રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ જિલ્લા સેવાસદનથી ધન્વંતરી આરોગ્ય રથને કલેક્ટરશ્રીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું*
દાહોદ તા. ૧૬

શ્રમિકોને સરળ અને સુલભ આરોગ્ય સેવાઓ પહોંચાડવાના ઉદ્દેશ સાથે દાહોદ જિલ્લા સેવાસદન સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધન્વંતરી આરોગ્ય રથને જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે તા. 12 માર્ચ 2026ના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે Building and Other Construction Workers Welfare Board (BOCW) અને EMRI Green Health Servicesના સંયુક્ત સહયોગથી રાજ્યભરમાં 50 ધન્વંતરી આરોગ્ય રથ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એમ્બ્યુલન્સોનો મુખ્ય હેતુ બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિકોને તેમના કાર્યસ્થળે જ આરોગ્ય સેવાઓ સુલભ બનાવવાનો છે.
આ યોજનાના અંતર્ગત દાહોદ જિલ્લામાં એક ધન્વંતરી આરોગ્ય રથ DAR–સુખસર/ફતેપુરા લોકેશન માટે ફાળવવામાં આવ્યો છે. તા. 16 માર્ચ 2026ના રોજ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે તથા નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.એમ. રાવલના હસ્તે આ આરોગ્ય રથને કાર્યરત
કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે BOCW વેલ્ફેર બોર્ડના જિલ્લા નિરીક્ષકશ્રી એ.બી. ગોસ્વામી, જિલ્લા પ્રોજેક્ટ મેનેજરશ્રી એચ.એસ. ડામોર અને ટી.એસ. તલાવિયા, ધન્વંતરી આરોગ્ય રથના પ્રોજેક્ટ કોર્ડિનેટરશ્રી એમ.ડી. કાપડિયા તેમજ આરોગ્ય ટીમના સભ્યો હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન કલેક્ટરશ્રીએ ધન્વંતરી આરોગ્ય રથમાં ઉપલબ્ધ તબીબી સુવિધાઓ અને સાધનોનું નિરીક્ષણ કરી આરોગ્ય સેવાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ રથમાં કાર્યરત સ્ટાફને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત તમામ મેડિકલ ઇમરજન્સી વાહનોને 108 એમ્બ્યુલન્સ સેવા સાથે સંકલિત રહી કામગીરી કરવા સૂચનાઓ પણ આપવામાં આવી હતી, જેથી જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થઈ શકે.
ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા સુખસર, ફતેપુરા, સંજેલી અને સિંગવડ તાલુકાના બાંધકામ સાઇટો, શ્રમિક વસાહતો તેમજ કડિયાના નાકાઓ પર જઈને શ્રમિકોને વિવિધ આરોગ્ય સેવાઓ આપવામાં આવશે. જેમાં મુખ્યત્વે પ્રાથમિક આરોગ્ય સેવાઓ, મૂળભૂત લેબોરેટરી ટેસ્ટ, ગર્ભાવસ્થા પૂર્વ આરોગ્ય તપાસ (ANC), આરોગ્ય સલાહ અને જાગૃતિ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ સાથે શ્રમિકોને E-Nirman Card બનાવવાની સેવા પણ પૂરી પાડવામાં આવશે, જેના માધ્યમથી શ્રમિકો BOCW વેલ્ફેર બોર્ડમાં નોંધણી કરી સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ શ્રમિક કલ્યાણ યોજનાઓનો લાભ મેળવી શકશે.
ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા બાંધકામ શ્રમિકો તથા ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને તેમના દ્વારે સરળ, સુલભ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય હેતુ છે. જિલ્લા પ્રશાસન દ્વારા વધુમાં વધુ શ્રમિકો અને નાગરિકો આ આરોગ્ય સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
