રાજેશ વસાવે :- દાહોદ
*જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એસ.એલ.દામાના હસ્તે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા ૫૮ શિક્ષણ સહાયકોને પુરા પગારના ઓર્ડર એનાયત કરાયા*
દાહોદ તા. ૧૭
દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના સરદાર પટેલ સભાખંડમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ.એલ.દામાના હસ્તે જિલ્લાની વિવિધ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા માધ્યમિક વિભાગના ૪૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૦૯ આમ કુલ ૫૮ શિક્ષણ સહાયકોને પુરા પગારના ઓર્ડર એનાયત કરવાનો ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.
આ શિક્ષણ સહાયકોએ તેમની પાંચ વર્ષની ફિક્સ પગારની સેવા સફળતા પૂર્વક અને નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરતા સરકારના નિયમાનુસાર તેઓને હવે પૂર્ણ પગારના લાભો મળવા પાત્ર થયા છે. પુરા પગારના ઓર્ડર મળતા જ શિક્ષણ સહાયકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
નવયુક્ત પૂર્ણ પગારી શિક્ષકોને અભિનંદન પાઠવતા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ.એલ.દામાએ જણાવ્યું હતું શિક્ષકોની મહેનત અને સમર્પણને કારણે જ જિલ્લાની શાળાઓમાં શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે. આગામી સમયમાં પણ તેઓ આ જ ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓના ઘડતરમાં પોતાનું યોગદાન આપશે.
આ ઓર્ડર એનાયત કાર્યક્રમમાં શિક્ષણ નિરીક્ષકશ્રી ડૉ. રાકેશ ભોકણ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અન્ય અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
000
