દાહોદમાં આખલાઓના યુદ્ધમાં એકનું મોત:રેલવે વિભાગે મૃત આખલાને ટ્રેક્ટરથી ઘસડ્યો,વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ.
રેલવેતંત્રની અમાનવીયતા સામે પશુ પ્રેમીઓમાં ભારે રોષ, દોષિતો સામે કાર્યવાહીની માંગ.
દાહોદ તા.24
દાહોદ શહેરમાં રખડતા ઢોરોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલા બી-કેબિન વિસ્તારમાં રવિવારે હૃદયદ્રાવક ઘટના બની હતી.જેમાં બે આખલાઓ વચ્ચે ખેલાયેલા લોહિયાળ જંગમાં એક આખલાએ જીવ ગુમાવ્યો હતો. જોકે, આ દુખદ ઘટના બાદ તંત્રની જે સંવેદનહીનતા સામે આવી છે તેણે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. મૃત પશુના દેહને ટ્રેક્ટર પાછળ બાંધીને જાહેર માર્ગો પર ઘસડવામાં આવતા રેલવે વિભાગ સામે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, બી-કેબિન વિસ્તારમાં લાંબા સમયથી રખડતા ઢોરોનો જમાવડો રહે છે. ગત રોજ બે શક્તિશાળી આખલાઓ એકબીજા સાથે ભીષણ યુદ્ધે ચડ્યા હતા. આ લડાઈ દરમિયાન રેલવે વિભાગ દ્વારા કામગીરી અર્થે ખોદવામાં આવેલા એક ઊંડા ખાડામાં એક આખલો અચાનક ખાબક્યો હતો. ખાડો ઊંડો હોવાથી અને પડવાની ગંભીર ઈજાઓને કારણે આખલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે જેસીબીની મદદથી ભારે જહેમત બાદ મૃત દેહને ખાડામાંથી બહાર કાઢ્યો હતો.
*રેલવે તંત્રની અમાનવીયતા સામે સવાલ*
નગરપાલિકાએ આખલાને બહાર તો કાઢ્યો,પરંતુ ત્યારબાદની કામગીરીમાં રેલવે વિભાગે તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી.મૃત પશુના દેહનો યોગ્ય નિકાલ કરવાને બદલે, રેલવે વિભાગના કર્મચારીઓ દ્વારા આખલાના પગ દોરડા વડે ટ્રેક્ટર પાછળ બાંધી દેવામાં આવ્યા હતા. આ મૃતદેહને માનવીય અભિગમ રાખ્યા વગર જાહેર રસ્તાઓ પર નિર્દયતાથી ઘસડીને લઈ જવામાં આવ્યો હતો. આ દ્રશ્યો જોઈને રસ્તે ચાલતા રાહદારીઓ અને સ્થાનિક રહીશો સ્તબ્ધ થઈ ગયા હતા.
*જવાબદારો સામે કાર્યવાહીની ઉગ્ર માગ*
આ અમાનવીય કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જ દાહોદવાસીઓમાં રેલવે તંત્ર પ્રત્યે ફિટકારની લાગણી જન્મી છે. જીવતા પશુઓનો ત્રાસ તો સહન કરવો જ પડે છે, પરંતુ મૃત્યુ બાદ પશુ સાથે આવું વર્તન અસ્વીકાર્ય છે. સ્થાનિકોએ માંગ કરી છે કે, રખડતા ઢોરોના મુદ્દે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને પશુ પ્રત્યે ક્રૂરતા દાખવનાર જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવે.
