સુખસર તાલુકા મામલતદાર કચેરીમાં રેશનકાર્ડની કામગીરી માટે ફતેપુરા બાદ સુખસર ખાતે મહિનાઓ સુધી ધરમધક્કા ખાતા અરજદારો!?* *રેશનકાર્ડમાં સુધારા વધારા તથા બંધ પડેલ રેશનકાર્ડ ચાલુ કરાવવા અરજદારોએ મહિનાઓ અગાઉ ફતેપુરા મામલતદાર કચેરીમાં પૂર્તતા સાથે અરજીઓ આપેલ હતી*

Editor Dahod Live
5 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસર તાલુકા મામલતદાર કચેરીમાં રેશનકાર્ડની કામગીરી માટે ફતેપુરા બાદ સુખસર ખાતે મહિનાઓ સુધી ધરમધક્કા ખાતા અરજદારો!?*

*રેશનકાર્ડમાં સુધારા વધારા તથા બંધ પડેલ રેશનકાર્ડ ચાલુ કરાવવા અરજદારોએ મહિનાઓ અગાઉ ફતેપુરા મામલતદાર કચેરીમાં પૂર્તતા સાથે અરજીઓ આપેલ હતી*

*મહિનાઓ સુધી જવાબદાર અધિકારીઓ દ્વારા રેશનકાર્ડ સંબંધે ઠરાવ નહીં કરી ગરીબ જનતાને રંજાડવામાં આવે છે?*

સુખસર,તા.3

 રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોના વિકાસ અને પ્રજાની પ્રાથમિક સુવિધાઓ છેવાડાના માણસ સુધી પહોંચે તેના માટે કટિબદ્ધ હોવાનું કહેવાય છે.અને સરકાર દ્વારા જે-તે જિલ્લા તાલુકાના જવાબદાર અધિકારીઓને પોતાની ફરજમાં આવતી કામગીરી સમય મર્યાદામાં કરી જે-તે અરજદારને ન્યાય મળે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે.કોઈ અધિકારી, કર્મચારી કામગીરીમાં પોતાની ફરજમાં નિષ્કાળજી દાખવે તો સીધા ઘર ભેગા કરવાની કડક સુચના પણ આપવામાં આવેલ છે.તેમ છતાં કેટલાક જવાબદાર અધિકારી,કર્મચારીઓ મનસ્વી રીતે વહીવટ ચલાવતા હોવાના દાખલા પણ બની રહ્યા છે. અને જેના લીધે ગ્રામ્ય વિસ્તારોના ગરીબ,અભણ અને લાચાર લોકો માટે પોતાની પ્રાથમિક જરૂરિયાત હોય તેવા કામકાજને જવાબદાર અધિકારી કર્મચારીઓ પોતાની ફરજના ભાગરૂપે સામાન્ય ગણાતી કામગીરી પ્રત્યે લક્ષ નહી આપતા મજબૂર લોકો પોતાની કામગીરી કરાવવા માટે મહિનાઓ સુધી કચેરીના ધરમધક્કા ખાતા હોય છે.તેવી જ રીતે ફતેપુરા તાલુકા માંથી વિભાજન થઈ નવરચિત સુખસર તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે.ત્યાં અનેક લોકો તાલુકા કક્ષાની કામગીરી માટે કચેરીના મહિનાઓ સુધી ધરમ ધક્કા ખાવા છતાં કામગીરી નહીં થતી હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે.      

          દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનુ વિભાજન કરતા 6 ઓક્ટોબર 2025 ના રોજ નવીન સુખસર તાલુકો અસ્તિત્વમાં આવતા સુખસર તાલુકાના 46 જેટલા ગામડાઓનો સમાવેશ થતા સ્થાનિક પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.અને તાલુકાના વિભાજન અગાઉ તાલુકા મામલતદાર કચેરી તથા ટીડીઓ કચેરીના જે-તે કામકાજ માટે ફતેપુરા સુધી લાંબા થવું પડતું હતું.અને નાણા તથા સમયનો વ્યય થતો હતો.ત્યારે સુખસર ખાતે તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરીની કામગીરી ચાલુ થતા હવે સ્થાનિક જગ્યાએ સમયસર તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરીના કામો સમય મર્યાદામાં થશે તેવી આશા બંધાયેલી હતી.પરંતુ પ્રજાના કેટલાક કામો ફતેપુરા તાલુકા મામલતદાર કચેરી ખાતે મહિનાઓ અગાઉ તમામ ડોક્યુમેન્ટની પૂર્તતા કર્યા બાદ ફાઈલો આપવા છતાં કામગીરી નહીં થતા સુખસર તાલુકામાં સમાવેશ કરવામાં આવેલ ગ્રામ્ય વિસ્તારના લોકોની ફાઈલો સુખસર મામલતદાર કચેરી ખાતે મોકલી આપવામાં આવેલ છે.અને સુખસર ખાતે પણ કચેરી ચાલુ થયા બાદ મહિનાઓ વિતવા છતાં જવાબદાર અધિકારીઓ માટે પોતાની ફરજમાં આવતી અને સામાન્ય કામગીરી મહિનાઓ સુધી પડતર રાખતા તાલુકાના કેટલા અરજદારો કચેરીના ધરમધક્કા ખાતા હોવાનું જણાઈ રહ્યું છે.

       ખાસ કરીને સુખસર તાલુકાના અનેક લોકોના રેશનકાર્ડમાં સુધારા વધારા,નામનો સમાવેશ કરવા અથવા કોઈક કારણોસર બંધ પડેલ રેશનકાર્ડ ચાલુ કરાવવા માટે સુખસર તાલુકાના અસ્તિત્વ આગાઉ ફતેપુરા મામલતદાર કચેરી ખાતે કેટલાક લોકોએ જરૂરી ડોક્યુમેન્ટની પૂર્તતા સાથે ફાઈલો આપેલ હતી.પરંતુ રેશનકાર્ડની જે-તે કામગીરી માટે જવાબદાર અધિકારી,કર્મચારીઓએ તસ્દી નહીં લેતા સુખસર તાલુકાનું અસ્તિત્વ આવતા સુખસર તાલુકામાં સમાવેશ કરવામાં આવેલ ગ્રામ્ય વિસ્તારના ગરીબ,અભણ,બીપીએલ, અંત્યોદય તથા એપીએલ કાર્ડની જે તે કામગીરી માટે ફાઈલો આપેલ હતી.પરંતુ ત્યાં કામગીરી નહીં થતા તે ફાઈલો સુખસર મામલતદાર કચેરી ખાતે મોકલી આપવામાં આવેલ છે.અને આ ફાઈલો આવી મહિના વિતવા છતાં તેના પ્રત્યે ધ્યાન નહીં આપવામાં આવતા હાલ અનેક લોકોની કેટલીક કામગીરી અટકી પડેલી છે.તેમજ ખરેખર જે ગરીબી રેખા હેઠળ જીવે છે તેવા લોકોને રાશનનું અનાજ નહીં મળતા ભોજન માટે પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે. અનેક લોકો રેશનકાર્ડ ચાલુ કરાવવા કે ફેરફાર કરાવવા માટે મહિનાઓ સુધી ધક્કા ખાતા હોવા છતાં તેઓની કામગીરી સમય મર્યાદામાં થતી નહિ હોવાનું જાણવા મળે છે.તેમજ મહેનત મજૂરી અર્થે બહાર જતા લોકો રેશનકાર્ડ ચાલુ કરાવવા નિયમિત મામલતદાર કચેરીના ધક્કા ખાતા હોય બહારગામ નહીં જઇ શકતા રોજગારી માટે પણ વલખા મારી રહ્યા છે. હાલ સુખસર મામલતદાર કચેરી ખાતે રેશનકાર્ડની કામગીરી માટે અગણિત ફાઈલો પડેલી હોવાનું જાણવા મળે છે.જ્યારે આ બાબતે સુખસર મામલતદાર કચેરી ખાતે રૂબરૂ સંપર્ક કરતા સુખસર તાલુકા ઇન્ચાર્જ ટીડીઓ દ્વારા ઠરાવ નહીં કરતાં સહી બાકી હોય રેશનકાર્ડની કામગીરી થઈ શકેલ નહીં હોવાનું મામલતદાર કચેરી ખાતે રેશનકાર્ડની કામગીરી કરતા કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

         અહીંયા જણાવવું જરૂરી છે કે, સુખસર તાલુકો રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો અને જાગૃત લોકોથી ભરપૂર છે તેવું કહેવાય છે!ત્યારે તેવા જ વિસ્તારમાં ગરીબ લોકોને પાયાની સુવિધા માટે કચેરીઓના મહિનાઓ સુધી ધરમ ધક્કા ખાવા પડતા હોય તે એક શરમજનક બાબત છે.ત્યારે તાલુકા-જિલ્લા તંત્રોના જવાબદારો તથા સરકાર દ્વારા ધ્યાન આપી જનતાને પડતી મુશ્કેલી દૂર કરવા સહિત જવાબદાર કર્મચારીઓને પોતાની ફરજના ભાગરૂપે આવતી કામગીરી પ્રત્યે નિષ્કાળજી નહીં દાખવતા સમય મર્યાદામાં કરે તેવું સૂચન કરવા તાલુકાની જનતાની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.

Share This Article