ઇન્દોર–દાહોદ રેલ પ્રોજેક્ટને ગતિ, દાહોદ- ઝાબુઆ સેક્શન આ વર્ષે શરૂ કરવા મથામણ.!
ઇન્દોર ટિહિ ટનલ સહિત પીથમપુર–ધાર સેકશનના કામમાં ઝડપ,માર્ચ 2026 સુધી ટ્રાયલ રનની ડેડલાઇન.!
ટિહિ બેલેસ્ટિક ટનલમાં ટ્રેક પાથરાયો, રેલવે અધિકારીઓએ માર્ચ 2026 સુધી પૂર્ણ કરવાની આપી કડક સૂચના
પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રશાસનિક અધિકારી વિનીત ગુપ્તા તેમજ મુખ્ય ઈજનેરે લીધી મુલાકાત.
સમય બચાવવાં રેલવેટ્રેકની સમાંતર ઈલેક્ટ્રીફીકેશન તેમજ સિગ્નલિંગ નું કામ પૂરજોશ માં..
દાહોદ તા.19

દાહોદ જિલ્લા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો ઇન્દોર–દાહોદ રેલ પ્રોજેક્ટ હવે પૂર્ણતાની દિશામાં આગળ વધી રહ્યો છે.પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના અંતર્ગત સમાવિષ્ટ આ રેલ પરિયોજનાને કારણે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે પૂરતું બજેટ ફાળવવામાં આવી રહ્યું છે, જેના પરિણામે કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.પ્રોજેક્ટની પ્રગતિ પર સતત નજર રાખવા માટે રેલવેના ઉચ્ચ તથા ટેકનિકલ અધિકારીઓ સમયાંતરે સ્થળ મુલાકાત લઈ રહ્યા છે. આ પરિયોજનાનો સૌથી મહત્વપૂર્ણ અને ટેકનિકલી પડકારરૂપ ભાગ ગણાતો 2.9 કિલોમીટર લાંબો ટિહિ બેલેસ્ટિક ટનલનું સિવિલ વર્ક થોડા મહિના અગાઉ પૂર્ણ કરવામાં આવ્યું હતું.હાલમાં પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રશાસનિક અધિકારી (નિર્માણ) વિનિંત ગુપ્તા તથા મુખ્ય ઇજનેર ધીરજ કુમાર દ્વારા ટિહિ ટનલ તેમજ પીથમપુર–ધાર સેકશનની તાજેતરમાં મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન અધિકારીઓએ સ્પષ્ટ સૂચના આપી છે કે ટનલ સહિત પીથમપુર–ધાર વચ્ચેનું સમગ્ર કામ માર્ચ 2026 સુધીમાં ટ્રાયલ રન માટે તૈયાર કરવું જ પડશે અને કોઈપણ પ્રકારનો વિલંબ સ્વીકાર્ય રહેશે નહીં.જોકે ટિહિ ટનલમાં બેલેસ્ટિક ટ્રેક પાથરી દેવામાં આવ્યો છે. સાથે સાથે ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન, સિગ્નલિંગ, કેબલ નાખવાની કામગીરી પણ સમાંતર રીતે ચાલી રહી છે,જેથી સમયની બચત થાય. ટનલ સાથે જોડાયેલા ઓવરબ્રિજનું કામ પણ અંતિમ ચરણમાં પહોંચી ગયું છે.
ઇન્દોર-મુંબઈ વચ્ચનો અંતર 55 કિલોમીટર ઓછુ થશે, સમય અને ખર્ચ બંનેની બચત થશે.

ટીહિથી ધાર વચ્ચે આવેલા સાંગોર,પીથમપુર અને ગુણાવદ રેલવે સ્ટેશનોના પ્લેટફોર્મનું કામ પૂર્ણ થતાં હવે ફિનિશિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સેકશનને ખાસ કરીને ઇન્દોર–પીથમપુર–મુંબઈ ફ્રેઇટ કોરિડોર તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે, જેમાં માલગાડી પરિવહનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ માટે સાંગોર ખાતે બે પેસેન્જર લાઇન અને એક માલગાડી માટે એમ કુલ ત્રણ ટ્રેક પાથરવામાં આવ્યા છે.આ રેલમાર્ગ શરૂ થયા બાદ ઇન્દોર–મુંબઈ વચ્ચેનું અંતર 829 કિમીમાંથી ઘટીને 774 કિમી થશે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં મોટો ઘટાડો થશે.

ઉલ્લેખનીય છે કે ટિહિ ટનલનું કામ છેલ્લા છ વર્ષથી ચાલી રહ્યું હતું અને તેને 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો. પરંતુ કોરોના કાળ તથા ટેકનિકલ કારણોસર કામમાં વિલંબ થયો. હવે અંતિમ રીતે માર્ચ 2026ને છેલ્લી ડેડલાઇન જાહેર કરવામાં આવી છે.
દાહોદ- ઝાબુઆ વચ્ચેનો સેક્શન આ વર્ષે જ શરૂ કરવા મથામણ.

બીજી તરફ, ઇન્દોર–પીથમપુર સેકશનમાં રેલવે ટ્રેક નાખીને કામ 100 ટકા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. દાહોદ–કતવારા વચ્ચેના 16 કિલોમીટર રેલમાર્ગ પર ટ્રેક તેમજ કતવારા રેલવે સ્ટેશનનું કામ પણ પૂર્ણ થયું છે અને ડીઝલ એન્જિનથી ટ્રાયલ રન સફળતાપૂર્વક કરી લેવામાં આવ્યો છે. હાલ આ સેકશનમાં ઇલેક્ટ્રિફિકેશન અને સિગ્નલિંગનું કામ બાકી છે.કતવારા થી ઝાબુઆ વચ્ચે મોટાભાગના ઓવરબ્રિજ, અંડરપાસ, વાયડક્ટ અને અર્થવર્ક અંતિમ તબક્કામાં છે. આ પૂર્ણ થયા બાદ ટ્રેક પાથરવાની તથા ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઇન અને સિગ્નલિંગનું કામ શરૂ થશે, જે આગામી એક વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
ઇન્દોર-દાહોદ રેલ લાઇન શરૂ થતા મુસાફરો તેમજ ગુડ્સને વૈકલ્પિક રેલમાર્ગ મળશે.

આ ઉપરાંત ઝાબુઆથી ધાર વચ્ચે જમીન અધિગ્રહણ પૂર્ણ કરી રેલમાર્ગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.વિશેષ નોંધનીય બાબત એ છે કે વર્ષ 1989માં મંજૂર થયેલી અને 2008માં શિલાન્યાસ થયેલી આ રેલ પરિયોજના વર્ષો સુધી ધીમી ગતિએ આગળ વધતી રહી. કોરોના કાળ દરમિયાન તો પ્રોજેક્ટ ફાઇલોમાં જ અટકી ગયો હોય તેવું લાગતું હતું. પરંતુ 2022 પછી મળેલી નવી ગતિને જોતા એવું સ્પષ્ટ બની રહ્યું છે કે આગામી એક-બે વર્ષમાં આ રેલમાર્ગ સંપૂર્ણપણે કાર્યરત બની જશે.આ રેલ પ્રોજેક્ટ પૂર્ણ થતાં માલવા–નિમાડ અને આદિવાસી પટ્ટાના સર્વાંગી વિકાસને વેગ મળશે, સાથે જ ઇન્દોર–મુંબઈ વચ્ચે એક મહત્વપૂર્ણ વૈકલ્પિક રેલમાર્ગ લોકો માટે ઉપલબ્ધ બનશે.
