છે. રેલવેના શ્રમિકો અને અધિકારીઓ જેમના માટે આ કેન્ટીન આશીર્વાદ સમાન હતી, તેઓ આજે ભોજન માટે પરેશાન થઈ રહ્યા છે.

દાહોદમાં અંગ્રેજ શાસનકાળથી સ્થાપિત રેલવેનું વિશાળ કારખાનું આવેલું છે, જ્યાં હજારો કર્મચારીઓ રાત-દિવસ કાર્યરત હોય છે. આ કર્મચારીઓ અને અધિકારીઓના જમવા માટે વર્ષોથી અહીં રેલવે કેન્ટીન ચલાવવામાં આવે છે. આ કેન્ટીન માત્ર એક ભોજનનું સ્થળ નથી, પણ શુદ્ધ, સાત્વિક અને હાઇજેનિક ભોજનનું પ્રતીક છે. અહીં નજીવી કિંમતમાં પૌષ્ટિક આહાર પીરસવાની પરંપરા દાયકાઓથી અવિરત ચાલી રહી હતી, જે આજે ગેસના અભાવે થંભી ગઈ છે. મોંઘવારીના આ યુગમાં જ્યાં સાદું લંચ પણ 100-150 રૂપિયામાં મળે છે, ત્યાં આ રેલવે કેન્ટીન કર્મચારીઓ માટે દેવદૂત સમાન હતી. અહીં માત્ર 30 રૂપિયાની નજીવી કિંમતમાં દાળ, ભાત, શાક, 5 રોટલી, પાપડ અને છાશ જેવું સંપૂર્ણ અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવતું હતું. ખાસ કરીને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા શ્રમિક વર્ગના કર્મચારીઓ માટે આ કેન્ટીન જ એકમાત્ર આશરો હતી. આજે આ સુવિધા છીનવાઈ જતાં કર્મચારીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.
હાલમાં ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર દેશમાં LPG, CNG અને અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના પુરવઠા પર માઠી અસર પડી છે. અછતના એંધાણ વર્તાતા જ બજારમાં પેનિક જેવો માહોલ સર્જાયો છે. હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સને મળતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે દાહોદની આ કેન્ટીન ચલાવવી અશક્ય બની ગઈ છે. સંચાલકોએ મજબૂરીમાં કેન્ટીન બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
