બાબુ સોલંકી :- સુખસર
*સુખસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલના કબજાની કાર કંકાસિયા ગામે વૃક્ષ સાથે અથડાતા અકસ્માતમાં મોત*
*મૃતક પોલીસ કોન્સ્ટેબલ ફતેપુરાથી પોતાના કબજાની બલેનો કારમાં પરત સુખસર આવતા અકસ્માત સર્જાયો*
સુખસર,તા.14

ફતેપુરા-સુખસર તાલુકામાં કેટલાક વાહનચાલકોની સમય સૂચકતાના અભાવે વાહન અકસ્માતો વધતા જઈ રહ્યા છે.જેમાં નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની શારીરિક ઈજાઓના શિકાર બની રહ્યા છે.જ્યારે કેટલાક લોકો મોતને ભેટવાના અનેક બનાવો બની ચૂક્યા છે.જેમાં વધુ એક બનાવ શુક્રવાર સાંજના સમયે સુખસર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારી ફતેપુરાથી પોતાના કબજાની બલેનો કારમાં પરત સુખસર તરફ આવી રહ્યા હતા તેવા સમયે કંકાસિયા વળાંકમાં પોતાના કબજાના વાહન ઉપરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા શરીરમાં આંતરિક ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ સુખસર તાલુકાના ઝાબપૂર્વ ગામના જીતેન્દ્રભાઈ સોમાભાઈ મછાર સુખસર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.જેઓ શુક્રવારના રોજ ફતેપુરા બાજુ કોઈક કામ અર્થે પોતાના કબજાની બલેનો કાર લઇને ગયેલ હતા.જ્યાંથી સાંજના છ વાગ્યાના અરસામાં પરત સુખસર બાજુ આવતા સમયે ફતેપુરા તાલુકાના કંકાસિયા કામે વળાંકમાં આવતા સમયે જીતેન્દ્રભાઈ મછારે પોતાના કબજાની ગાડી ઉપરથી કાબુ ગુમાવતા બલેનો કાર રોડની સાઈડમાં આવેલ વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી.અને ગાડીનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો.જેથી તાત્કાલિક આસપાસ માંથી લોકો દોડી આવ્યા હતા.અને કારમાં સવાર ઇજાગ્રસ્તને કાઢવા માટે દરવાજાને ખોલવા પ્રયત્ન કરવા છતાં નહીં ખુલતા લોખંડના સળિયાથી તોડવા ની ફરજ પડી હતી.અડધા કલાક સુધી મહેનત કર્યા બાદ દરવાજો ખુલ્યો હતો.
જોકે ગંભીર ઇજાગ્રસ્ત જીતેન્દ્રભાઈ મછારને બાહ્ય ઇજાઓ જોવા મળી ન હતી.પરંતુ શરીરના આંતરિક ભાગમાં દબાણ આવવાથી ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા પાયલોટ રૂમાલભાઇ ડામોર તથા ઇ.એમ.ટી સુરેખાબેન કલાસવા નાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને ફતેપુરા સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર બાદ સિટીસ્કેન માટે ઝાલોદ ખસેડવામાં આવ્યા હતા.પરંતુ આંતરિક ગંભીર ઇજાઓના કારણે જીતેન્દ્ર ભાઈને સારવાર મળે તે પહેલા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.જુવાનજોધ આશાસ્પદ પુત્રને ગુમાવતા પરિવારમાં હાહાકાર મચી જવા પામ્યો છે.જ્યારે સુખસર પોલીસ સ્ટેશન સ્ટાફ મિત્રોમાં દુઃખની લાગણી ફેલાઈ જવા પામી હોવાનું જાણવા મળે છે.
