બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકાના મોટાબોરીદાના 27 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવતા સારવાર દરમિયાન મોત*
*નિરાધાર ભાઈ-બહેન સાથે રહેતા હતા:ભાઈનું અકાળે મોત થતાં બહેન નોંધારી બનતા માથે આભ તુટ્યું*
સુખસર,તા.12

દાહોદ જિલ્લામાં અવાર-નવાર ઝેરી દવા પી અથવા ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કરવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે.તેવી જ રીતે ચારે એક દિવસ અગાઉ સુખસર તાલુકાના મોટાબોરીદા ગામના 27 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઉંદર મારવાની દવા પી લેતા સારવાર દરમ્યાન દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ સુખસર તાલુકાના મોટાબોરીદા ખાતે રહેતા મેહુલભાઈ ઉદેસીગભાઇ ભાભોર ઉંમર વર્ષ આશરે 27 ના ધોરણ 12 સુધી અભ્યાસ કરેલ હતો.અને જેઓએ 7 નવેમ્બર શુક્રવારના રોજ કોઈક અગમ્ય કારણોસર ઉંદર મારવાની રોટેક્સ નામની દવા પી લેતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં લઈ જવામાં આવેલ. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ત્રણેક દિવસની સારવાર બાદ મેહુલભાઈની તબિયત લથડતા મંગળવારના રોજ મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે મૃતક મેહુલભાઈની બેન છાયાબેન ઉદેસીગભાઈ ભાભોરે સુખસર પોલીસમાં જાહેરાત આપતા પોલીસે આકસ્મિક મોત અન્વયે ગુનો દાખલ કરી લાશનું દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે પી.એમ બાદ લાશનો કબજો તેમના વાલી વારસોને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
*મૃતક યુવાનના પરિવારની કરમની કઠણાઈ વિચિત્ર છે*
મૃતક યુવાનના પિતા વ્યવસાયે વકીલ હતા.જેઓને સંતાનમાં બે પુત્રો તથા એક પુત્રી હતી.જ્યારે મૃતક યુવાનના
પિતાને ગત 15 વર્ષ અગાઉ કેન્સરની બીમારી થતાં મરણ ગયેલ હતા.અને માતા પણ કોઈક બીમારીમાં વર્ષો પહેલા મરણ ગયેલ ત્યારબાદ મોટો ભાઈ ભણતર છોડી છૂટક મજૂરી ધંધો કરવા બહારગામ મજૂરી જતો હતો. અને તેના કોન્ટ્રાક્ટર દ્વારા રાજસ્થાનના ભીલવાડા મજૂરી કામે લઈ ગયેલ. જ્યાં તેની શંકાસ્પદ હાલતમાં રેલવે ગરનાળામાંથી એક મહિના બાદ કોરોના સમય કાળ દરમ્યાન લાશ મળી આવી હતી.આમ માતા,પિતા અને ભાઈની છત્ર છાયા ગુમાવ્યા બાદ ભાઈ મેહુલ તથા બહેન છાયા કરમની કઠણાઈ સમજી જીવી રહ્યા હતા. ત્યારબાદ 7 નવેમ્બર 2025 ના રોજ ભાઈ મેહુલે પણ કોઈક અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નીપજતા બહેન છાયા નિરાધાર બની છે. ત્યારે માતા પિતા અને બે ભાઈઓના મોત નજરે જોનાર દીકરી કે બહેનના માથે આભ તૂટી પડ્યાનો અહેસાસ થાય તે સ્વાભાવિક છે.