Friday, 31/10/2025
Dark Mode

દેવગઢ બારિયાના વાજબી ભાવના દુકાનદારોની ચીમકી : નવેમ્બર મહિનાથી વિતરણથી અળગા રહેવાની જાહેરાત

October 31, 2025
        2040
દેવગઢ બારિયાના વાજબી ભાવના દુકાનદારોની ચીમકી : નવેમ્બર મહિનાથી વિતરણથી અળગા રહેવાની જાહેરાત

દેવગઢ બારિયાના વાજબી ભાવના દુકાનદારોની ચીમકી : નવેમ્બર મહિનાથી વિતરણથી અળગા રહેવાની જાહેરાત

દાહોદ તા. ૩૧

દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા તાલુકાના વાજબી ભાવના દુકાનદારો દ્વારા તેમની વર્ષોથી લટકતી પડતર માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે અસહકાર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપી જાણ કરવામાં આવી છે કે જો સરકાર તેમની માંગણીઓનો તાત્કાલિક નિકાલ નહીં કરે તો તેઓ નવેમ્બર–૨૦૨૫ માસના જથ્થાના ચલન નહીં ભરે તેમજ ૧ નવેમ્બરથી વિતરણ કામગીરીથી સંપૂર્ણપણે અળગા રહેશે.

 

એસોસિએશન દ્વારા જણાવાયું છે કે, વર્ષોથી પુરવઠા મંત્રાલય અને સંબંધિત અધિકારીઓ સમક્ષ વિવિધ રજૂઆતો છતાં સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી. દુકાનદારોની મુખ્ય માંગણીઓમાં કમિશન દરમાં વધારો, ઈ–પ્રોફાઇલમાં તકેદારી સહાયકનો ઉમેરો, સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બે બીલો ઉતારવાની સુવિધા, સમિતિના સભ્યોના ૮૦ ટકા બાયોમેટ્રિક વેરિફિકેશનના પરિપત્રનો રદબાતલ, સમયસર કમિશનની ચુકવણી અને ટેક્નિકલ–વહીવટી પ્રશ્નોના નિરાકરણ જેવી બાબતોનો સમાવેશ થાય છે.

 

રાજ્યના બન્ને સંગઠનો — ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન — દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકાર દ્વારા માંગણીઓનો નિકાલ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

 

દુકાનદારોના આ નિર્ણયથી તાલુકામાં અનાજ વિતરણ વ્યવસ્થામાં અસ્થિરતા સર્જાય તેવી શક્યતા છે. એસોસિએશન ના પ્રમુખ આસીફ મનસુરી, મંત્રી રાજુભાઈ શાહ, ભરત ભાઈ ત્રીવેદી ખજાનચી સહીત દ્વારા મામલતદાર ને વિનંતી કરવામાં આવી છે કે ગ્રાહકોને અનાજ વિતરણમાં મુશ્કેલી ન પડે તે માટે આ બાબતને ગંભીરતાથી લઈ રાજ્ય સરકાર સુધી યોગ્ય રજૂઆત કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!