દાહોદના બહુચર્ચિત સરકારી જમીન કૌભાંડમાં સુલેમાન બેલીમની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર.
સરકારી લેન્ડને ખાનગી બતાવી વેચાણ કરવું ગંભીર બાબત:સેશન્સ કોર્ટનું કડક વલણ,
NA પ્રકરણમાં લગભગ તમામ જામીન મુકત પરંતુ તપાસ નિર્ણાયક તબક્કે હોવાનું કોર્ટનું અવલોકન
રાજેશ વસાવે:દાહોદ
દાહોદ તા.01
દાહોદમાં બહુચર્ચિત નકલી NA પ્રકરણમાં દાહોદ નજીક આવેલી સરકારી જમીનને પોતાના મળતીયાઓ સાથે પિતાના નામે બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યું હતું.અને સરકારી જમીનને પોતાની માલિકી તરીકે પુરવાર કરી એ જમીનનું વેચાણ કરી લાભ મેળવવાના ગુનાહિત કાવતરામાં સરકાર સાથે છેતરપિંડી અને બોગસ દસ્તાવેજો બનાવવાના ગંભીર કૌભાંડ મામલે સેશન્સ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.સરકારી તથા પોસ્ટ વિભાગની જમીનને ખાનગી બતાવી વેચાણ કરવાના આરોપી સુલેમાન જમાદખાન બેલીમની નિયમિત જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના બહુચર્ચિત નકલી એને પ્રકરણમાં દાહોદ એ ડિવિઝનમાં નાયબ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.જેમાં અલગ અલગ જમીનોમાં 70 આરોપીઓ સામે ગંભીર પ્રકારની કલમો સાથે ગુનો નોંધાયો છે. ઉપરોક્ત પ્રકરણમાં આરોપીઓએ પરસ્પર ગુનાહિત ષડયંત્ર રચી તાલુકા પંચાયત કચેરીના ખોટા સહી અને સીલ ધરાવતા બોગસ નોન-એગ્રીકલ્ચર ઓર્ડરો તૈયાર કરી તેને સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગમાં લીધા હતા. આ સાથે સરકારમાં ભરપાઈ થનારી પ્રીમિયમ રકમ પણ જમા ન કરાવી સરકારને મોટું નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો સામે આવ્યું હતું.
આ કેસમાં અગાઉ પકડાયેલા તમામ આરોપીઓ જામીનમુક્ત થયા હોવાથી સરકારી જમીનને ખાનગી બતાવી વેચી મારવાના આ કૌભાંડમાં પકડાયેલા સુલેમાન જમાદખાન બેલીમે સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી.અરજદાર પક્ષે દલીલ કરી હતી કે જમીન કૃષિ ઉપયોગની છે અને શહેર સીમામાં આવતી નથી તેમજ સમાન ભૂમિકાવાળા અન્ય આરોપીઓને જામીન મળ્યા છે. પરંતુ પોલીસ તરફે કોર્ટમાં દલીલ કરી કે વિવાદિત જમીન સરકારી વેસ્ટ લેન્ડ છે અને પોસ્ટ વિભાગની માલિકીની છે. તપાસ દરમિયાન ખુલ્યું છે કે આરોપીએ પોતાના સ્વર્ગસ્થ પિતાના નામે બોગસ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરાવી સરકારી જમીનનું વેચાણ કરી નાણાકીય લાભ મેળવ્યો છે.તપાસ અધિકારીના એફિડેવિટ મુજબ, તાલુકા પંચાયતના દર્શાવાયેલા નોન-એગ્રીકલ્ચર ઓર્ડરો અધિકૃત રેકોર્ડમાં અસ્તિત્વમાં નથી. ઉપરાંત, અરજદાર સામે સમાન પ્રકારના અન્ય ગુનાનો પૂર્વ ઇતિહાસ પણ નોંધાયેલ હોવાનું કોર્ટ સમક્ષ રજૂ કરાયું હતું.
બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સેશન્સ કોર્ટના જજ જયેન્દ્રકુમાર નવનીતલાલ વ્યાસે નોંધ્યું કે આરોપ ગંભીર સ્વરૂપના છે અને તપાસ નિર્ણાયક તબક્કે ચાલી રહી છે. આવા સંજોગોમાં આરોપીને જામીન આપવામાં આવે તો પુરાવા સાથે છેડછાડ થવાની સંભાવના નકારી શકાય નહીં. સાથે જ ઉપરોક્ત આરોપી સામે અન્ય એક ગુનો દાખલ થયો હોવાનું કોર્ટના ધ્યાને આવ્યું હતુ જેના પગલે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ સેશન્સ કોર્ટે સુલેમાન જમાદખાન બેલીમની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટના આદેશની નકલ જેલ અધિકારીઓને મોકલવા પણ સૂચના આપવામાં આવી છે.
સરકારી જમીન કૌભાંડ મામલે કોર્ટના આ કડક વલણને લઈને દાહોદ જિલ્લામાં ચકચાર જોવા મળી રહી છે. હાલ આ કેસની તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
