પેથાપુરમાં નર્સની હત્યા, 60 કિમી દૂર શિક્ષકનો આપઘાતબંને વચ્ચે પ્રેમસંબંધની આશંકા
યુવતીના પરિવારજનોએ પ્રેમી વિરૂદ્ધ હત્યાની શંકા વ્યક્ત કરી, દાહોદની બે ઘટનાએ વિસ્તારને હચમચાવી દીધો
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લાના પેથાપુર ગામમાં શનિવારે એક સાથે બે સનસનાટીભરી ઘટનાઓએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. વરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં ફરજ બજાવતી સ્ટાફ નર્સ સોનલબેન પણદાની તીક્ષ્ણ હથિયારથી કરપીણ હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી છે, જ્યારે તે જ ગામના શિક્ષક મનોજ ઉર્ફે ભોલા વાલ્મીકીની લાશ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા બંને ઘટનાઓ વચ્ચે સંભવિત સંબંધ હોવાની આશંકા ઉભી થઈ છે. આ બંને મોતને જોડીને પોલીસે વ્યાપક અને તલસ્પર્શી તપાસ શરૂ કરી છે.
શનિવારે વહેલી સવારે પેથાપુર નજીક તળાવના કાંઠે એક યુવતીની લાશ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. તપાસમાં તેની ઓળખ રણિયાર ઇનામી ગામની વતની અને વરોડ PHCમાં સ્ટાફ નર્સ તરીકે કાર્યરત સોનલબેન પણદા તરીકે થઈ હતી. મૃતદેહના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ગંભીર ઘા જોવા મળતાં હત્યાની શંકા દૃઢ બની હતી. દુષ્કર્મની આશંકાને ધ્યાનમાં રાખી પેનલ પીએમ કરાયું આ ઘટનાની જાણ થતાં જ ચાકલિયા પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં જિલ્લા પોલીસ વડા, DYSP, LCB, SOG તથા FSLની ટીમોએ સ્થળ તપાસ કરી અને ડોગ સ્ક્વોડની મદદથી આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દુષ્કર્મની આશંકાને ધ્યાનમાં રાખી સોનલબેનનો મૃતદેહ પેનલ પોસ્ટમોર્ટમ માટે દાહોદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. શિક્ષકની લાશ ઝાબુઆના રંગપુરા નજીકથી મળી આવી આ ઘટનાની વચ્ચે બીજી ચોંકાવનારી ખબર સામે આવી હતી. પેથાપુર ગામના જ રહીશ અને વ્યવસાયે શિક્ષક મનોજ ઉર્ફે ભોલા વાલ્મીકીની લાશ ઝાબુઆ જિલ્લાના રંગપુરા ગામ નજીક ડેમ પાસે બાવળના ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી. લાશ નજીક તેમની મોટર સાઇકલ પણ મળી હતી. ખિસ્સામાંથી મળેલા ફોન નંબરના આધારે તેમની ઓળખ કરવામાં આવી હતી. પેથાપુરથી અંદાજે 60 કિલોમીટર દૂર આપઘાત થયો હોવાને કારણે સમગ્ર ઘટના વધુ રહસ્યમય બની છે. પ્રાથમિક તપાસમાં બન્ને વચ્ચે પ્રેમસંબંધની માહિતી સામે આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સોનલબેન અને ભોલા વાલ્મીકી વચ્ચે પ્રેમસંબંધ હોવાની માહિતી સામે આવી છે. સોનલબેનના પરિવારજનોએ ફરિયાદમાં ભોલા વાલ્મીકી પર શંકા વ્યક્ત કરી છે. આ મામલે ઝાલોદના DYSP ડી.આર. પટેલે જણાવ્યું હતું કે, “ચાકલિયા પોલીસ સ્ટેશનની હદમાં યુવતીનો મૃતદેહ હત્યા થયેલી હાલતમાં મળ્યો છે. તેની ઓળખ સ્ટાફ નર્સ સોનલબેન પણદા તરીકે થઈ છે અને પિતાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સોનલબેન અને પેથાપુરના ભોલા વાલ્મીકી વચ્ચે સંબંધ હોવાની માહિતી મળી છે. ભોલા વાલ્મીકીની પણ ઝાબુઆમાં ફાંસો ખાધેલી લાશ મળી આવી છે. બંને ઘટનાઓને જોડીને તમામ પાસાઓથી તપાસ ચાલી રહી છે.” સમગ્ર તપાસ બાદ મામલાની સાચી હકીકત બહાર આવશે પોલીસ દ્વારા મોબાઈલ કોલ ડિટેઈલ્સ, ટેકનિકલ પુરાવા, સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ પેથાપુર સહિત આસપાસના વિસ્તારોમાં ભય અને અફવાઓનું વાતાવરણ સર્જ્યું છે. પોલીસનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમ અહેવાલ અને તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની સાચી હકીકત બહાર આવશે.
