બાબુ સોલંકી :- સુખસર
*બલૈયા પંથકમાં પુનઃ કમોસમી વરસાદ થતાં ખેડૂતોના પાક સહિત ઘાસમાં સંપૂર્ણ નુકસાન*
*ફતેપુરા સહિત સુખસર તાલુકામાં કમોસમી વરસાદના દિવસો વિતવા છતાં પાકનું સર્વે કરવામાં આવેલ નથી*
સુખસર,તા.4

ફતેપુરા તાલુકા સહિત સુખસર તાલુકામાં થોડા દિવસ અગાઉ કમોસમી વરસાદ થતાં ડાંગર તેમજ અન્ય પાકોને નુકસાન થવા પામ્યું હતું. વરસાદથી ભીંજાયેલા ડાંગર જેવા પાકો તથા ઘાસને સુકવવા ખેડૂતો કામે લાગી થોડા ઘણા અંશે અનાજ તથા ઘાસ બચાવવાની કોશિશ કરી રહ્યા હતા.ત્યારેજ ગત રાત્રિના ફરીથી કમોસમી વરસાદ થતાં અનાજ સહિત ઘાસ સંપૂર્ણ રીતે ભીંજાઈ જતા ખેડૂતોની ધારણા ખોટી પડી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ થોડા દિવસ અગાઉ સુખસર સહિત ફતેપુરા તાલુકામાં મોટાભાગના ગામડાઓમાં કમોસમી વરસાદ થતાં ખાસ કરીને ડાંગર જેવા પાકો તેમજ ઘાસ ભીંજાઈ જતા ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા હતા.પરંતુ ખેડૂતોએ અનાજ તથા ઘાસ બચાવવા ખેતરોમાંથી અનાજ સાથે ઘાસ ખેતરોના શેઢા પાળી ઉપર લાવી અનાજ સહિત ઘાસને સુકવવા કામે લાગ્યા હતા.પરંતુ ફરીથી ગતરોજ રાત્રીના એકાએક કમોસમી વરસાદ ત્રાટક્યો હતો.જેમાં બચાવ માટે સેઢા પાળી કે ખુલ્લી જમીનમાં રાખેલા ભીંજાયેલા ડાંગરનો પાક અને ઘાસ સુકાય જેમાંથી થોડી ઘણી આવક સહિત પશુઓને ઘાસચારો મળી રહેશે તેવી આશા બંધાયેલી હતી.પરંતુ ગતરાત્રિના વરસાદે પડતા ઉપર પાટુ પડતું હોય તેમ કમોસમી વરસાદ વરસતા ઘાસ અને અનાજ માટે ખેડૂતોને જેઆશા હતી તેના ઉપર પણ પાણી ફરી વળ્યું છે.જેથી ખેતીવાડી માટે કરેલ ખર્ચ વ્યર્થ ગયો છે.તેમજ આવનાર સમયમા પશુઓને ખવડાવવા માટે ઘાસચારાની પણ તીવ્ર તંગી ઊભી થાય તેવા અણસાર જણાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે ખેડૂતોની ખેતી નિષ્ફળતા માટે સરકાર તાત્કાલિક ધ્યાન આપે અને સહાય જાહેર કરે તેવી ખેડૂતોની માંગ ઉભી થવા પામેલ હોવાનું જાણવા મળે છે.
થોડા દિવસ અગાઉ કમોસમી વરસાદના કારણે અમારો તૈયાર થયેલ ડાંગરનો પાક પાણીમાં ડૂબી જતા અમોને નુકસાન થયું હતું.અને થોડું ઘણું અનાજ તથા ઘાસ મળી રહે તેના માટે અમોએ પ્રયત્નો કર્યા હતા.પરંતુ ગઈ રાત્રે ફરીથી કમોસમી વરસાદ થતાં અનાજ અને ઘાસ બચાવની આશા ઉપર પાણી ફરી વળ્યા છે.તેમજ આજ દિન સુધી અમારા વિસ્તારમાં ખેતી નિષ્ફળના સર્વે કરવા કોઈ નેતા, તલાટી,ગ્રામ સેવક કે કોઈ અધિકારી આવ્યા નથી.તાત્કાલિક સર્વે કરવામાં આવે અને અમોને પાક નિષ્ફળની સહાય કે વીમો મળે તેવી અમારી માંગ છે.
*(મનસુખભાઈ જીવાભાઈ માલ બાવાની હાથોડ,સ્થાનિક ખેડૂત,)*
અમોએ કમોસમી વરસાદથી ભીંજાઈ ગયેલો ડાંગરનો પાક અમારા મકાન સહિત રોડની આસપાસમાં સુકવવા માટે મૂક્યો હતો.પરંતુ ગઈ રાત્રીએ ફરીથી કમોસમી વરસાદ થતાં ફરીથી ડાંગર અને ઘાસ પલળી લઈ જતા અમોને મોટું નુકસાન થયું છે.અને હવે અનાજ કે ઘાસ કોઈ કામ આવે તેવું રહ્યું નથી.અમોએ ખેતીમાં કરેલ ખર્ચ વ્યર્થ ગયો છે.અમોને વહેલી તકે સરકાર પાક નિષ્ફળ વીમો આપે તેવી માંગ છે.
*(કનુભાઈ કાળુભાઈ પટેલ મોટી નંદુકણ,સ્થાનિક ખેડૂત)*