હોળી ટાણે યોજાતા પરંપરાગત મેળાઓમાં આદિવાસી સંસ્કૃતિ અને કલ્ચરનો સમાગમ દાહોદના જેસાવાડામાં અગાઉ સ્વયવરની પ્રથા સાથે જાેડાયેલો ગોળ ગધેડાનો મેળો યોજાયો

Editor Dahod Live
4 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

હોળી ટાણે યોજાતા પરંપરાગત મેળાઓમાં આદિવાસી સંસ્કૃતિ અને કલ્ચરનો સમાગમ

દાહોદના જેસાવાડામાં અગાઉ સ્વયવરની પ્રથા સાથે જાેડાયેલો ગોળ ગધેડાનો મેળો યોજાયો

દાહોદ તા.૦૯

દાહોદ જિલ્લામાં હોળીના પર્વની સાથેજ આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાને ઉજાગર કરતાં જુદા જુદા ભાતીગળ મેળાઓની શરૂઆત થાય છે. ખાસ કરીને દાહોદના જેસાવાડા ખાતે અગીયારના દિવસે પરંપરાગત રીતે ભરાતા ગોળ ગધેડાનો મેળો અનેરૂ આકર્ષણ જમાવે છે. મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતાં દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજની પરંપરાઓ અને પ્રથાઓ અનોખી અને રસપ્રદ હોય છે. તેવી જ એક અનોખી પરંપરા છે ગોળ ગધેડાનો મેળો, જે વર્ષોથી દાહોદ જિલ્લામાં ઉજવાતો આવ્યો છે. હોળી બાદ યોજાતા આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડે છે અને પરંપરાગત રીતિ-રિવાજાે સાથે મેળાની ઉજવણી કરવામાં આવે છે.

દાહોદ જિલ્લામાં વર્ષોથી યોજાતો આદિવાસી સમાજનો ગોળ ગધેડાનો મેળો હોળી પછીના પાંચમા, સાતમા અથવા બારમા દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામના બજાર ચોકમાં ભરાય છે. આ મેળામાં આજુબાજુના ગામોમાંથી હજારો લોકો ઢોલ, થાળી અને શરણાઈ જેવા વાદ્યો વગાડતા નાચતા-ગાતા ચાલતા આવે છે. ગોળ ગધેડાની પરંપરા મુજબ મેળામાં પહેલા ગામના ચોકમાં સીમળાના લાકડાનો ઊંચો થાંભલો ઉભો કરવામાં આવે છે. તેની ટોચ પર આગેવાનો દ્વારા ગોળની પોટલી બાંધવામાં આવે છે. થાંભલા આસપાસ ગામેગામની યુવતીઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ગોળાકારમાં ફરી ગોળની રખેવાળી કરતી હોય છે. પહેલાના સમયમાં જે યુવાન સોટીઓનો માર સહન કરીને થાંભલા પર ચડીને ગોળ ઉતારતો હતો તેને મનગમતી યુવતી સાથે લગ્ન કરવાની સ્વયંવર જેવી પ્રથા હતી. પરંતુ હવે આ પ્રથા બંધ કરવામાં આવી છે અને માત્ર પરંપરા જાળવવા માટે આ મેળો ઉજવવામાં આવે છે. હવે ગોળ ઉતારનાર યુવાનને પંચ દ્વારા નક્કી કરાયેલ ઇનામ આપવામાં આવે છે. હવે આધુનિક યુગમાં યુવક યુવતી અને પરિવારને પસંદ હોય ત્યાં લગ્ન કરવાના હોવાથી આશરે ૧૦૦ વર્ષથી સ્વયંવર ની પ્રથા બંધ કરી દેવામાં આવી છે. મેળાના મેદાનની વચ્ચે અંદાજે ૨૦ થી ૨૫ ફૂટ ઊંચો લાકડાનો થાંભલો ઉભો કરવામાં આવે છે. થાંભલાની ટોચ નજીક માણસ ઊભો રહી શકે તેવી રીતે આડા લાકડાના પાટિયા ગોઠવવામાં આવે છે અને તેની ટોચ પર ગોળની પોટલી બાંધવામાં આવે છે. થાંભલા આસપાસ કુંવારી યુવતીઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ઢોલના તાલે આદિવાસી ગીતો ગાતી ગોળાકારમાં નૃત્ય કરે છે. ત્યારે યુવકો આ ટોળાની વચ્ચેથી થાંભલા પર ચડવાનો પ્રયાસ કરે છે. યુવતીઓ સોટીઓથી માર કરતી હોવા છતાં પણ યુવાનો હિંમત રાખીને થાંભલા પર ચડવાનો પ્રયાસ કરે છે. જે યુવાન છેલ્લે ટોચ સુધી પહોંચીને ગોળની પોટલી ઉતારે છે તે ગોળ ખાય છે

અને આસપાસના લોકોને પણ વહેંચે છે. કહેવાય છે કે આ ગોળ મેળવવા યુવાનોને ગધેડા જેવો માર સહન કરવો પડે છે, તેથી આ મેળાને “ગધેડાનો મેળો” તરીકે ઓળખવામાં આવે છે. દાહોદ જિલ્લો આદિવાસી બહુલ વિસ્તાર હોવાથી અહીં હોળીના તહેવારની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. હોળી પહેલા અને પછી જિલ્લામાં અનેક પરંપરાગત મેળાઓ યોજાય છે.આ વર્ષે પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસાવાડા ખાતે ગોળ ગધેડાનો મેળો યોજાયો હતો. આ મેળામાં દુર-સુદૂરના ગામોમાંથી આદિવાસી લોકો પરંપરાગત પહેરવેશમાં આવ્યા હતા અને આદિવાસી ગીતો તથા નૃત્ય સાથે મેળાનો આનંદ માણ્યો હતો. જ્યાં નજર પડે ત્યાં માનવ મહેરામણ જાેવા મળતું હતું અને આ અનોખી પરંપરાએ ફરી એકવાર આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.

Share This Article